પૂર્વોત્તર પર કબજો કરવાનું ચીનનું કાવતરું : સુરક્ષા નિષ્ણાતોની ચેતવણી

ચીને ભૂતાનમાં બનાવેલા નવા ચાર ગામથી ભારતના 'ચીકન નેક' પર જોખમ

ભારત ભવિષ્યમાં પડકારરૂપ બનવા સક્ષમ હોવાના ડરથી ચીન એલએસી પર આક્રમક બન્યું છે : રાનાડે


નવી દિલ્હી, તા.૧૧
પ્રમુખ શી જિનપિંગના નેતૃત્વમાં ચીન ઝડપથી હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં તેની હાજરી વધારી રહ્યું છે. દાયકાઓથી ભારત પ્રત્યે ચીનનું વલણ આક્રમક રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી પૂર્વીય લદ્દાખથી લઈને અરૂણાચલ સુધી એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે અને જિનપિંગ અનેક વખત ચીની સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારતમાં અરૂણાચલની સરહદે નવા ગામ વસાવ્યા પછી ચીને ભૂતાનમાં પણ ચાર નવા ગામ વસાવ્યા છે. આ રીતે ચીને પૂર્વોત્તર ભારત પર કબજો કરવાનું કાવતરું ઘડયું છે. ચીનના આ પગલાંથી ભારતે સાવધ રહેવાની જરૂર છે.
કેબિનેટ સચિવાલયમાં અધિક સચિવ રહી ચૂકેલા અને હાલમાં સેન્ટર ફોર ચાઈના એનાલિસિસ એન્ડ સ્ટ્રેટેજીના પ્રમુખ જયદેવ રાનાડે જણાવ્યું હતું કે, એલએસી પર આક્રમક્તા પાછળ ચીનની ઘેરી ચાલ છે. તેની આ આક્રમક્તા બીજું કશું જ નહીં, પરંતુ ભારત તરફથી તેને લાગી રહેલા તેના ડરનું પરિણામ છે. ચીન તેનો આ ડર દૂર કરવા માટે જ એલએસી પર આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ચીનના લોકપ્રિય પોર્ટલ ઝિહુ પર ૭૨ પાનાનો એક લેખ પ્રકાશિત થયો હતો. આ પોર્ટલ બેઈજિંગ મ્યુનિસિપાલિટી કમ્યુનિસ્ટ પાર્ટીના નિરીક્ષણમાં ચાલે છે.
લેખમાં જણાવાયું છે કે ભારત ભવિષ્યમાં ચીન માટે 'મોટી સમસ્યા' બની શકે છે. તેની દલીલ એ છે કે હાલ ભારત ભલે ચીન કરતાં ઘણું પાછળ હોય, પરંતુ તે ચીનને પાછળ છોડવામાં સક્ષમ હશે અને ત્યારે તે ચીન સાથે બદલો લઈ શકે છે. આ લેખમાં સરકારને એવી પણ સલાહ અપાઈ છે કે ચીને અક્સાઈ ચીનની સાથે પાકિસ્તાને પચાવી પાડેલા સંપૂર્ણ કાશ્મીર (પીઓકે), બાલ્ટિસ્તાન અને ગિલગિટ પર પણ કબજો કરી લેવો જોઈએ. લદ્દાખ પર નિયંત્રણ કરવું જોઈએ. વધુમાં ચીને પૂર્વોત્તર ભારતના રાજ્યોને બાકી દેશથી અલગ કરી દેવા જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભારત ક્યારેય પણ ચીન માટે પડકારરૂપ બની શકે નહીં.
તેમણે જણાવ્યું કે, ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે નવા ગામ વસાવ્યા છે. વધુમાં ચીને ભૂતાનની સરહદમાં પણ ચાર નવા ગામ વસાવ્યા છે. આ વિસ્તાર પર પ્રભુત્વ જમાવીને ચીન ભારતના 'ચીકન નેક' તરીકે ઓળખાતા વિસ્તાર પર નિયંત્રણ મેળવવા માગે છે. આ રીતે તે પૂર્વોત્તરના રાજ્યોને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરી શકે છે. એટલું જ નહીં ચીને સરહદે વહેલી તકે સૈન્ય મોકલવામાં સરળતા રહે તે માટે દક્ષિણ તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી છે, જે છેક અરૂણાચલ નજીકના અંતિમ શહેર સુધી પહોંચે છે.
રાનાડે મુજબ દેશ માટે આગામી કેટલાક વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, આ સમયમાં શી જિનપિંગ વધુ શક્તિશાળી બનીને ઊભરી આવશે. સત્તા પર સંપૂર્ણપણે તેમનું જ નિયંત્રણ છે. તેમની ઈચ્છા ચીનના ઈતિહાસમાં માઓત્સે તુંગ અને ડેંગની જેમ અમર થઈ જવાની છે. તેના માટે તેઓ આક્રમક વિસ્તારવાદી નીતિ પર આગળ વધશે. ચીનની કુટિલ નીતિનો ઉલ્લેખ કરતા રાનાડેએ કહ્યું કે ભારત પણ તેને કાઉન્ટર કરવા માટે ઝડપથી પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે લખ્યું છે કે કટ્ટર રાષ્ટ્રવાદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની દાદાગીરી આગળ નરમ વલણ નહીં અપનાવે. તેઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે આક્રમક ચીનને કાઉન્ટર કરવા માટે કાર્યરત છે. તેથી એકબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ગઠબંધનો મારફત ચીનની ઘેરાબંદી થઈ રહી છે તો બીજીબાજુ ચીનનું પ્રભુત્વ છે તેવી સપ્લાય ચેઈન પર નિર્ભરતા ઘટાડવામાં આવી રહી છે.

City News

Sports

RECENT NEWS