Iran vs Israel War Updates : પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ જતા દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર, ઈરાને ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 4 શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. ઈઝરાયલી વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, ગત એપ્રિલ મહિનામાં થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ ઈરાન દ્વારા તેમના પર કરવામાં આવેલો આ પ્રથમ સીધો મિસાઈલ હુમલો છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
IRAN VS ISRAEL WAR UPDATES
ઈઝરાયલે ઈરાનના પેટ્રોકેમિકલ કોમ્પલેક્સને નિશાન બનાવ્યું
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઇઝરાયલે ઇરાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા માહશહર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (Mahshahr petrochemical complex) પર આ હુમલો કર્યો છે. મિડલ ઇસ્ટમાં બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવ અને એકબીજા પર કરાયેલા મિસાઈલ હુમલાના જવાબમાં ઇઝરાયલે આ સૈન્ય કાર્યવાહી કરી છે, જેમાં લશ્કરી લક્ષ્યાંકોની સાથે ઇરાનના એનર્જી (ઊર્જા) સાઇટને પણ નિશાન બનાવવામાં આવી છે. ખાસ કરીને, બંને દેશો વચ્ચે ગત 8 એપ્રિલના રોજ થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ ઇરાનની અંદર કોઈ એનર્જી સાઇટ પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ સીધો હુમલો છે, જેનો મુખ્ય હેતુ ઇરાનના આર્થિક અને ઔદ્યોગિક માળખા પર સૈન્ય દબાણ વધારવાનો માનવામાં આવી રહ્યો છે.
ઈઝરાયલ પર ત્રણ તરફી હુમલા
ઈઝરાયલ પર ઈરાને તો ખરા જ પણ સાથે હિઝબુલ્લાહ અને યમન તરફથી હુતી લડાકૂઓએ પણ રોકેટ અને મિસાઈલ હુમલા કર્યાની માહિતી ખુદ ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ આપી છે.
ઈરાને ઈઝરાયલ પર ફરી મિસાઇલો વરસાવી
ઈઝરાયલમાં એરસ્પેસ બંધ, ઈરાન તરફથી મિસાઈલો ઝીંકાઈ

સાઉદીમાં પણ હુમલો
સાઉદીના પાટનગર રિયાધમાં પ્રિન્સ સુલતાન એરબેઝ પર પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધના ભણકારાં વાગી રહ્યા છે.
મધ્યપૂર્વમાં હાઈએલર્ટ : ઈરાક અને સીરિયાને હવાઇ ક્ષેત્રો બંધ કર્યા
લેબેનોન પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને સોમવારે ઈઝરાયલ પર અંધાધૂંધ મિસાઈલો દાગીને યુદ્ધવિરામનો અંત આણતાં જ સમગ્ર મિડલ ઈસ્ટમાં હાઈ-અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મોટા સૈન્ય એક્શન બાદ ઈરાને પોતાના પશ્ચિમી ભાગનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેની સીધી અસર આસપાસના દેશો પર પણ પડી છે. સુરક્ષાના કારણોસર ઈરાકે આગામી 72 કલાક માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે સીરિયાએ પણ 12 કલાક માટે પોતાનું દક્ષિણ એરસ્પેસ બંધ કરીને દમાસ્કસ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ્સ રોકી દીધી છે. બીજી તરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેસ (IDF) એ દેશના અનેક વિસ્તારોમાં સાયરન વગાડીને નાગરિકોને એલર્ટ કર્યા છે અને ઈરાની મિસાઈલોના આ મોટા ખતરાને હવામાં જ તોડી પાડવા માટે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય કરી દીધી છે.
ટ્રમ્પે ના પાડી તોય ઈઝરાયલે કરી વળતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઈરાનના હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ જોડે વાતચીત કરી હતી અને તેમને વળતી કાર્યવાહી ન કરવા સમજાવ્યા હતા. જોકે ટ્રમ્પની સમજાવટ પણ એળે ગઈ હતી અને ઈઝરાયલી સેનાએ ઈરાનના ચાર શહેરોને હચમચાવી દીધા હતા.
