For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આપત્તિઓ સામે ઝૂકીશ નહીં, તો દસ વર્ષ પછી લોકો તને ઝૂકતા હશે !

Updated: Nov 25th, 2021


- જીવનમાં આશાનું કિરણ શોધવાનું ક્યારેય માંડી વાળશો નહીં

- જિંદગીમેં ગમ ઔર ખુશી સાથ ચલતે હૈં,

પ્યારમેં ખ્વાબ ઔર વસ્લ સાથ રહતે હૈં.

ઘરમેં વીરાં ઔર ખુશીસાથ બસતે હૈં,

દુનિયામેં માતમ ઔર શાદી સાથ હોતે હૈં.

રડતી આંખે સોળ વર્ષની રોશનઆરાએ ડૉક્ટરને કહ્યું, 'સાહેબ, મનમાં તો આપની જેમ ડૉક્ટર બનવાના કેટકેટલાંય સપનાં રચ્યા હતાં, પરંતુ આ એક અકસ્માતે મારી જિંદગીના બધાં જ સ્વપ્નાંઓ ખાખ કરી દીધાં.'

ડૉ. સંજય કંથારિયાએ કહ્યું, 'તારા પગ પરથી ટ્રેનના બાર કોચ પસાર થઇ જતાં એ બંને પગ કપાઇ ગયા છે અને સાથળની નીચેનાં અંગો છૂટા પડી ગયા છે, પણ તારાં સ્વપ્ન જરૂર સાકાર થશે, માત્ર લોકોની ટીકા-ટીપ્પણ સાંભળીશ નહીં અને હતાશ થઇશ નહીં. જો તું આપત્તિઓ સામે ઝૂકીશ નહીં, તો દસ વર્ષ પછી તારી સિદ્ધિ સામે લોકો ઝૂકતા હશે.'

રોશનઆરાએ એમ.બી.બી.એસનો અભ્યાસ શરૂ કરવાનો વિચાર કર્યો, પરંતુ છ્યાંસી ટકા વિકલાંગતા ધરાવતી રોશનને વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ મુજબ કૉલેજે પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. આપણા તંત્રો ના પાડવામાં ઉતાવળા હોય છે અને નિયમને જડતાથી વળગી રહેવામાં અતિ ચૂસ્ત હોય છે. કાયદાની પોથીમાં લખ્યું હતું કે સિત્તેર ટકાથી ઓછી વિકલાંગતા હોય એ જ વ્યક્તિ એમ.બી.બી.એસનો અભ્યાસ કરી શકે. આખરે રોશનઆરાએ એ જ કાયદાનાં દ્વાર ખખડાવવા પડયાં.

એડવોકેટ શ્રી પી. બી. પાટીલ રોશનઆરાની મદદ માટે આગળ આવ્યા. એમણે ફી તરીકે એક પણ રૂપિયો લીધા વિના રોશનનો કેસ લડવાનું નક્કી કર્યું. સરકારી વકીલે તો કહ્યું, 'એમ.બી.બી.એસ.નો અભ્યાસ માનસિક અને શારીરિક રીતે તનાવપૂર્ણ અને થકવનારો હોય છે. વિદ્યાર્થીને વર્ગો ભરવા માટે એક બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડીંગમાં દોડધામ કરવી પડે છે. લાંબી સીડીઓ ચડવી પડે છે અને કલાકો સુધી ઊભા રહેવું પડે છે. આથી જ સરકારે નિયમ કર્યો છે કે સિત્તેર ટકાથી ઓછી વિકલાંગતા હોય તે જ પ્રવેશ મેળવી શકે. રોશનઆરા માટે પ્રવેશની કોઇ શક્યતા નથી.'

આવે સમયે એડવોકેટ શ્રી પી.બી. પાટીલે દલીલ કરી, 'વિકલાંગતા હોવા છતાં અરુણિમા સિન્હા વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરી શકે છે અને ખેલકૂદના ક્ષેત્રમાં કૃત્રિમ પગ ધરાવતો ઓસ્કર પિસ્ટોરિયસ ઓલિમ્પિકમાં ભાગ લઇ શકે છે. આથી રોશનઆરા મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે પૂરી યોગ્યતા ધરાવે છે. આ જ રોશનઆરા આ કોર્ટની કાર્યવાહી દરમિયાન જોગેશ્વરીથી ટ્રેનમાંથી મુસાફરી કરીને અહીં આવી શકે છે.' રોશનઆરાએ પણ મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહને કહ્યું, 'હું મારો કેસ લડવા કોર્ટમાં આવી શકું છું. તેથી કોઇ એવું કારણ નથી કે હું વર્ગમાં હાજરી આપી ન શકું.'

