બ્રિટનમાં અસાધ્ય બિમારીના ઇલાજરૂપે ત્રણ માતાપિતા દ્વારા જન્મેલા આઠ સંતાનો તંદુરસ્ત
- ન્યુ કેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ નવી આઇવીએફ ટેકનિક વિક્સાવી
- બ્રિટને 2015માં માતાના ખરાબ માઇટોકાન્ડ્રીયાને હટાવવાની ટેકનિકને મંજૂરી આપેલી પણ અમેરિકામાં પ્રતિબંધ મુકવામાં આવેલો
ન્યુ કેસલ, યુકે : અસાધ્ય રોગો થવાની સંભાવના ધરાવતાં સંતાનોને માતાની ગંભીર બિમારીઓ વારસામાં ન મળે તે માટે ત્રણ માતાપિતા ધરાવતી એક આઇવીએફ ટેકનિક ન્યુ કેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવી હોવાનું ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે. આ ટેકનિક દ્વારા આઠ બાળકોને ગંભીર આનુવંશિક બિમારીઓમાંથી બચાવવામાં આવ્યા છે. આ નવી આઇવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકમાં પિતાના ડીએનએને સુરક્ષિત રાખી માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયાને દૂર કરવામાં આવે છે. માઇટોકોન્ડ્રીયા કોશિકાઓનેૈ ઉર્જાના કારખાના ગણવામાં આવે છે. જો તેમાં ખરાબી હોય તો લિવર, મસ્તક, હ્ય્દય, માંસપેશીઓ અને કિડની જેવી ઉર્જા વાપરનારાં અંગોને અસર થઇ શકે છે.
આ પ્રક્રિયામાં પહેલાં માતાના અંડને પિતાના શુક્રાણુઓથી ફલિત કરવામાં આવે છે. આ ફલિત થયેલાં અંડને બહાર કાઢી તેને દાન કરનારના ફલિત અંડમાં આરોપિત કરવામાં આવે છે. જેમાં પહેલેથી આ હિસ્સાને બહાર કાઢી લેવામાં આવ્યો હોય છે. હવે આ અંડકોશ સ્વસ્થ માઇટોકોન્ડ્રીયા અને માતાપિતાના ડીએનએ સાથે વિક્સિત થાય છે. આ રીતે માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયલ ડીએનએને સ્વસ્થ ડીએનએમાં ફેરવી નાંખવામાં આવે છે.
જેમને આનુવંશિક બિમારી થવાનું જોખમ હતું તેવી ૨૨ મહિલાઓ પર આ ટેકનિક અજમાવવામાં આવી હતી. તેમાંથી આઠ મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ચાર છોકરાં અને ચાર છોકરીઓ છે. તેમની ઉંમર હાલ છ મહિનાથી માંડી બે વર્ષ સુધીની છે. એક મહિલા હજી ગર્ભવતી છે. છ બાળકોની માતામાં ખરાબ માઇટોકોન્ડ્રીયલ ડીએનએનું પ્રમાણ ૯૫થી ૧૦૦ ટકા ઓછું હતું તો બે માતાઓમાં તેનું પ્રમાણ ૭૭થી ૮૮ ટકા ઓછું જણાયું હતું. આ તમામ આઠ બાળકો જન્મથી જ સ્વસ્થ છે અને તેમનો વિકાસ સામાન્ય છે.
માઇટોકોન્ડ્રીયલ બિમારીઓ દર પાંચ હજારે એક બાળકને અસર કરે છે. આ બિમારીઓ માતા તરફથી સંતાનને વારસામાં મળે છે. જેનો ઇલાજ સંભવ નથી. આ બિમારીઓને કારણે માંસપેશીઓ નબળી પડવી, નજર નબળી હોવી, ડાયાબિટિસ અને અંગો કામ ન કરે તેવી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે આઇવીએફમાં ડોક્ટર જોખમકારક અંડોને અલગ તારવી શકે છે પણ જો તમામ અંડમાં ખરાબી હોય તો આ નવી ટકનિક અજમાવવી પડે છે.
આ ટેકનિકમાં બાળકના ૯૯.૯ ટકા ડીએનએ માતાપિતાના હોય છે અને ૦.૧ ટકા ડીએનએ દાતા તરફથી મળે છે. જેને કારણે આ ટેકનિકને ત્રણ માતાપિતાના બાળકની ટેકનિક કહેવામાં આવે છે. કેટલાક ધાર્મિક જૂથોએ તેમાં ભૂ્રણને નષ્ટ કરવામાં આવતું હોઇ તેનો વિરોધ કરતાં યુએસમાં આ ટેકનિક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પણ બ્રિટને માઇટોકોન્ડ્ર્ીયલ દાન ઉપચારને માનવ શોધ માટે મંજૂરી આપી હતી. ૨૦૧૫માં આ ટેકનિકને મંજૂરી આપનારો બ્રિટન પ્રથમ દેશ હતો. સ્વીડનના પ્રજનન નિષ્ણાત નીલ્સ ગોરાને આ વિકલ્પને મહત્વપૂર્ણ ગણાવી તેને પરિવારો માટે રાહતકારક આપનારો કહ્યો હતો. જો કે, અમુક વિજ્ઞાનીઓના મતે હાલ આ ડેટા સિમિત છે અને તેને લાંબા સમયના સંશોધન અને નિરીક્ષણની જરૂર છે.