બ્રિટનના નવા વડાપ્રધાને આર્થિક વૃદ્ધિ વધારવા પર્સનલ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો

નવા વડાપ્રધાન લિઝ ટ્રસે આર્થિક વૃદ્ધિ વધારવા પર ભાર મૂક્યો

નવી યોજનામાં નોકરિયાતોને બદલે ઉદ્યોગપતિઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનો વિપક્ષ લેબર પાર્ટીનો આક્ષેપ


 

લંડન, તા. ૨૩

બ્રિટનમાં નવી સરકારે શુક્રવારે ટેક્સમાં ઘટાડો કરવા માટે એક વિસ્તૃત યોજનાની જાહેરાત કરતા જણાવ્યું છે કે વધેલા ખર્ચની ભરપાઇ ઉધારી અને આવક વૃદ્ધિ સાથે કરવામાં આવશે. નવી યોજના હેઠળ કોર્પોરેટ ટેક્સના વધેલા દરો તાત્કાલિક પરત લેવામાં આવ્યા અને વ્યકિતગત આવકવેરામાં આગામી વર્ષથી ઘટાડાની જાહેરાત કરવામાં આવી.

મોંઘી રોજિંદી જરૃરિયાતોથી લોકોને રક્ષણ આપવા અને અર્થવ્યવસ્થામાં થઇ રહેલા ઘટાડાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. નાણા પ્રધાન ક્વાસી ક્વાટેંગે નવી યોજનાની ટૂંકમાં જ માહિતી આપી હતી. તેમણે આ યોજનાની કોઇ વિસ્તૃત માહિતી આપી ન હતી.

જો કે સરકારની આ નવી યોજનાથી સરકારના ઋણ અને ઉધારી પર કેટલી અસર થશે. બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસે જણાવ્યું છે કે તેમની કન્ઝર્વેટિવ સરકાર આર્થિક વૃદ્ધિ સાથે ટેક્સ ઘટાડવા પર ભાર મૂકશે.

તેમણે ચાલુ સપ્તાહમાં જાહેરાત કરી હતી કે તે નોકરીઓ અને રોકાણને આકર્ષિત કરવા માટે બેંક અધિકારીઓના બોનસ વધારવા જેવા અલોકપ્રિય નિર્ણય લેવા માટે તૈયાર છે.

સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ ઉદ્યોગોને તાત્કાલિક રાહત મળશે. આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને લાંબા ગાળે સરકારની આવકમાં વૃદ્ધિ થશે.

ક્વાટેંગે જણાવ્યું હતું કે આપણે એક નવા યુગ માટે એક નવા દ્રષ્ટિકોણની જરૃર છે. જેમાં વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુખ્ય છે. શુક્રવારના નિવેદનને બજેટને બદલે નાણાકીય આયોજન નામ આપવામાં આવ્યું હતું. વિપક્ષ લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે નવી યોજનમાં નોકરિયાતોને બદલ ઉદ્યોગપતિઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

 

 

City News

Sports

RECENT NEWS