For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લીલી પરિક્રમા બાદ ગિરનાર જંગલમાંથી દરરોજ નીકળતો 500 કિલો જેટલો કચરો

Updated: Nov 24th, 2022

Article Content Image

વન વિભાગે સફાઈ માટે 6 સંસ્થાઓને મંજુરી આપી , હજુ 15ને અપાશે  સફાઈ દરમ્યાન દારૂની બોટલ તેમજ વાંધાજનક ચીજવસ્તુઓ પણ મળી આવી, સંસ્થાઓ દ્વારા એકત્ર કચરાને કરાતો મહાનગરપાલિકાનાં હવાલે

જૂનાગઢ, : ગિરનારની પરિક્રમા દરમ્યાન લાખો યાત્રિકો ઉમટી પડયા હતા અને પરિક્રમાનાં રૂટ પર ઠેર-ઠેર કચરાનાં ગંજ ખડકાયા હતા. રૂટની સફાઈ માટે વન વિભાગે હાલ ૬ સંસ્થાઓને મંજુરી આપી છે. જેનાં દ્વારા રોજ પ૦૦ કિલો જેટલા કચરાનો નિકાલ કરી મનપાને સોંપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વન વિભાગ દ્વારા 15  જેટલી સંસ્થાઓને સફાઈ માટે મંજુરી આપવામાં આવશે. સફાઈ દરમ્યાન દારૂની બોટલો અને અન્ય વાંધાજનક વસ્તુઓ પણ મળતી હોવાનું જાણવા મળ્યું હતું.

ગત તા. 3 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે બે વર્ષ બાદ પરિક્રમા યોજાઈ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડયા હતા. પાંચ દિવસ દરમ્યાન 12 લાખ જેટલા યાત્રિકોએ પરિક્રમા કરી હતી. આ દરમ્યાન 36  કિલોમીટરનાં રૂટ પર કચરાનાં ગંજ ખડકાયા હતા. પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટીકની થેલીઓ લઈ કાપડની થેલી વિતરણ કરી હજારો કિલો પ્લાસ્ટીક જંગલમાં જતા પહેલા અટકાવ્યું હતું, તેમ છતાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ થયું હતું.

લીલી પરિક્રમા બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે. વન તંત્ર દ્વારા 6 જેટલી સંસ્થાઓને રૂટ પર સફાઈ માટે મંજુરી આપવામાં આવી છે. હાલ આ સંસ્થાઓ દ્વારા થઈ રહેલા સફાઈ અભિયાનમાં રોજ 500 કિલો જેટલો કચરો એકત્ર થઈ રહ્યો છે. હજુ જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડયો છે. આથી આગામી દિવસોમાં વન વિભાગ દ્વારા વધુ 15  સંસ્થાઓને મંજુરી આપવામાં આવશે.

હાલ એકત્ર થઈ રહેલા કચરાને વન વિભાગનાં ટ્રેકટર અને મેટાડોરમાં મહાપાલિકાને સોંપવામાં આવી રહ્યો છે અને મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. ગિરનાર પરિક્રમાનું ધામક દ્રષ્ટીએ વિશેષ મહાત્મય છે. તેમ છતાં અમુક યાત્રિકો દ્વારા જંગલમાં દારૂની બોટલ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ ફેંકવામાં આવી હતી. જે હાલ સફાઈ દરમ્યાન મળી રહી છે.

Gujarat