For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'દક્ષિણ ચીન સમુદ્ર'માં અમેરિકા અને ચીને સામસામે પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવ્યા

- દરિયાના પાણીમાં આગ લગાવવાની તૈયારી?

- અમેરિકાના જાસૂસી વિમાનો પણ ઉડી રહ્યાં છે : બી-2 બોમ્બર વિમાનો રેડારમાં પકડાયા વગર દુશ્મન સીમામાં ઘૂસી શકે છે

Updated: Aug 13th, 2020

Article Content Image

વૉશિંગ્ટન, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરૂવાર

અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામા આવી ચૂક્યા છે. બન્ને દેશો સાઉથ ચાઈના સી વિસ્તારમાં પોતાના હિથયારો વધારી રહ્યાં છે. અમેરિકાએ અહીં પોતાના બી-2 બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, તો ચીને સામે એચ-6જે વિમાનો ખડક્યા છે.

બન્ને દેશના વિમાનો પરમાણુ બોમ્બર એટલે કે પરમાણુ બોમ્બ ફેંકવા સક્ષમ છે.  અમેરિકાના સ્ટેલૃથ (રેડાર ન પકડી શકાય એવા) આધુનિક ગણાતા 3 ફાઈટર વિમાનો હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગ્રેસિઆ ટાપુ પર આજે આવી પહોંચ્યા હતા. 2016 પછી આ  પહેલો પ્રસંગ છે, જ્યારે અમેરિકાએ પરમાણુ સક્ષમ વિમાનો આ વિસ્તારમાં મોકલ્યા છે. 

ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા વૂડી આઈલેન્ડ નામના ટાપુ પર બોમ્બર વિમાનો એચ-6જે ગોઠવ્યા છે. આ વિમાનોએ ટાપુ આસપાસના વિસ્તારોમાં ઉડાન પણ ભરી હતી. આ વિમાનો પણ પરમાણુ બોમ્બ પ્રહાર કરવા સક્ષમ છે. એ ઉપરાંત એ મિસાઈલ સજ્જ પણ છે.

ચીને જોકે કેટલા વિમાનો ગોઠવ્યા એ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. પરંતુ બન્ને દેશો વચ્ચે સમુદ્રના પાણીમાં ભડકો થાય એવુ તંગ વાતાવરણ સર્જાયું છે. સાઉથ ચાઈના ઉપર અમેરિકાના જાસૂસી વિમાનો ઈ-8સી પણ ઉડાન ભરી રહ્યાં છે.

આ વિમાનો પેસેન્જર પ્લેન જેવા જ દેખાતા હોવાથી એ સર્વેલન્સ વિમાન હોવાની શરૂઆતમાં ખબર પડતી નથી. અમેરિકાએ ગોઠવેલા બી-2 સ્ટેલૃથ હોવાથી દુશ્મનોના રેડારમાં પકડાયા વગર કે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કર્યા વગર તેની હવાઈ સીમામાં પ્રવેશ કરી શકે છે. 

મલેશિયાએ ચીનનો સમુદ્રી દાવો ફગાવ્યો

મલેશિયાએ ચીનનો વિરોધ કરતાં દક્ષિણ ચીન સમુદ્ર પરનો ચીનનો દાવો ઠુકરાવ્યો હતો. મલેશિયા ભાગ્યે જ ચીનનો વિરોધ કરે છે. કેમ કે મલેશિયાનું સૌથી મોટું વેપારી પાર્ટનર ચીન છે. પણ મલેશિયાએ થોડા દિવસ પહેલા રાષ્ટ્રસંઘને આવેદનપત્ર સોંપ્યું છે. જેમાં સાઉથ ચાઈના સીમાં ચીન કઈ રીતે દાદાગીરી જમાવી રહ્યું છે એ સ્પષ્ટતા કરી છે. સાથે સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન જ્યાં દાવો કરે છે એ કેટલોક ભાગ પોતાનો હોવાનું પણ મલેશિયાએ જણાવ્યું હતું. આમ વધુ એક દેશે ખુલીને ચીનનો વિરોધ કર્યો છે.

Gujarat