જામનગર: ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં ટ્રેક્ટર ચલાવવાના પ્રશ્ને બે જૂથો વચ્ચે તકરાર
- સામ સામે તલવાર-લાકડી વડે હુમલામાં ત્રણ વ્યક્તિ ઘાયલ: બંને પક્ષે સામસામી ફરીયાદ
જામનગર, તા. 30 નવેમ્બર 2020, સોમવાર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં ટ્રેક્ટર ચલાવવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી મારામારીનો બનાવ બન્યો હતો, અને તલવાર-લાકડી વડે હુમલો કરાયો હતો. બંને પક્ષે ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ છે. જે અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ભૂપતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાને ટ્રેક્ટર રસ્તામાં ઉભૂ રાખવાના પ્રશ્ને પોતાના ઉપર તેમજ પોતાના કાકાના દીકરા ગોપાલસિંહ જાડેજા ઉપર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશી ભગીરથસિંહ જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત સામાપક્ષે ભગીરથસિંહ દોલુભા જાડેજાએ પોતાના પર હુમલો કરી લાકડી વડે મુઢ માર મારવા અંગે કાળુભા રાજભા જાડેજા અને ગોપાલ સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જે મારામારીમાં ત્રણેયને સામાન્ય ઇજા થવાથી હોસ્પીટલમાં સારવાર અપાઇ છે. ધ્રોલ પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.