આ સાંભળીને ન્યાયાધીશે કૉલેજના પદાધિકારીને પ્રશ્ન પૂછ્યો, 'જ્યારે એ કોર્ટમાં આવી શકે છે, તો તમને એમ લાગે છે કે એ વર્ગમાં નહીં આવી શકે ?'

આનો ઉત્તર આપવામાં કૉલેજના પદાધિકારીઓ નિષ્ફળ ગયા અને રોશનઆરાને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મળ્યો. આ સમયે એની આર્થિક પરિસ્થિતિ ઘણી સામાન્ય હતી. ૧૦ટ૧૦ ના ભાડાનાં ઘરમાં એ રહેતી હતી, પરંતુ એની કરુણ કથની અને અપાર હિંમતની વાત સાંભળીને લોકોએ અને સેવાભાવી સંસ્થાએ એને મદદ કરી અને એના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ પણ ઉપાડી લીધો.

આ અભ્યાસ સમયે ક્યારેક છ કલાકથી પણ વધુ સમય સુધી ઊભા રહેવું પડતું. ત્રીસ કલાક સતત ફરજ બજાવવી પડતી હતી. ઇમરજન્સીમાં હાજર રહેવું પડતું હતું, પરંતુ રોશનઆરાએ એકે બાબતમાં રાહતની માગણી કરી નહીં, પણ બતાવી આપ્યું કે અક્ષમ લોકો પણ સક્ષમ લોકો જેવા જુસ્સાથી કામ કરી શકે છે.

ઑગસ્ટ મહિનામાં કોર્ટનો ચૂકાદો આવ્યો, તેથી રોશનઆરાને ઘણાં વર્ગો ગુમાવવા પડયાં, પરંતુ અધ્યાપકો અને સાથીઓની મદદથી એણે એ અભ્યાસક્રમ પૂરો કર્યો, પહેલાં એના ઘરથી વીસ કિલોમીટર દૂર કૉલેજ આવી હતી, પરંતુ ત્રણ મહિનામાં એને નજીકની હૉસ્ટેલમાં રહેવાની સુવિધા મળી ગઇ. આમ  હોય તો માળવે જવાય, એ ઉક્તિ રોશનઆરાએ સાર્થક કરી.

અકસ્માતમાં બંને પગ ગુમાવનાર એણે તમામ અવરોધો પાર કરીને પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું. જીવનમાં કપરા સંયોગો ઊભા થાય અને એમ લાગે કે આ આપત્તિ ઓળંગવી અશક્ય છે, ત્યારે માનવી પીછેહઠ કરે છે, પરંતુ રોશનઆરાએ પોતાનાં સ્વપ્નને સામે રાખીને જુસ્સાભેર કામ કર્યું અને પરિણામે જેણે  બંને પગ ગુમાવ્યા હતા એ રોશનઆરા આઠ વર્ષ પછી એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવીને ઉત્તીર્ણ થઇ અને પોતાનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.

ચોતરફ રોશનઆરાની સિદ્ધિની વાતો થવા લાગી અને પછી તો જુદી જુદી સ્કૂલ, કૉલેજમાં જઇને એ પોતાની જીવનકથની કહીને વિદ્યાર્થીઓમાં હિંમત પ્રેરતી હતી. એકવાર ઝૈની બશીર હોલમાં સેંકડો મંત્રમુગ્ધ વિદ્યાર્થીઓ સમક્ષ રોશનઆરાએ અંધકારભરી આફતો પર મેળવેલા ઉજાસભર્યા વિજયની વાત કરી, ત્યારે મંત્રમુગ્ધ બનેલા સેંકડો વિદ્યાર્થીઓની આંખો ભીની થઇ ગઇ. એ પછી એણે માતા વિષયક સ્વ-રચિત કવિતા સંભળાવી, જેનો સાર એવો હતો કે,

'સર્વશક્તિમાન અલ્લાહ પછી તેની અસાધારણ સફળતાનું શ્રેય તેની માતાને જાય છે.'

