સઉદી પ્રિન્સ સલમાને ટ્રમ્પની એક પણ વાત ન સાંભળી : અબ્રહામ એકોર્ડમાં જોડાશે નહીં

- અમારા લોકો ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા તૈયાર નથી ઇઝરાયલે ખસી જવું જોઇએ : પેલેસ્ટાઇનને માન્યતા અપાવી જોઇએ
રીયાદ : સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગત સપ્તાહે મંત્રણા થઇ હતી. ટ્રમ્પે તે મીટીંગને સફળ દર્શાવી હતી. પરંતુ મીડીયા રીપોર્ટ પ્રમાણે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી તે મંત્રણા દરમિયાન બંનેનાં મુખ ઉપર તંગદિલી દેખાતી હતી.
મીડીયા કેમેરાથી દૂર બંને વચ્ચે કેટલાક મતભેદોને લીધે તંગદિલી પ્રવર્તી હતી. તેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો, અબ્રાહમ એકોર્ડનો હતો. સઉદી અરબસ્તાન તેમાં જોડાય તેમ ટ્રમ્પનો આગ્રહ હતો. પરંતુ સઉદી પ્રિન્સે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તે ઉપરાંત એક એવી શર્ત મુકી કે જે પુરી કરવી મુશ્કેલ બની. તેથી હવે ફરી અબ્રહામ એકોર્ડની વાત ઉઠાવી શકાશે જ નહીં.
આ એકોર્ડ ૨૦૨૦માં ઇઝરાયલ અને અમેરિકાએ કરી હતી. તેમાં યુ.એ.ઇ. અને બહેરિન જેવા દેશો સામેલ કરાયા હતા. કાઝાખીસ્તાન પણ તેમાં જોડાયું હતું. ટ્રમ્પ ઇચ્છે છે કે તે એકોર્ડમાં વધુને વધુ ઇસ્લામિક દેશો ખાસ કરીને મિડલ ઇસ્ટના દેશો તેમાં સભ્ય બને જેથી મધ્ય પૂર્વમાં શાંતિ રહે.
આ અંગે પ્રિન્સ સલમાને કહી દીધું કે મારા દેશની જનતા તે માટે 'ના' કહે છે જો અમારે જોડાવું હોય તો પહેલાં ટુ-સ્ટેટ ફોર્મ્યુલા સ્વીકારાય અને પેલેસ્ટાઇનને માન્યતા મળે. વળી અમારા લોકો ઇઝરાયલ સાથે સંબંધો સારા કરવા તૈયાર જ નથી. ઇઝરાયલે પાછા હઠી જવું જોઇએ. અને પેલેસ્ટાઇનને માન્યતા મળવી જોઇએ. આ ઉપરાંત ઇરાનનો પરમાણુ કાર્યક્રમ પ્રબળ રીતે આગળ વધવા દેવો જોઇએ. ગાઝામાં નાની મોટી અથડામણો પણ બંધ થવી જોઇએ. ઇઝરાયલી સેનાએ સંપૂર્ણ રીતે ખસી જવું જોઇએ.
નિરીક્ષકો કહે છે કે પ્રિન્સ સલમાનની એક પણ વાત અમેરિકા સ્વીકારી શકે તેમ નથી. તો બીજી તરફ અબ્રાહમ એકોર્ડમાં જોડાવાની પ્રિન્સ સલમાને સ્પષ્ટ ના કહી દીધી છે. ટૂંકમાં સલમાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું અને ટ્રમ્પે ભવ્યાતિભવ્ય ભોજન સમારંભ પણ યોજ્યો તેમ છતાં પરિસ્થિતિ સ્કવેર વન (જૈસે થે) પર આવી છે.




