For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના વિરોધ છતાં ચીને અરૂણાચલ પ્રદેશ અને ડોકલામમાં ગામો વસાવ્યા

પૂર્વીય લદ્દાખમાં શાંતિ જાળવવા સૈન્ય વાટાઘાટો માટે તૈયારી વચ્ચે ચીનની મેલી મુરાદ ખુલ્લી પડી

અરૂણાચલના શી યોમી જિલ્લામાં ચીને ૬૦ મકાનોનું બીજું ગામ વસાવ્યું, 93 કિ.મી. દૂર 100 મકાનોનું ગામ

Updated: Nov 19th, 2021


નવી દિલ્હી, તા.૧૮
ભારત સાથે શાંતિની વાતો કરતું ચીન એલએસી પર સતત અટકાળા કરી સરહદો પર તણાવપૂર્ણ સ્થિતિ જાળવી રાખી છે. ભારતના વિરોધ વચ્ચે ચીને અરૂણાચલ સરહદે ગામ વસાવવાનું અભિયાન ચાલુ જ રાખ્યું છે. તેણે છેલ્લા દોઢ વર્ષમાં અરૂણાચલ સરહદ નજીક વધુ એક ગામ વસાવી દીધું હોવાનો વધુ કેટલીક સેટેલાઈટ તસવીરોમાં ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં ચીને એક વર્ષમાં ભૂતાન સાથેની સરહદે વિવાદાસ્પદ ડોકલામ વિસ્તારમાં પણ એક નહીં, પરંતુ ચાર ગામ બનાવી દીધા છે. બીજીબાજુ ચીને પૂર્વીય લદ્દાખ સરહદે શાંતિ જાળવવા આગામી થોડાક દિવસોમાં ૧૪મા તબક્કાની સૈન્ય વાટાઘાટો યોજવા તૈયારી દર્શાવી છે.


ચીને અરૂણાચલ પ્રદેશમાં ૧૯૫૯માં પચાવી પાડેલી જમીન પર ૨૦૨૦માં એક ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના અહેવાલો પછી કેટલીક નવી સેટેલાઈટ તસવીરોમાં જણાયું છે કે આ ગામથી ૯૩ કિ.મી. દૂર ચીને ૬૦ મકાનોનું વધુ એક ગામ વસાવી દીધું છે. સેટેલાઈટ તસવીરો મુજબ ૨૦૧૯માં આ ગામ અહીં નહોતું, પરંતુ એક વર્ષ પછી અહીં ૬૦ મકાનોનું બાંધકામ જોવા મળ્યું છે. અરૂણાચલ પ્રદેશના શી-યોમી જિલ્લામાં બનેલા ચીની ગામનું નિર્માણ માર્ચ ૨૦૧૯થી ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે કરાયું છે. જોકે, સેટેલાઈટ તસવીરોમાં આ ગામમાં ચીની નાગરિકોએ વસવાટ કર્યો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

ચીનનું આ બીજું ગામ ભારતની સરહદથી લગભગ છ કિ.મી. અંદર છે અને આ વિસ્તાર વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) તથા આંતરરાષ્ટ્રીય સરહદ વચ્ચે છે. ભારતે હંમેશા આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો છે. નવી સેટેલાઈટ તસવીરોમાં ઘટસ્ફોટ થયા પછી ભારતીય સૈન્યે જણાવ્યું હતું કે, 'સેટેલાઈટ તસવીરોમાં જે વિસ્તાર દર્શાવાયો છે તે એલએસીથી ઉત્તરમાં ચીનના ક્ષેત્રમાં છે.'


