For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાંતિ માટે નોબેલ મેળવનારા ઈથોપિયન વડાપ્રધાને તિગરાઈમાં જંગ જાહેર કર્યો

બળવાખોરોને ડામવા માટે ઈથોપિયન પીએમનું આક્રમક વલણ

એરિટ્રિયા સાથે ચાલતા ૨૦ વર્ષ લાંબા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ૨૦૧૯માં આબી અહેમદને શાંતિનું નોબેલ મળ્યું હતું

Updated: Nov 30th, 2020

Article Content Image
તિગરાઈ, તા. ૩૦
તિગરાઈના બળવાખોરોને ડામવા માટે ઈથોપિયન વડાપ્રધાન આબી અહેમદ અલીએ જંગ જાહેર કરી દીધો છે. આબી અહેમદ અલીને ૨૦૧૯માં જ શાંતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમના આ નિર્ણયથી આશ્વર્ય સર્જાયું છે. આફ્રિકન યુનિયને પણ પીએમ આબી અહેમદ સાથે આ મુદ્દે વાટાઘાટો આદરી છે.
આબી અહેમદ અલી લોકશાહી, મહિલા ઉત્થાન, સર્વાંગી વિકાસ અને શાંતિ-સલામતિના નામે ઈથોપિયાની સત્તા સંભાળી હતી. એરિટ્રિયા-ઈથોપિયા વચ્ચે ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી જે સંઘર્ષ ચાલતો હતો એનો ઉકેલ આબી અહેમદે લાવ્યો હતો. એ માટે તેને ૨૦૧૯માં શાંતિનો નોબેલ પણ એનાયત થયો હતો.
પરંતુ આ શાંતિપ્રિય વડાપ્રધાને તિગરાઈમાં બળવાખોરોને ડામી દેવા માટે સૈન્ય ઓપરેશન શરૃ કરી દેતા આશ્વર્ય સર્જાયું છે. ઈથોપિયન સરકારે તિગરાઈમાં બળવાખોરોના ઠેકાણાને નિશાન બનાવીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. દુનિયાભરના નેતાઓએ આ જંગ રોકાય તે માટેના પ્રયાસો આદરી દીધા છે. આફ્રિકન યુનિયને પણ વડાપ્રધાન આબી અહેમદ સાથે ચર્ચા શરૃ કરી છે.
પીએમ આબી અહેમદના નિર્ણય પછી એવી દહેશત વ્યક્ત થવા લાગી છે કે જો તિગરાઈ બળવાખોરો અને ઈથોપિયન સરકાર વચ્ચે જંગ શરૃ થશે તો ઈથોપિયા લાંબાં સમય માટે ગૃહયુદ્ધમાં ધકેલાઈ જશે. એ સ્થિતિ નિવારવા માટે મધ્યસ્થી બનવા માટેના પ્રયાસો શરૃ થયા છે. ૨૦૧૮માં ઈથોપિયાની સત્તા સંભાળનારા વડાપ્રધાન આબી અહેમદ લોકપ્રિય અને શાંતિપ્રિય નેતા ગણાય છે. સત્તામાં આવતાની સાથે જ તેણે ઈથોપિયન કટોકટીમાં જેલમાં પૂરેલા લોકોને મુક્ત કરી દીધા હતા. લોકો સાથે પુરોગામી સરકારએ આચરેલી ક્રુરતા માટે પણ આબી અહેમદે સત્તાવાર રીતે નાગરિકોની માફી માગી હતી.

Gujarat