For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટ્રમ્પે એચ-1બી, એલ-1 પ્રવાસ પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ આપી

- આઈટી પ્રોફેશનલ્સ અને હેલ્થ સેક્ટરના કર્મચારીઓને રાહત

- અગાઉના એમ્પ્લોયરને ત્યાં પાછા ફરવા માગતા એચ-1બી, એલ-1, જે-1 વિઝાધારકોને છૂટછાટનો લાભ મળશે

Updated: Aug 13th, 2020

Article Content Image

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરૂવાર

એચ-1બી સહિતની વિવિધ વિઝા કેટેગરીઓ પર પ્રતિબંધો મૂકીને ટીકાઓનો સામનો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા, એલ-1 પ્રવાસ વિઝા કેટેગરીમાં કેટલીક છૂટછાટો આપવાની જાહેરાત કરી છે.

વિઝા પ્રતિબંધોના કારણે અમેરિકામાં નોકરી ગુમાવનારા આઈટી પ્રોફેશનલ્સ અને હેલૃથકેર સેક્ટરમાં કામ કરનારા લોકો અગાઉ નોકરી કરતા હતા ત્યાં જ પાછા ફરતા હોય તો તેવા લોકોને ટ્રમ્પ તંત્રની છૂટછાટોથી રાહત મળશે. આ નિર્ણયથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ફાયદો થવાની સંભાવના છે. 

અમેરિકન વિદેશ મંત્રાલયના સલાહકારે જણાવ્યું હતું કે 22મી જૂને પ્રમુખ ટ્રમ્પના એચ-1બી વિઝા પ્રતિબંધોના આદેશમાં અપાયેલી છૂટમાં પ્રાઈમરી વિઝાધારકની પત્ની અને બાળકોને પણ તેમની સાથે પ્રવાસની મંજૂરી અપાશે.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના સલાહકારે જણાવ્યું કે જે અરજદારો અમેરિકામાં તેમની અગાઉની કંપનીમાં નોકરી માટે અરજી કરશે તેમને એચ-1બી વિઝાની કેટલીક શરતોમાં રાહતનો લાભ મળી શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 22મી જૂન મહિનામાં એચ-1બી વિઝાધારકો સહિત કેટલાક મહત્વના નોન-ઈમિગ્રન્ટ વિઝાધારકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ટ્રમ્પે આ વિઝાધારકો પર કોવિડ-19ની મહામારીના કપરાકાળમાં અમેરિકનોની નોકરી ખાઈ જતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયને ભારત સહિત દુનિયાના અનેક આઈટી પ્રોફેશનલ માટે મોટા ફટકા સમાન જોવામાં આવતો હતો. જોકે, હવે ટ્રમ્પ તંત્રે વિઝા પ્રતિબંધને વૈકલ્પિક બનાવી દીધો છે, જેથી એચ-1બી વિઝાધારકોને કેટલીક શરતો પર અમેરિકામાં પ્રવેશની મંજૂરી મળશે.

જોકે, હવે ટ્રમ્પ તંત્રે એચ-1બી વિઝા ધરાવતા ટેકનિકલ નિષ્ણાતો, ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટ અને અન્ય કર્મચારીઓને પણ પ્રવાસની મંજૂરી આપી છે. એટલું જ નહીં, તેમનો પ્રવાસ અમેરિકાના તુરંત અને નિરંતર આિર્થક સુધારાને સુવિધાજનક બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.  ટ્રમ્પ તંત્રે જણાવ્યું છે કે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતાં એમ્પ્લોયર્સ પર વર્તમાન વિદેશી કર્મચારીઓને બદલવાનું દબાણ કરવાથી તેમના પર નાણાકીય બોજ વધશે. 

ટ્રમ્પ તંત્રે એવા વિઝાધારકોને પણ અમેરિકામાં પ્રવેશની મંજૂરી આપી છે, જે હેલૃથ સેક્ટરમાં ખાસ કરીને કોવિડ-19 મહામારીની અસર દૂર કરવા માટે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહોમાં એચ-1બી, એલ-1 અને જે-1 વિઝાધારકોને છૂટછાટ આપવા માટે કેટલાક સાંસદોએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો.

Gujarat