ચીનના આ નવા ગામના અસ્તિત્વને સેટેલાઈટ તસવીરો પૂરી પાડતી દુનિયાની બે અગ્રણી કંપનીઓ મેક્સર ટેક્નોલોજીસ તથા પ્લેનેટ લેબ્સની તસવીરોએ પણ સમર્થન આપ્યું છે. અરૂણાચલ પ્રદેશના શી-યોમી જિલ્લાની આ તસવીરોમાં અનેક ઈમારતો જ નથી દેખાતી, પરંતુ એક ઈમારતની છત પર ચીનનો ધ્વજ પણ પેઈન્ટ કરાયેલો જોવા મળે છે. આ ઈમારત આકારમાં એટલી મોટી છે કે સેટેલાઈટ તસવીરોમાં પણ તે સ્પષ્ટપણે દેખાય છે. આ વિશાળ ધ્વજ મારફત ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો રજૂ કરતું હોવાનું જણાય છે.
નવા ગામનું સચોટ લોકેશન ભારત સરકારની ઓનલાઈન મેપ સર્વિસ ભારત મેપ્સ દ્વારા સ્પષ્ટ દર્શાવાયું છે. સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયાના નિરિક્ષણમાં ભારતના આ ડિજિટલ નક્શા તૈયાર કરાય છે, આ નકશાઓથી પણ એ બાબતની પુષ્ટી થાય છે કે આ લોકેશન ભારતીય સરહદની અંદર છે. ભારતીય નિષ્ણાતો પર એ બાબતની પુષ્ટી કરે છે કે સેટેલાઈટ તસવીરોમાં જે ગામ દેખાય છે, તે આંતરરાષ્ટ્રીય સરહદથી સાત કિ.મી. અંદર છે. ભારતના સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા દર્શાવાયેલી ભારતની સરહદોના બધા જ સત્તાવાર નકશાઓના આધારે ભારત મેપ્સના ડિજિટલ નકશાઓ પરથી આ બાબત સાબિત થાય છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગામની એક તસવીર ચીની સમાચાર સંસ્થા શિન્હુઆએ આ વર્ષે જુલાઈમાં પ્રકાશિત કરી હતી. તે સમયે ચીનના પ્રમુખ શી જિનપિંગે અરૂણાચલ પ્રદેશની સરહદ પર આ વિસ્તારનો પ્રવાસ કરી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નવી રેલવે લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. જિનપિંગે જે એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું ત્યાંથી આ નવું ગામ માત્ર ૩૩ કિ.મી. દૂર છે. ચીનના મુદ્દે ભારતના અગ્રણી રણનીતિક નિષ્ણાત બ્રહ્મ ચેલાનીએ જણાવ્યું હતું કે, નવું ગામ દર્શાવે છે કે કેવી રીતે ચીન ધીમે ધીમે ભારતની હિમાલયની સરહદોને પોતાનામાં ભેળવી રહ્યું છે. ચીને આ ગામનું ચીની નામ પણ રાખી દીધું છે, જ્યારે આ ગામ એ વિસ્તાર છે, જ્યાં ભાગ્યે જ કોઈ પણ ચીની ભાષા નથી બોલતું.

દરમિયાન ચીને ભારતની સરહદ 'ચિકન નેક' પાસેથી પસાર થતા ડોકલામ નજીક ભૂતાનની સરહદમાં ચાર ગામો વસાવ્યા છે. એક સમયે ડોકલામમાં માત્ર રસ્તો બનાવવા જતાં ભારત અને ચીન વચ્ચે સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી અને ભારતના આકરા વલણ પછી ચીને પીછેહઠ કરવી પડી હતી, પરંતુ હવે ચીને ડોકલામમાં તેની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. તાજા સેટેલાઈટ તસવીરો પરથી જણાય છે કે ચીને વર્ષ ૨૦૨૦-૨૧ વચ્ચે ભૂતાન સાથેના વિવાદાસ્પદ વિસ્તારમાં ડોકલામ નજીક ચાર ગામ બનાવ્યા છે. ચીનના આ ગામ ભારતની સરહદો માટે પણ જોખમી છે.
દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત-ચીન રાજકીય વાટાઘાટોમાં બંને દેશોએ પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ઘર્ષણ નિવારવા પેન્ડિંગ મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાન માટે વહેલી તકે ૧૪મા તબક્કાની સૈન્ય વાટાઘાટો યોજવા સંમતી દર્શાવી છે.

Gujarat