For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં સુરંગો ફૂટતાં 30 ત્રાસવાદીનાં મોત : સૈન્યનો દાવો

- ઉઝબેકિસ્તાનની સરહદ પાસેના જિલ્લાના એક ગામે મસ્જિદમાં તાલીમ સત્ર દરમિયાન વિસ્ફોટની ઘટના

Updated: Feb 14th, 2021


કાબુલ, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

અફઘાનિસ્તાનના ઉત્તર બાલ્ખ પ્રાંતમાં ત્રાસવાદીઓ દ્વારા ગોઠવાઇ રહેલી સુરંગો એક મસ્જિદમાં ફૂટતાં 30 ત્રાસવાદીઓના મોત થયા હતા, જેમાં 24 તાલિબાન બળવાખોરો અને છ વિદેશી ત્રાસવાદીઓનો સમાવેશ થયો હતો, એમ અફઘાન લશ્કરે દાવો કર્યો છે.

ત્રાસવાદીઓ ઉઝબેકિસ્તાનની સરહદે આવેલા બાલ્ખ પ્રાંતના અશાંત દાવલતાબાદ જિલ્લાના ક્વિલયન ગામે એક મસ્જિદમાં ચાલતા તાલીમ-સત્રમાં સુરંગો ગોઠવી રહ્યા હતા. ત્યારે વિસ્ફોટનો બનાવ બન્યો હતો. તાલિબાનોએ, જોકે સરકારના દાવાનો ઇન્કાર કરતા કહ્યું કે સુરંગ એક ખાલી રૂમમાં ફૂટી હતી, જેનાથી કોઇ જાનહાનિ થઇ નથી.

તાલિબાનોના પ્રવક્તા ઝબિદુલ્લાહ મુજાહિદે અફઘાન દળો પડોશના શોલગારા જિલ્લામાં મસ્જિદ પર હવાઇ અને ભૂમિ પરથી હુમલા કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. આ હુમલામાં મસ્જિદની નમાઝના નાયકનું મોત થયું હતું.

લશ્કરી પ્રવક્તા મહંમદ હનીફે કહ્યું કે શોલગારામાં શુક્રવારની સાંજે લશ્કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી, જેમાં પાંચ તાલિબાનો માર્યા ગયા હતા, જ્યારે અન્ય છ જણને અટક કરાયા હતા. અફઘાનિસ્તાનમાં તાજેતરમાં હિંસાચારમાં વધારો થયો છે. દેશના પાટનગર કાબુલમાં આ સપ્તાહે થયેલા અનેક બોંબ ધડાકાઓમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને અન્ક નાગરિકોના મોત થયા હતા.

દેશના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે શ્રેણી બધ્ધ બોંબધડાકા બદલ તાલિબાનોને જવાબદાર ગણાવી તેઓ એનો બદલો લેવા વચનબધ્ધ થયા હતા. દરમિયાન, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંના હિંસાચારને ઘણો વધારે ગણાવ્યો છે. એ તાલિબાનો સાથે ગયા વર્ષે કરાયેલા શાંતિ કરારની સમીક્ષા કરી રહ્યું છે.

Gujarat