જામનગરના જીવા દોરી સમાન રણજીત સાગર ડેમને 'સૌની' યોજનાથી ભરવાની કામગીરી પૂર્ણતાના આરે
- માત્ર બે ઇંચ છલકાવાથી દૂર: પ્રતિદિન ૨૦૦ ક્યુસેક પાણીની રણજીતસાગર ડેમમાં કરાય છે આવક
- રંગમતી ડેમ પણ બે દિવસમાં જ 'સૌની' યોજના હેઠળ પૂરો ભરી લેવા તંત્ર ની કાર્યવાહી
જામનગર,તા.20 સપ્ટેમ્બર 2022,મંગળવાર
ગુજરાત રાજ્ય સરકારની 'સૌની' યોજના હેઠળ ચોમાસા દરમિયાન જે જળાશયો પૂર્ણ ભરાવવામાં અથવા તો છલકાવામાં બાકી રહી ગયા હોય, તેવા જળાશયો ને ભરવાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના પાંચ જળાશયોને ઓવરફ્લો કરી દેવાયા છે, જ્યારે રણજીતસાગર અને રંગમતીડેમ ને ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને બે દિવસમાં બન્ને ડેમ છલકાઈ જાય, તે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લાના પાંચ જળાશયો પૈકી ઉન્ડ-૧ ડેમ, રસોઈ ડેમ, કંકાવટી ડેમ, સપડા ડેમ, અને રૂપાવટી ડેમને છેલ્લા એકાદ માસના સમયગાળા દરમિયાન 'સૌની' યોજના હેઠળ પાણી ઠાલવીને ભરી લેવાયા છે, અથવા તો તમામ જળાશયો ઓવરફ્લોર થયા છે.
જે કાર્યવાહી અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને જામનગરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ કે જે પૂર્ણ ભરાવા પર બાકી હતો, અને તેમાં અઢી ફૂટની સપાટી બાકી હતી.
વરસાદી સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્ય સરકારની 'સૌની' યોજના હેઠળ રણજીત સાગર ડેમમાં છેલ્લા એકાદ પખવાડિયાથી પાણી ઠાલવવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે, અને હાલ પ્રતિદિન ૨૦૦ ક્યુસેક પાણી 'સૌની' યોજના હેઠળ છોડવામાં આવી રહ્યું છે.
રણજીતસાગર ડેમ આજની સ્થિતિએ ૯૬ ટકા ભરાઈ ગયો છે, અને આવતીકાલે વહેલી સવાર સુધીમાં રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ જશે. આ ઉપરાંત 'સૌની' યોજના હેઠળ રંગમતી ડેમ કે જે પણ ચોમાસાની સિઝન દરમિયાન ભરાવાનો બાકી રહ્યો છે, અને 'સૌની' યોજના હેઠળ તેમાં પ્રતિદિન ૧૫૦ ક્યુસેક પાણી ઠાલવવામાં આવી રહયું છે. જે ડેમ પણ હાલ ભરાવાની તૈયારીમાં છે, અને આવતીકાલે સાંજ સુધીમાં ડેમ પૂરો ભરાઈ જાય તેવી શક્યતાઓ છે.
'સૌની' યોજના હેઠળ જામનગર જિલ્લાના સાત જળાશયોને પાણીથી ભરી દેવા માટેની યોજના અમલમાં મુકાઈ હતી, જે પૈકી પાંચ જળા થયો ઓવરફ્લો થઈ ગયા છે, અને બે જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, અને સૌની યોજના હેઠળની કાર્યવાહી ત્યારબાદ પૂર્ણ કરાશે.