જામનગર ભાજપમાં ભડકો : સતવારા સમાજનાં નારાજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા રાજીનામું


વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીના મુદ્દે સતવારા સમાજમાં અસંતોષ : સતવારા સમાજનાં 1,80,000 જેવા મતદારો હોવા છતાં એકપણ ટિકિટ આપી નહીં, જે સમાજનાં ફકત 25,000 મતદારો છે, તેને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ

જામનગર, : જામનગર ગ્રામ્ય 77 -વિધાનસભા વિસ્તારની બેઠક માટે સતવારા સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પાટીદાર સમાજને ટિકિટ ફાળવાઈ હોવાથી સતવારા સમાજ ખફા થયો છે. આ મામલે મોટા પ્રમાણમાં સતવારા સમાજનાં હોદ્દેદારો અને અગ્રણીઓની તાકીદની બેઠક યોજાઇ હતી અને ભાજપનાં હોદ્દેદાર એવા સતવારા સમાજના આગ્રણીએ રાજીનામું ધરી દીધું હતું તેમજ સતવારા સમાજને ન્યાય આપે તેની તરફેણમાં મતદાન કરવા નિર્ણય લેવાયો હતો.

જામનગરના સતવારા સમાજના અગ્રણી એવા જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભનુભાઈ માધુભાઈ ચૌહાણે ગઈકાલે જિલ્લા ભાજપના પ્રમુખને રાજીનામું આપી દીધું છે. પોતાના સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરીને તેમણે ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જે પક્ષ સતવારા સમાજને ન્યાય આપશે તેને મતદાન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજીનામાના પત્ર તેમજ સતવારા સમાજની બેઠકને લઈને 77-ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખને આપેલા રાજીનામામાં ભનુભાઈ ચૌહાણે આક્રોશ ઠાલવ્યો છે કે, હું છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું તેમજ જામનગર-દ્વારકા જિલ્લા સતવારા સમાજનો પ્રમુખ છું. અમારો સતવારા સમાજ બન્ને જિલ્લામાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ છે અને ગમે તેવા સમયમાં પાર્ટીનો સાથ છોડયો નથી. પરંતુ સતવારા સમાજને ભાજપ તરફથી જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, પાર્ટીના પ્રમુખ જેવા કોઈપણ જાતના મહત્વના હોદાઓ આપવામાં આવ્યા નથી. આ વખતની વિધાનસભાની ચુંટણીમાં ધારાસભાની ટિકિટ માટે પ્રદેશ હોદેદારો સુધી રજુઆત કરવામાં આવી હતી, પરંતુ બંને જિલ્લામાં મળીને સતવારા સમાજના કુલ 1,80,000 જેવા મતદારો હોવા છતાં પણ એકપણ ટિકિટ આપવામાં આવી નથી. જે સમાજનાં ફકત 25000 જેટલા મતદારો હોય તે સમાજને ટિકિટ આપવામાં આવી છે. તેના પરથી આ સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં સતવારા સમાજની કોઈ ગણના નથી.

વધુમાં જણાવ્યું છે કે, સતવારા સમાજને કોગ્રેસ પાર્ટી દ્વારા 2017માં ધારાસભાની ટિકિટ જામનગર ગ્રામ્ય મત વિસ્તારમાં આપવામાં આવી હતી અને વિજેતા પણ બન્યા હતા. તેમાં સતવારા સમાજે રાજીનામું અપાવીને તેમને ભાજપમાં ભેળવ્યા, છતાં આજ સુધી તેમની પણ અવગણના કરવામાં આવે છે. તેથી હું જામનગર-દ્વારકા જિલ્લાનો સતવારા સમાજનો પ્રમુખ હોવાને લીધે નૈતિક જવાબદારી બને છે કે, જે પાર્ટી દ્વારા મારા સમાજને આટલો મોટો અન્યાય થતો હોય તે પાર્ટીનાં કોઈપણ હોદા ઉપર મારે રહેવું જોઈએ નહીં. તેથી હાલમાં હું જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદ પર છું. તેના પરથી તથા સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા તેમણે અંતમાં જણાવ્યું છે. જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભનુભાઈ માધુભાઈ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ રાજીનામું મોકલી આપ્યું છે.

City News

Sports

RECENT NEWS