ઈઝરાયલે બદલો લીધાના અહેવાલ, ઈરાનના અનેક શહેરોમાં ધડાકા સંભળાયા
સત્તાવાર માહિતી અનુસાર ઈરાને હુમલો કર્યા બાદ ઈઝરાયલ તરફથી પણ વળતી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. ઈરાનના તબરીઝ, ઈસ્ફહાન અને તહેરાન શહેરમાં અનેક જગ્યાઓ પર ધડાકા સંભળાયા છે. ઈઝરાયલ દ્વારા બેલેસ્ટિક મિસાઈલ દ્વારા આ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે.
ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલા નથી કર્યા પણ બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી
આઈઆરજીસીના અહેવાલો અનુસાર ઈઝરાયલી સેના દ્વારા આ વખતે ફાઈટર જેટ દ્વારા નહીં પણ જહાજો દ્વારા બેલેસ્ટિક મિસાઇલો ઝીંકીને હુમલા કરવામાં આવ્યા છે.
IRGC એ વીડિયો શેર કરી ધમકી ઉચ્ચારી
લેબેનોન અને બેરૂત પરના હુમલાનો બદલો
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ પર આ મિસાઈલ હુમલા લેબેનોનની સ્થિતિને કારણે કરવામાં આવ્યા છે. ઈરાન ઈચ્છે છે કે ઈઝરાયલ લેબેનોન પર પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરે, પરંતુ ઈઝરાયલ ત્યાં હિઝબુલ્લાહ સહિતના અન્ય ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. તાજેતરમાં જ ઈઝરાયલે લેબેનોનની રાજધાની બેરૂતના બહારના વિસ્તારોમાં ભીષણ હુમલા કર્યા હતા. આ હુમલાઓ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી દ્વારા ઈરાન અને લેબેનોનના ધ્વજની એક સંયુક્ત તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે.
ઈઝરાયલે તમામ 'લક્ષ્મણ રેખા' પાર કરી: IRGC
હુમલાની પુષ્ટિ કરતા ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના સલાહકાર મોહસેન રેઝાઈએ જણાવ્યું કે, ઈરાને વારંવાર ચેતવણી આપી હતી કે તેઓ યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને લેબેનોન પરના હુમલા સહન નહીં કરે, અને હુમલાખોરોને તેનો જવાબ મળી ગયો છે. બીજી તરફ ઈરાની સૈન્ય ફોર્સ IRGC એ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, ઈઝરાયલ અમેરિકાની મિલીભગતથી લેબેનોનના નિર્દોષ લોકો પર પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બ જેવા હથિયારો વાપરીને 'વોર ક્રાઈમ' (યુદ્ધ અપરાધ) કરી રહ્યું છે. બેરૂત પર હુમલો કરીને ઈઝરાયલે તમામ 'લક્ષ્મણ રેખા' ઓળંગી દીધી છે. આ તરફ હિઝબુલ્લાહ દ્વારા પણ ડ્રોન અને મિસાઈલો વડે ઈઝરાયલી સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
જો ઈઝરાયલે પલટવાર કર્યો, તો અમેરિકી બેઝ બનશે નિશાન
ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાન તરફથી આવેલી તમામ મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે અને તે આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ઈઝરાયલની આ ધમકી સામે ઈરાને વળતો પ્રહાર કરતા ચેતવણી આપી છે કે, જો ઈઝરાયલે કોઈ પણ પ્રકારની જવાબી કાર્યવાહી કરી તો તેના પરિણામો વધુ વિનાશક હશે. એટલું જ નહીં, ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈઝરાયલી પલટવારની સ્થિતિમાં આ સમગ્ર ક્ષેત્ર (મિડલ ઈસ્ટ) માં આવેલા અમેરિકાના તમામ સૈન્ય મથકો (US Military Bases) ઈરાન માટે કાયદેસરના નિશાન બની જશે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના આ ગંભીર સૈન્ય તણાવ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઈમરજન્સી બ્રીફિંગ આપવામાં આવી છે.