સેંકડો વિદ્યાર્થીઓનાં તાળીઓના ગડગડાટ વચ્ચે એણે કહ્યું, 'આજે હું તમારી સમક્ષ એક આદર્શ તરીકે ઊભી છું, તેનું કારણ છે મારી માતાએ આપેલો અખૂટ આત્મવિશ્વાસ અને મનોબળ. માતાએ મને ઘોર નિરાશામાં ગરકાવ થઇ જતા બચાવી તેમજ ચોપાસ અંધારઘેરી દુનિયા હતી, ત્યારે આશાનું કિરણ બતાવ્યું.' ટ્રેન દુર્ઘટનામાંથી ઉગરી ગયા પછી મારી માતાએ મને કહ્યું,'અલ્લાહે તને આ બીજી જિંદગી ભેટમાં કેમ આપી તેનો વિચાર કર. તારી જિંદગીની દુઃખ-દર્દથી પીડાતા લોકોની પીડા હરવા માટે સમર્પિત કરજે.'  બસ, આ જ છે મારું ગઇકાલનું, આજનું અને આવતીકાલનું ધ્યેય.'

હજુ મુસીબત રોશનઆરાનો પીછો છોડતી નહોતી. એણે એમ.ડી. પેથોલોજીમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કર્યો, પણ ત્યાં પણ સિત્તેર ટકાથી ઓછી વિકલાંગતા હોવી જોઇએ એવો નિયમ આડે આવ્યો. ફરી એ પોતાના હક્ક માટે લડી અને અંતે વિકલાંગ લોકો માટેનાં વીસ વર્ષના કાયદાને બદલીને તેણે એમ.ડી.ના કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

જિંદગીની સામે એની અવિરત લડત ચાલુ હતી. એમ.ડી.ના બીજા વર્ષ દરમિયાન તેના શરીરમાં બોન ટયુમર - હાડકાની ગાંઠોનું નિદાન થયું અને એને સર્જરી કરાવવી પડી. આ સમયે સહુ સાથી અધ્યાપકોએ એને મદદ કરી અને અંતે પાંસઠ ટકા ગુણ મેળવીને કે.ઈ.એમ. પેથોલોજી વિભાગમાં ચોથું સ્થાન મેળવ્યું. અત્યારે એ બે વર્ષની બોન્ડ સર્વિસ પર છે.

આજે પણ એ ૧૦ટ૧૦ના ભાડાના મકાનમાં રહે છે. તેઓ ચાર ભાઇ-બહેન છે અને ૭૯ વર્ષના પિતા નિવૃત્ત થઇ ગયા છે. પણ એના બીજા ભાઇ-બહેનો અભ્યાસમાં આગળ વધીને પરિવારને મદદ કરી રહ્યાં છે. આજે શાળા અને કૉલેજો રોશનઆરાને નિમંત્રણ આપે છે અને એના પોતાની જીવનસફરની કહાની કહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અન્ય લોકોમાં પૉઝિટીવ અભિગમ કેળવવા માટે પ્રયાસ કરે છે. આથી માલેગાંવ, ઔરંગાબાદ, ચેન્નાઈ, આઝમગઢ જેવાં ઘણા શહેરોમાં એણે મોટીવેશનલ લેક્ચર આપવાનું શરૂ કર્યું છે. અકસ્માતમાં ગંભીર ઇજા પામનારાઓને હતાશ થવાને બદલે હિંમતભેર ઝઝૂમવાની પ્રેરણા આપે છે. પોતાના બંને નીચલા અંગો ગુમાવ્યા હોવા છતાં પોતાના પગ પર સન્માનભેર ઊભી રહી એવાત કહીને સહુની હતાશા ખંખેરે છે. હૉસ્પિટલોમાં દર્દીઓની અને વિકલાંગોની મુલાકાતે જાય છે અને એ લોકોને જીવનને જુસ્સાભેર જીવવા માટે અને પોતાનામાં રહેલી અપાર ક્ષમતાને ઓળખવા માટે પ્રેરિત કરે છે. વડાલા અને શિવરીની ઝૂંપડપટ્ટીમાં અભ્યાસ કરતી છોકરીઓને કપડાં ધોવા, વાસણ ઉટકવા, ભાઇબહેનોની સંભાળ લેવી એ બધાં કામો કરવા પડે છે. કેટલીક વિદ્યાર્થિનીઓને ઘરે પુસ્તક ખોલવાની ય તક મળતી નથી, પણ ફેશન ડિઝાઇનરથી ડૉકટર બનવા સુધીના  એમના સપનાં હોય છે. આ છોકરીઓને રોશનઆરાએ કહ્યું, 'જીવનમાં મારે તમને સૌથી મોટી વાત એ કહેવાની છે કે આશાનું કિરણ શોધવાનું ક્યારેય બંધ ન કરો. શિક્ષિત થવાનો વિચાર અને શિક્ષણ લેવાનો ઉત્સાહ ક્યારેય છોડશો નહીં. શિક્ષણ એ જ તમને આત્મનિર્ભર બનાવશે અને એના દ્વારા જ તમે તમારાં સ્વપ્નો સિદ્ધ કરી શકશો. આથી તમે ગરીબ છો કે સામાન્ય શાળામાં અભ્યાસ કરો છો, એવું માનીને હીનભાવ કદી અનુભવશો નહીં.'

