For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમે કોઈને બેવકૂફ ન બનાવી શકોઃ F-16 મુદ્દે જયશંકરે અમેરિકાની ઝાટકણી કાઢી

Updated: Sep 26th, 2022

Article Content Image

- અમેરિકા-પાક.ના સંબંધોથી કોઈનું ભલું થતું નથીઃ વિદેશમંત્રી

- અમેરિકન મીડિયા ભારત અંગે પૂર્વગ્રહ બાંધીને સમાચારો પ્રસિદ્ધ કરે છે તેવો વિદેશમંત્રી જયશંકરનો આરોપ 

વૉશિંગ્ટન : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોને અપગ્રેડ કરવા માટે અમેરિકાએ મદદની જાહેરાત કરી તેની ઝાટકણી કાઢતા અમેરિકાના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે અમેરિકા-પાકિસ્તાનના સંબંધોથી એકેય પક્ષનું ભલું થતું નથી. વિમાનોનો ઉપયોગ ક્યાં થાય છે તે બધા જાણે છે. બચાવ કરીને તમે કોઈને બેવકૂફ ન બનાવી શકો.

પાકિસ્તાનને એફ-૧૬ વિમાન અપગ્રેડ કરવા માટે અમેરિકાએ ૪૫ કરોડ ડોલરની આર્થિક સહાય કરી હતી. એ મુદ્દે અમેરિકાએ બચાવમાં કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનના વિમાનો અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એ મુદ્દે હવે એસ.જયશંકરે અમેરિકાની ઝાટકણી કાઢી હતી. યુએનની સુરક્ષા પરિષદમાં ભાગ લેવા માટે અમેરિકા ગયેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સાથે સંબંધો ગાઢ બનાવતા પહેલાં ગંભીરતાથી વિચારવું જોઈએ. બધા જાણે છે કે વિમાનોનો ઉપયોગ ક્યાં થાય છે? શસ્ત્રોનો ઉપયોગ ક્યાં થાય છે. તમે કોઈને બેવકૂફ બનાવી ન શકો.

કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે એસ.જયશંકરે અમેરિકન મીડિયાની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ભારતને લગતી ઘટનાઓ વખતે અમેરિકાના મુખ્યધારાના અખબારો પૂર્વગ્રહથી સમાચારો પ્રસિદ્ધ કરે છે. આખી ઘટનાને ફેરવીને નવી રીતે રજૂ કરવામાં આવે છે. વિદેશમંત્રીએ વર્તમાન વૈશ્વિક રાજકારણના સંદર્ભમાં ભારતનું મહત્ત્વ દર્શાવતા કહ્યું હતું કે વિશ્વ જ્યારે વિવિધ જૂથોમાં વેચાઈ રહ્યું છે, ત્યારે ભારતની તટસ્થ નીતિ વધારે અગત્યની છે. ભારતની નીતિ વધારે પ્રસ્તૃત બની રહી છે. ભારત એક સેતુ છે, ભારત એક દૃષ્ટિકોણ છે. ભારત એક અવાજ છે. ભારતની સર્વસમાવેશક નીતિ વિકાસશીલ દેશો માટે અવાજ ઉઠાવે છે.

Gujarat