For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાનો કહેરઃ આ દેશે ભારતથી આવતા લોકોની એન્ટ્રી પર મુક્યો પ્રતિબંધ

Updated: Apr 8th, 2021

Article Content Image

- પ્રતિબંધના સમય દરમિયાન ન્યૂઝીલેન્ડની વ્યક્તિ પણ ભારતમાં હશે તો પરત નહીં જઈ શકે

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર

જે રીતે ભારતમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે તે જોતા સમગ્ર વિશ્વની નજર હાલ ભારત પર અટકી છે. ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખઈને ન્યૂઝીલેન્ડે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ મુકી દીધો છે જે 11મી એપ્રિલથી અમલી ગણાશે. 

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને 11મી એપ્રિલથી 28મી એપ્રિલ સુધી ભારતથી આવતા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેવી જાહેરાત કરી હતી. આ નિયમ ન્યૂઝીલેન્ડમાં 11મી એપ્રિલે સાંજે 4:00 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવશે. 

ન્યૂઝીલેન્ડની કોઈ વ્યક્તિ જો ભારતમાં હશે અને આ દરમિયાન પરત જવા ઈચ્છતી હશે તો તેને પણ પોતાના દેશમાં એન્ટ્રી નહીં મળે. મતલબ કે, હવે 28મી એપ્રિલ બાદ જ કોઈ ભારતથી ન્યૂઝીલેન્ડ જઈ શકશે. ઉપરાંત ભવિષ્યમાં શું સ્થિતિ રહે છે તેના આધારે આ નિયમ લાગુ રાખવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. 

ભારતમાં જે રીતે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે. છેલ્લા 4 દિવસમાં ભારતમાં કોરોનાના 5 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા છે. માત્ર બે દિવસમાં જ 2.5 લાખ જેટલા કેસ સામે આવ્યા છે જે ખૂબ ગંભીર કહી શકાય. 

એક સમયે ન્યૂઝીલેન્ડ કોવિડ ફ્રી જાહેર થયું હતું. બાદમાં થોડા કેસ સામે આવ્યા હતા પરંતુ ત્યાંની સ્થિતિ હંમેશા કાબૂમાં રહી છે. શુક્રવારથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ પણ હિસ્સો લઈ રહ્યા છે. 

Gujarat