એક સમયે રોશનઆરાના પિતા કૉલેજની સામે શાકભાજી વેચતા હતા. આજે એમની બેટી રોશનઆરાની કલ્પના છે કે ઉત્તરપ્રદેશના પોતાના વતન એવા આઝમગઢમાં એક હૉસ્પિટલ બનાવું. એના પરિવાર, માતા-પિતા અને ગ્રામજનોએ જે આરોગ્ય સેવાનો અભાવ અનુભવ્યો હતો, એ અભાવ દૂર કરવાની એની મહેચ્છા છે અને આજે તો એ સહુને એટલું જ કહે છે કે, રોશનઆરાનો 'તમારી ક્ષમતાને પારખો, વિકલાંગતાને નહીં.'

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટનો ગુજરાતમાં સૌથી વધુ ભોગ કોણ બને છે તે જાણો છો ?

બાદશાહ: બીરબલ, ગુજરાતમાં ?

બીરબલ: હા, આ દુશ્મનાવટનો સૌથી મોટો ભોગ ગુજરાતના માછીમારો બને છે. બે વર્ષ પહેલાં સાતેક માછીમાર ધરાવતી બે બોટ પાકિસ્તાને ડૂબાડી દીધી હતી. વળી એકવાર ગોળીબાર કરતાં એક માછીમાર ઘાયલ થયો હતો અને ગઇ સાતમી નવેમ્બરે તો ગુજરાતના એક માછીમારને વીંધી નાખ્યો હતો. જહાંપનાહ, જાણો છો તમે, ગુજરાતના ૩૪૫ માછીમારો આજે પાકિસ્તાનની જેલમાં છે અને એમના પરિવારો અહીં બેહાલ છે.

પ્રસંગકથા

પ્રજાના મનને મહેકાવતી સમાજવાદી સુગંધ !

તોફાની ટોની સિનેમા હૉલમાં ગયો. ટિકિટ લઇને જેવો થિયેટરમાં પ્રવેશ્યો કે તરત જ ડોરકીપરે અટકાવ્યો અને કહ્યું, ''તમારી ટિકિટ પાછી આપી દો. આ ફિલ્મ તમારા માટે નથી.''

ટોની અકળાયો. એણે કહ્યું, ''કેમ, ેમાં શો વાંધો છે''

ડોરકીપરે કહ્યું, ''આ ફિલ્મ પુખ્ત વયના માટે છે, તમારે માટે નથી.''

તોફાની ટોનીએ કહ્યું, ''હું પુખ્ત વયનો છું, કૉલેજમાં ભણું છું.''

ગેટકીપરે કહ્યું, ''કઇ કૉલેજમાં ? તારી કૉલેજનું નામ શું ?''

ટોની મૂંઝાયો. એણે કહ્યું, ''ઈન્દિરા ગાંધી ગર્લ્સ કૉલેજ.'' ગેટકીપરે હસીને એને કાઢી મૂક્યો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ટોનીની માફક આપણા રાજકીય પક્ષો પણ ચૂંટણી આવતા જાતજાતનાં નુસખા અજમાવે છે. અત્યાર સુધી સૂત્રો અને વચનો આપીને પ્રજાને લોભાવતા હતા, પણ હવે ચીજવસ્તુઓ આપીને પ્રજાને ખુશ કરવા  પ્રયત્ન કરે છે.

ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષે પ્રજાના મનને મહેકાવવા કે પછી બહેકાવવા માટે સમાજવાદી સુગંધ ધરાવતું પફર્યુમ સમાજમાં મૂક્યું છે. પક્ષના રંગ મુજબ લાલ અને લીલા રંગની બોટલમાં કાશ્મિરથી કન્યાકુમારી સુધીના બાવીસ કુદરતી સુગંધીદાર દ્રવ્યો સાથે આ સમાજવાદી અત્તર તૈયાર કરવામાં આવ્યું છે. આ અત્તરથી પક્ષ પ્રજામાં ભાઇચારાની ભાવના ફેલાવવા ચાહે છે.

જે પક્ષમાં એકવાર રામ મનોહર લોહિયા, આ. નરેન્દ્રદેવ, જયપ્રકાશ નારાયણ, મધુ લિમયે જેવા વિચારશીલ નેતાઓ હતાં, એ પક્ષની આ તે કેવી હાલત ?

Gujarat