મિસ ગોલ્ફની જાળમાં ફસાયા બૌદ્ધ ભિક્ષુઓ: રૂ.100 કરોડ પડાવ્યા, 80 હજારથી વધુ ફોટો-વીડિયો મળ્યા
તસવીર : ENVATO
Thailand Monk Blackmailing Scandal: થાઈલેન્ડમાં 35 વર્ષીય મહિલાએ સૌથી મોટું કૌભાંડ આચર્યું છે, જેણે દેશની આસ્થાના પાયા ડગમગાવી નાખ્યા છે. મહિલાએ પહેલા બૌદ્ધ સાધુઓને પ્રેમજાળામાં ફસાવીને વાંધાજનક ફોટો અને વીડિયો બનાવ્યા પછી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે માત્ર નવ બૌદ્ધ ભિક્ષુઓ પાસેથી 100 કરોડ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી.
થાઈ પોલીસે મહિલાને પકડી પાડી છે
અહેવાલો અનુસાર, થાઈ પોલીસે આ મહિલાને પકડી લીધી છે. તેનું નામ મિસ ગોલ્ફ છે. તપાસ દરમિયાન પોલીસે મહિલાના ઘરમાંથી 80000થી વધુ ફોટો અને વીડિયો મળ્યા છે. મહિલા ફોટો અને વીડિયોના આધારે બૌદ્ધ ભિક્ષુઓને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી હતી. અત્યાર સુધીની તપાસમાં પોલીસને નવ બૌદ્ધ ભિક્ષુઓ મળ્યા છે જે મિસ ગોલ્ફની જાળમાં ફસાયા હતા. જોકે, આ બૌદ્ધ ભિક્ષુઓ સંખ્યા વધુ પણ હોઈ શકે છે.
મિસ ગોલ્ફનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
મિસ ગોલ્ફ ઘણાં સમયથી બૌદ્ધ ભિક્ષુઓને બ્લેકમેઈલ કરી રહી હતી. કારણ કે, બૌદ્ધ ભિક્ષુઓ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે અને આ નબળાઈનો લાભ લઈને મિસ ગોલ્ફ ભિક્ષુઓને પ્રેમજાળમાં ફસાવતી હતી. જૂન મહિનામાં પોલીસને અહેવાલ મળ્યા કે બેંગકોકના એક બૌદ્ધ ભિક્ષુએ અચાનક ભિક્ષુનું જીવન છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ અહેવાલ ચોતરફ ફેલાઈ ગયા હતા. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે, આ બૌદ્ધ ભિક્ષુ બ્લેકમેઇલિંગનો શિકાર બન્યો છે.
આ પણ વાંચો: હાથ પર ઈજા, પગમાં સોજો... ટ્રમ્પ એક બીમારીથી પીડાઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2024ના મે મહિનામાં મિસ ગોલ્ફે આ બૌદ્ધ ભિક્ષુ સાથે સંબંધ બાંધ્યા હતા અને બાદમાં તેમણે દાવો કર્યો હતો કે, માતા બનવાની છે અને બાળકની સંભાળ માટે બૌદ્ધ ભિક્ષુ પાસે 70 લાખ થાઈ બાહ્ત (લગભગ 18.52 કરોડ રૂપિયા)ની માંગણી કરી હતી.
થાઈ પોલીસને અંદાજ પણ નહોતો કે એક ભિક્ષુના સંન્યાસ છોડવાથી આટલું મોટું કૌભાંડ સામે આવશે. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી, ત્યારે એક પછી એક નવા-નવા ઘટસ્ફોટ થતા રહ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ આખું કૌભાંડ 100 કરોડ રૂપિયાથી વધુનું છે અને આ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું.
થાઈલેન્ડમાં 90 ટકાથી વધુ લોકો બૌદ્ધિસ્ટ
થાઈલેન્ડમાં 90 ટકાથી વધુ લોકો બૌદ્ધ ધર્મમાં માને છે અને બૌદ્ધ ભિક્ષુઓનું આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. દેશની બૌદ્ધ સંસ્થાઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસે ગેરવર્તણૂકમાં સામેલ ભિક્ષુઓને કડક સજા આપવાની તૈયારી પણ કરી છે. દંડની સાથે, તેમને જેલની સજા પણ થઈ શકે છે.