અમિત શાહના વિદેશ પ્રવાસની ગુપ્ત માહિતી આપો ને 10 કરોડ લઇ જાવ
- ખાલિસ્તાની આતંકી પન્નૂની નવી જાહેરાત
- અમિત શાહના ઇશારે નિજ્જરની હત્યા થઇ, સીઆરપીએફની સ્કૂલોનો બહિષ્કાર કરવામાં આવે : પન્નૂ
ન્યૂયોર્ક : અમેરિકામાં રહીને ભારત વિરોધી કૃત્યો માટે કુખ્યાત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂએ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને લઇને મોટી જાહેરાત કરી છે. પન્નૂએ કહ્યું છે કે અમિત શાહના વિદેશ પ્રવાસ અંગેની ગુપ્ત માહિતી આપનારાને ઇનામ આપવાની જાહેરાત કરી છે. સાથે જ સીઆરપીએફ સ્કૂલોનો બહિષ્કાર કરવા પણ કહ્યું છે. તેણે કહ્યું હતું કે અમિત શાહ સીઆરપીએફના વડા કહેવાય અને સીઆરપીએફ જ હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર છે. પન્નૂએ કહ્યું હતું કે નિજ્જરની હત્યા માટે અને મારી હત્યાના કાવતરા માટે અમિત શાહ જવાબદાર છે. જે પણ લોકો અમિત શાહના વિદેશ પ્રવાસની માહિતી આપશે તેને ૧ મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે. સીઆરપીએફ અમૃતસરમાં હુમલા માટે જવાબદાર છે. ૧૯૮૪માં શીખ વિરોધી હિંસા માટે પણ તે જવાબદાર છે. પંજાબના અધિકારી રહી ચુકેલા કેપીએસ ગીલ અને વિકાસ યાદવ હિંસા માટે જવાબદાર છે. તાજેતરમાં દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફની સ્કૂલની દિવાલ પાસે મોટો વિસ્ફોટ થયો હતો. એવા સમયે પન્નૂએ સીઆરપીએફની સ્કૂલોનો બહિષ્કાર કરવા કહ્યું છે.
પન્નૂની ધમકીઓ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારત અને કેનેડાના સંબંધો ખરાબ કરવા બદલ પણ ટ્રૂડો જવાબદાર છે. ટ્રૂડોને માત્ર શીખોના મત મેળવવામાં રસ છે. તેમને પરિણામોની કોઇ ચિંતા જ નથી, તેઓ માત્ર ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે કેનેડામાં નવા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવામાં આવશે. અગાઉ ટ્રૂડોએ પાંચ લાખ લોકોને કેનેડાની નાગરિકતા આપવાનું આયોજન કર્યું હતું જેની ટિંકા થતા હવે નરમ પડેલા ટ્રૂડોએ કહ્યું હતું કે અમે સંખ્યા ઘટાડીને ચાર લાખ સુધીની રાખીશું. દર વર્ષે આ સંખ્યા ઘટાડવામાં આવશે.