For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો, રશિયાને હરાવીશું : બ્રિટન સૈન્ય વડા

Updated: Jun 19th, 2022

Article Content Image

- રશિયા સામે અત્યંત ઘાતક સૈન્ય ઉભુ કરાશે : બ્રિટનના સૈન્ય વડાનું એલાન

- પુતિને યુક્રેન પર હુમલો કરી લોહીની નદીઓ વહાવીને સમગ્ર વિશ્વની સુરક્ષાને હચમચાવી નાખી છે : જનરલ પૈટ્રિક સેંડર્સ

- રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વર્ષો સુધી ચાલશે, યુક્રેનને અત્યંત આધુનિક હથિયારો પહોંચાડીશું : નાટો 

લંડન : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે બ્રિટનના ટોચના સૈન્ય જનરલે દરેક સૈનિકોને ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરવાના આદેશ આપ્યા છે. આ જનરલે કહ્યું છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં રશિયાની સામે લડવા માટે તૈયાર રહો. સાથે તેમણે રશિયાના પ્રમુખ પુતિન પર યુક્રેનમાં ખુનની નદીઓ વહાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એક એવુ સૈન્ય તૈયાર કરવાના સમ ખાયા હતા કે જે રશિયાને હરાવવામાં સક્ષમ હોય.

બ્રિટનના નવા સૈન્ય કમાંડર જનરલ પૈટ્રિક સેંડર્સે કહ્યું હતું કે પુતિને યુક્રેનમાં લોહીની નદીઓ વહાવી છે. વિશ્વની સુરક્ષાના પાયાને પુતિને હચમચાવીને રાખી દીધો છે. આ સાથે જ તેમણે બ્રિટનના સૈનિકોને કહ્યું છે કે યુરોપમાં ફરી એક વખત લડવા માટે જવાનો તૈયાર રહે. તેમણે સમગ્ર બ્રિટનના સૈનિકોને આપેલા સંદેશમાં કહ્યું છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી દુનિયા બદલાઇ ગઇ છે. હવે સમય આવી ગયો છે કે સૈન્યને એટલુ મજબુત બનાવીએ કે તે રશિયાને યુદ્ધમાં હરાવી શકે. 

બ્રિટનના નવા સૈન્ય કમાંડરે કહ્યું હતું કે સરકારે સૈન્યમાં ૭૦,૦૦૦ જવાનોને ઘટાડી દીધા છે. છેલ્લા ૩૦૦ વર્ષમાં તેઓ પ્રથમ વખત બ્રિટનની સૌથી ઓછા સૈનિકો ધરાવતી સેનાનું નેતૃત્વ કરશે. તેઓએ કહ્યું હતું કે ૧૯૪૧ પછી હું પ્રથમ એવો સૈન્ય પ્રમુખ છું કે જેના કાર્યકાળ દરમિયાન સમગ્ર યુરોપ પર યુદ્ધના વાદળ છવાયા છે. હવે સમય આવી ગયો છે કે બ્રિટનના જવાનો ત્રિજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહે અને આ યુદ્ધમાં રશિયાને હરાવવાનું છે. આ સાથે જ બ્રિટનના સૈન્ય વડાએ એવા સંકેતો પણ આપી દીધા છે કે ગમે ત્યારે ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ છે. બ્રિટનને હજુ વધુ ઘાતક બનાવવાની હાલક પણ તેઓએ કરી હતી. 

બીજી તરફ નાટો સૈન્યોના પ્રમુખે કહ્યું હતું કે યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હાલ શાંત પડવાની કોઇ જ શક્યતાઓ નથી. તેઓએ કહ્યું હતું કે આ યુદ્ધ હજુ વર્ષો સુધી ચાલે તેવી શક્યતાઓ છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે યૂક્રેની સૈનિકોને અત્યંત આધુનિક હથિયારો પુરા પાડવામાં આવશે જેનાથી રશિયાનું પ્રભુત્વ ઘણુ ઘટી જશે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ વર્ષો સુધી ચાલી શકે છે. જો આમ થાય તો તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળશે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 

Gujarat