For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું આંદોલન હજી તો શરૂ થયું છે : ટ્રમ્પ

મહાભિયોગમાંથી નિર્દોષ છૂટતાં ટ્રમ્પે બાંયો ચઢાવી

બદલો લેવા એક પક્ષે કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો, મને ૭૫ મિલિયન લોકોએ વોટ આપ્યો ઃ ટ્રમ્પ

Updated: Feb 14th, 2021

Article Content Image

વોશિંગ્ટન, તા. ૧૪

ચાર દિવસની મહાભિયોગ ટ્રાયલ પછી કેપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદમાં થયેલી હિંસા માટે લોકોને ઉશ્કેરવાના આરોપમાંથી નિર્દોષ છૂટતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે બાંયો ચઢાવતા કહ્યું કે, આંદોલન તો હજી શરૂ થયું છે. ટ્રમ્પે જાહેર જીવનમાં સક્રિય થવાના સંકેત આપ્યા હતા. 

ટ્રમ્પે બાઈડેન તંત્ર પર નિશાન સાધતા કહ્યું કે એક પક્ષ બદલો લેવા માટે દેશના કાયદાનો હથિયાર તરીક ઉપયોગ કરી રહ્યો છે. ૧૦૦ સભ્યોની સેનેટમાં ડેમોક્રેટ્સના ૫૦ સેનેટર હતા. તેમની સાથે સાત રિપબ્લિકન સેનેટર્સે પણ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આમ છતાં મહાભિયોગ માટે જરૂરી બે તૃતિયાંશ બહુમતી થઈ શકી નહીં. નિર્દોષ છૂટયા પછી ટ્રમ્પે કહ્યું કે કોઈપણ પ્રમુખે આવો દિવસ જોવો પડયો નથી. અમેરિકા માટે આ એક દુઃખદ સમય છે કે એક પક્ષને ન્યાય વ્યવસ્થાને બદનામ કરવા, ભીડનો ઉત્સાહ વધારવા અને પક્ષ વિરુદ્ધ બોલનારાઓનો અવાજ દબાવવાની ખુલ્લી છૂટ અપાઈ છે.

ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું અભિયાન હજી તો શરૂ થયું છે. આગામી મહિનાઓમાં હું આપને મારી યોજનાઓ જણાવીશ. આપણા લોકો માટે અમેરિકન મહાનતાને હાંસલ કરવાનો અભૂતપૂર્વ પ્રયાસ ચાલુ રાખવા તરફ હું નજર રાખી રહ્યો છું. આપણે આગળ ઘણું કામ કરવાનું છે. અમેરિકાના અમર્યાદિત, ઉજ્જવળ અને વાયબ્રન્ટ ભવિષ્ય માટે એક વિઝન સાથે આપણે આગળ વધીશું.

તેમણે કહ્યું કે મેં નિયમોનું હંમેશા ચેમ્પિયન તરીકે પાલન કર્યું છે અને કરતો રહીશ. અમેરિકા શાંતિપસંદ દેશ છે અને ન્યાય વ્યવસ્થામાં ટોચના પદો પર બેઠેલા લોકો દિવસની ચર્ચા કોઈપણ દુર્ભાવના વિના પૂરી કરશે. આ આપણા દેશમાં વિચ હંટનું એક પ્રકરણ છે. અમેરિકામાં કોઈપણ પ્રમુખ સાથે આવું થયું નથી. આ મારી સાથે એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે ૭૫ મિલિયન લોકોએ મને વોટ આપ્યો હતો અને આ ઈતિહાસ છે. વિરોધી એ બાબતને ભૂલાવી નથી શક્યા. ટ્રમ્પે આ પ્રસંગે વકીલો, સેનેટરોનો આભાર પણ માન્યો હતો.

Gujarat