For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાનો ત્રીજો તબક્કો બે મહિનામાં, સ્થિતિ અત્યંત ગંભીર : WHO

- યુરોપના વિકસિત દેશોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કોરોનાની બીજી લહેર

- યુરોપમાં નાતાલના તહેવારોમાં લોકડાઉન ઉઠાવવા વેપારીઓની સરકારોને વિનંતી

Updated: Nov 22nd, 2020

Article Content Image

અમેરિકામાં કોરોનાના નવા 1,77,552 કેસ, વધુ 1448નાં મોત : મેક્સિકોમાં કોરોનાથી એક લાખનાં મોત

સમયસર પગલાં નહીં લેવાય તો વધુ નુકસાન થશે

જાપાનમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,508 કેસ, સતત ચોથા દિવસે કેસમાં ઊછાળો  

જ્યુરિચ/વોશિંગ્ટન, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર

અમેરિકા અને યુરોપ હજુ તો કોરોનાની બીજી લહેરના મારમાંથી બેઠા પણ નથી થયા ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ દુનિયાને ખાસ કરીને યુરોપના વિકસિત દેશોને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે.

વૈશ્વિક સંસ્થાએ ભારપૂર્વક કહ્યું છે કે કોરોના વાઈરસનો પ્રસાર રોકવા માટે યુરોપીયન દેશોએ પર્યાપ્ત ઉપાય નથી કર્યા, તેના કારણે યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે. ભારતમાં પણ તહેવારોના સમયમાં પ્રજાની બેદરકારી અને સરકારની નરમાઈને પગલે કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 

લોકો સાવધાની નહીં રાખે અને સરકારો કડક વલણ નહીં દાખવે તો સમગ્ર વિશ્વ ફરી એક વખત લોકડાઉન તરફ ધકેલાઈ શકે છે, જે ફરીથી બેઠા થતાં અર્થતંત્રો પર પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશેષ દૂત ડેવિડ નાબરોએ કહ્યું કે હજી પણ સમય છે, કોરોના મહામારીને રોકવા માટે આકરાં પગલાં લેવામાં નહીં આવે તો 2021ની શરૂઆતમાં દુનિયાએ ખાસ કરીને યુરોપના દેશોમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર આવી શકે છે.

નાબરોએ ઉમેર્યું હતું કે ઊનાળાના સમયમાં યુરોપીયન દેશો કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નિષ્ફળ ગયા છે. આથી દુનિયાએ કોરોના વાઈરસની બીજી લહેરના પ્રકોપનો સામનો કરવો પડયો છે. યુરોપીયન દેશો હજુ પણ કોરોનાનો પ્રસાર રોકવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરી શકે તો આગામી વર્ષની શરૂઆતમાં તેમણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે.

યુરોપમાં કોરોનાની બીજી લહેર વચ્ચે નવા કેસોમાં સતત ઊછાળો આવી રહ્યો છે. જર્મની અને ફ્રાન્સમાં સંયુક્તરૂપે 33,000 નવા કેસ સામે આવ્યા છે. સ્વીટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયામાં પણ દૈનિક હજારો કેસ સામે આવી રહ્યા છે. તુર્કીમાં એક દિવસમાં વિક્રમી 5,532 નવા કેસ નોંધાયા છે. આવી પરિસ્થિતિમાં સરકાર અને વેપારીઓને અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે.

યુરોપના અનેક દેશોમાં નોન-ફૂડ રિટેલર્સ માટે કુલ વાષક વેચાણમાંથી 20થી 50 ટકા જેટલું વેચાણ બ્લેક ફ્રાઈડે પ્રમોશનથી ક્રિસમસ અને નવા વર્ષના ચાર સપ્તાહમાં થાય છે. પરંતુ, 2020માં તહેવારના આ સમયમાં યુરોપીયન દેશોમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યા છે. સમગ્ર યુરોપમાં રિટેલર્સે શોપિંગ માટે સૌથી મહત્વના આ સમયમાં લોકડાઉન ઉઠાવવા માટે સરકારોને વિનંતી કરી છે.

માર્ચમાં કોરોનાનો પ્રસાર વધતા બે મહિનામાં યુરોઝોનમાં રીટેલ વેચાણ 21 ટકા જેટલું ઘટયું હતું, જે લોકડાઉન ઉઠાવી લેવાતાં ઝડપથી વધ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરથી રિટેલ વેચાણમાં ફરી ઘટાડો શરૂ થયો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારો લોકોના જીવ બચાવવા કે અર્થતંત્ર બચાવવાની અવઢવમાં સપડાઈ છે. 

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોન્સન બ્રિટનના બીજી ડિસેમ્બરે પૂરા થતાં બીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવા અંગે સોમવારે જાહેરાત કરે તેવી સંભાવના છે. જોકે, તેઓ દેશ માટે ટાયર સિસ્ટમને વધુ મજબૂત કરે તેવી સંભાવના છે.

બ્રિટીશ મંત્રી રીશી શૌનકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્હોન્સન સોમવારે સંસદ સમક્ષ 2જી ડિસેમ્બરથી એક મહિના લાંબા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની તેમજ ટાયર સિસ્ટમ એટલે કે કોરોનાના કેસ વધુ હોય ત્યાં નિયંત્રણો મૂકવા અને અન્ય વિસ્તારોમાં છૂટછાટ આપવાની સિસ્ટમમાં પુન: પ્રવેશની યોજનાઓ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. દરમિયાન અમેરિકામાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,77,552 કેસ નોંધાયા છે અને વધુ 1,448નાં મોત નીપજ્યાં છે. 

આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 1,20,88,410ને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 2,55,861 થયો છે તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલમાં જણાવાયું છે. છેલ્લા બે સપ્તાહમાં દૈનિક 1,00,000થી વધુ કેસ નોંધાયા. મેક્સિકોમાં પણ કોરોનાથી મૃત્યુઆંક 1,00,000ને પાર થયો. એક લાખથી વધુ મોત થયા હોય તેવો વિશ્વનો ચોથો દેશ બન્યો. દક્ષિણ કોરિયામાં પણ સતત ત્રીજા દિવસે કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે. 

આ સાથે દક્ષિણ કોરિયામાં કોરોનાના કુલ કેસ 30,733 થયા છે તેમ કોરિયાની ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (કેડીસીએ)એ જણાવ્યું હતું. જાપાનમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત ચોથા દિવસે વિક્રમી ઊછાળો આવ્યો હતો. જાપાનીસ સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ જાપાનમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,508 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ 1,30,891 થયા છે અને વધુ 11નાં મોત સાથે મૃત્યુઆંક 1,987 થયો છે. કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતમાં પણ 24 કલાકમાં કોરોનાના 1,588 નવા કેસ નોંધાયા છે.

Gujarat