લગ્નમાં સંગીત વગાડવા બદલ 13 લોકોની તાલિબાને ક્રૂરતાથી હત્યા કરી


અધિકારો આપવાની વાતો કરનારૂ તાલિબાન વધુ ઘાતકી બન્યું

કોરોનાથી ત્રાહિમામ ખેડૂતો પર તાલિબાને ધાર્મિક ટેક્સ નાખ્યો, જમીનો પર કબજો કરવાની આતંકીઓની કવાયત

કાબુલ : અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાન આમ નાગરિકોની સામાન્ય કારણોને લીધે હત્યા કરવા લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર તાલિબાને લગ્નમાં ગીતો વગાડવા બદલ 13 લોકોની હત્યા કરી નાખી છે. આ દાવો અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સલેહે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાલિબાને આ સામૂહિક હત્યાકાંડ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યો હતો. 

ટ્વિટર પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહે કહ્યું હતું કે નાનગરહાર પ્રાંતમાં એક લગ્ન સમારોહમાં વાગી રહેલા સંગીતને બંધ કરાવવા માટે 13 લોકોની હત્યા કરી નાખી હતી. આ પ્રકારની ક્રૂર હત્યાઓને માત્ર વખોડવાથી નહીં ચાલે તાલિબાન સામે અવાજ ઉઠાવવો પડશે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સમૂહિક હત્યાકાંડમાં માત્ર તાલિબાન જ નહીં પાકિસ્તાનનો પણ હાથ છે. 

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પાકિસ્તાને તાલિબાનને આમ નાગરિકોની હત્યા માટે 25 વર્ષથી તાલિમ આપી છે અને મદદ કરતું રહ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સંસ્કૃતિનો નાશ કરવા માગે છે અને પોતાની જાસૂસી સંસૃથા આઇએસઆઇને આ સંસ્કૃતિનું સૃથાન આપવા માગે છે કે જેથી આપણી ધરતી પર તે કાબુ મેળવી શકે અને તે કામ પણ કરી રહ્યું છે.

તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન અને રેડિયો પર મ્યૂઝિક બંધ કરાવ્યું તેમજ મહિલા એંકરોને કામ કરતી અટકાવી દીધી. સંગીત પર પ્રતિબંધ મુકી દીધો. ગયા મહિને જ તાલિબાને અફઘાનિસ્તાનની સંગીતની રાષ્ટ્રીય સ્તરની ઇન્સ્ટિટયૂટને બંધ કરી દીધી હતી. અફઘાનિસ્તાનના ખેડૂતોને પણ તાલિબાન પરેશાન કરવા લાગ્યું છે. નવા નિયમો મુજબ તાલિબાન ખેડૂતો પાસેથી સંપત્તિનો 2.5 હિસ્સો ધાર્મિક કર તરીકે માગી રહ્યું છે.

કોરોના મહામારીથી ત્રસ્ત અફઘાનિસ્તાનના ખેડૂતો પર તાલિબાને ધાર્મિક ટેક્સ લાગુ કરી દીધો છે જે તેમના પાકમાંથી વસુલવામાં આવશે. જેને પગલે અફઘાનિસ્તાનના ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે અને વિરોધ કરે તેવી શક્યતાઓ છે. અગાઉ મહિલાઓને દબાવી, સંગીત પર પ્રતિબંધ મુક્યો, શિક્ષણ સંસૃથાઓને બંધ કરવા લાગ્યું અને હવે ખેડૂતો પર તાલિબાન અત્યાચાર કરી રહ્યું છે. 

City News

Sports

RECENT NEWS