For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેલિફોર્નિયામાં ૪૮ કલાકમાં આગ દસ ગણી વધી : દિલ્હી કરતાં બમણો વિસ્તાર ખાક

૬૫,૪૭૪ એકરનો વિસ્તાર ભડકે બળ્યો

આગને કાબૂમાં લેવા માટે ૭૦૦ ફાયરફાઈટર્સ કામે લાગ્યા : ૨૫ હજાર લોકોને આગ પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કઢાયા

Updated: Aug 21st, 2021

Article Content Image

કેલિફોર્નિયામાં ભયાનક આગ ફાટી નીકળતા દિલ્હી કરતાં બમણો વિસ્તાર બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે ૬૫ હજાર એકરમાં આગ ફેલાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ૭૦૦ જેટલાં ફાયર ફાઈટર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે કહ્યું હતું કે આગના કારણે જંગલના ૮૬ ઢાંચાં બળીને ખાક થઈ ગયા છે. આગ લગભગ ૬૫ હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. જંગલ વિસ્તારમાં રહેતા ૨૫ હજાર લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ અસંખ્ય સજીવો બળીને ખાક થઈ ચૂક્યા છે.
સરકારી વિભાગના આંકડાં પ્રમાણે ૭૦૦ ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત મથી રહ્યા છે, પરંતુ આગ ઝડપભેર ફેલાઈ રહી છે. જો આગ સમયસર કાબૂમાં આવશે નહીં તો સાત હજાર મકાનો બળી જશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેલિફોર્નિયાના ઈતિહાસમાં આ જંગલની સૌથી ભયાનક આગ છે. આ આગ ૬૦ હજાર એકર કરતા વધુ વિસ્તારમાં માત્ર બે જ દિવસમાં ફેલાઈ ચૂકી છે.
ફાયર સેફ્ટી વિભાગે જંગલની આસપાસનો ૧૫ કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવી નાખ્યો છે. ચારેબાજુ ધુમાડાનું સામ્રાજ્ય ફેલાઈ જતાં જંગલ વિસ્તારમાં ચારેબાજુ હવાનું પ્રદૂષણ વધી ગયું છે.
ફાયર ફાઈટર્સની રાત-દિવસની મહેનત પછી પણ માંડ ૩૫ ટકા જેટલા વિસ્તારમાં જ આગને કાબૂમાં લઈ શકાઈ છે. જે વિસ્તાર બળીને ખાક થયો છે તેની સરખામણી કરવાની થાય તો ત્રણ મેનહટન શહેર જેટલો વિસ્તાર બળી ગયો છે. ભારતમાં જો સરખામણી કરવાની થાય તો પાટનગર દિલ્હીથી બમણો વિસ્તાર ભયાનક આગમાં સપડાઈ ચૂક્યો છે.
આગ ઓલવવાના પ્રયાસમાં ઘણાં ફાયર ફાઈટર્સને ઈજા પહોંચી હતી, પરંતુ ઈજાગ્રસ્તોનો આંકડો સરકારી વિભાગે અત્યારે જાહેર કર્યો ન હતો. અધિકારીઓએ કહ્યું હતું કે તીવ્ર હવા ચાલતી હોવાથી આગને કાબૂમાં લેવાનું વધારે મુશ્કેલ બની ચૂક્યું છે. લગભગ ૬૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવા ફૂંકાઈ રહી છે. તેના કારણે આગ વધારે ઝડપથી ફેલાઈ રહી છે. કેલિફોર્નિયાના જંગલોમાં જે વિસ્તારમાં ઝાડી-ઝાંખરા છે એનો મોટો હિસ્સો સૂકાયેલો છે. તેના કારણે આગ તીવ્રતાથી ફેલાઈ રહી છે.
આ બધા વચ્ચે હવામાન વિભાગે થોડીક રાહત બંધાવતા કહ્યું હતું કે આગામી સપ્તાહે વરસાદ થવાની પૂરી શક્યતા છે. જો વરસાદ થશે તો કેલિફોર્નિયાની આગ કાબૂમાં લેવામાં મદદ મળશે.

Gujarat