For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંજીવની સમા ચારસો ગ્રંથોએ અઢારે આલમને નવજીવન આપ્યું!

Updated: Dec 22nd, 2022


- ખબરદાર! આ દેશ નારીપ્રધાન કે પુરુષપ્રધાન નથી, પણ પરિવારપ્રધાન છે!

- આંખો મેં આકાશ જૈસી તમન્ના રખકર જીતે હૈ,

બાહોમેં ફૌલાદ જૈસી તાકત રખકર જીતે હૈં.

મનમેં ચાંદ-સિતારે કી મસ્તી રખકર જીતે હૈં,

દિલમેં સાગર જૈસી ઉમંગે રખકર જીતે હૈં.

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને આવતી કાલની ભવ્ય દુનિયા અને વિજ્ઞાાન વિશે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા એક વાર ગ્રામસભામાં મેક્સિમ ગોર્કીએ કહ્યું,

'થોડા સમયમાં આવતી કાલથી દુનિયામાં માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે. તમને કલ્પના નહીં આવે એવાં કામો માનવી દ્વારા શક્ય બનશે. એ ધરતીના પેટાળની અંદર જઈને, ખાણોની અંદર છેક નીચે સુધી જશે. એના પેટાળમાં શું ચાલે છે એનાં સંકલનો જાણીને આપણને કહેશે. આખી દુનિયા બદલાઈ જશે.'

આ સાંભળીને એક વૃદ્ધ ગ્રામજને મેક્સિમ ગોર્કીને પ્રશ્ન કર્યો, 'મેક્સિમ ગોર્કી! તમે કહ્યું કે આવતી કાલે માણસ આકાશમાં ઊડશે, માણસ પાતાળ સુધી પહોંચશે. જ્યારે વિજ્ઞાાન દ્વારા આટલું બધું અદ્દભુત થવાનું છે, તો કંઈક એવું નહીં થાય કે આ પૃથ્વી ઉપર માણસે કઈ રીતે જીવવું, એ એને કોઈ શીખવે તેવી પરિસ્થિતિ ઊભી થશે, તેનું શું?'

અને માણસના જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન છે, આ પૃથ્વી પરનું એનું જીવન. વર્તમાન સમયના માનવીના જીવનમાં શાંતિ, સુખ, પ્રેમ અને ક્ષમાનો ભાવ સર્જવાનો ભેખ લીધો સરસ્વતીલબ્ધપ્રસાદ પદ્મભૂષણ પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરત્નસૂરીશ્વરજીએ. આગામી ૧૨મી જાન્યુઆરીએ એમના ચારસોમા પુસ્તક 'સ્પર્શ'નું વિમોચન થશે અને ત્યારે ગ્રંથરચનાનો એક નવો ઈતિહાસ સર્જાશે. આચાર્યશ્રીએ આટલા બધા ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથો વેદના, વ્યથા, વ્યસ્તતા, વિષાદ અને વ્યર્થ જીવન ગાળતા માનવીઓના જીવનમાં એક નવો ઉત્સાહ, ઉજાસ, ખમીર અને ઉર્ધ્વજીવન જીવવાની જબરજસ્ત ઈચ્છાશક્તિ જગાડી છે. એમના પ્રત્યેક ગ્રંથે સમાજની એક-એક સમસ્યા પર વ્યાપક પ્રકાશ પાડીને એના નિવારણનો રાજમાર્ગ સૂચવ્યો છે. કોઈ ઉપદેશકની માફક નહીં, પરંતુ સરસ મજાના હૈયાં સોંસરા ઉતરી જાય એવાં સૂત્રાત્મક વચનોથી એ વ્યક્તિના સૂતેલા આત્માને જગાડી શકે છે.

એક અર્થમાં કહીએ તો એમની પાસે શબ્દો સંજીવની બની જાય છે અને એ સંજીવનીથી અનેક માનવીઓનાં જીવનમાં નવો પ્રકાશ પાથરી શકે છે. તેઓ તમને કહેશે કે સતત તમે વિચારો છો કે, 'મને આટલું સુખ જ કેમ મળ્યું? એ કહે છે કે 'જ' ને બદલે 'પણ' શબ્દ લગાવો અને વિચારો કે, 'મને પણ આટલું બધું સુખ કેમ મળ્યું?' એ જ રીતે મારા પર આટલું બધું દુ:ખ કેમ આવ્યું? એમ વિચારતા માનવીને માર્ગ બતાવતા આચાર્યશ્રી કહે છે કે, 'બસ, અહીં પણ 'બધું'ની જગાએ 'જ' મૂકી દો અને વિચારો કે, મારા પર આટલું જ દુ:ખ કેમ આવ્યું?'

એમનાં આ ગ્રંથોનું પ્રેરણાસ્ત્રોત છે એમના ગુરુદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. એ ગુરુએ એમનું કહ્યું, 'ભગવાન મહાવીરનો ધર્મ એ મરીને સ્વર્ગમાં જાય તેને માટે નથી, પરંતુ અહીં સ્વર્ગ સર્જવા માટે છે.' (વી આર ઈન હેવન) અને આથી જ આચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજીએ વિચાર્યું કે, માનવીને વર્તમાનનું સમાધાન પ્રાપ્ત થાય તેમાં રસ છે. એને ભૂતકાળ કે ભવિષ્યમાં રસ નથી. વ્યક્તિ એના જીવનનો નવ્વાણું ટકા ભાગ વર્તમાનમાં જીવતો હોય છે અને આવે સમયે એ વ્યક્તિની તીવ્ર ઈચ્છા હોય છે સાચું, સુખી, પ્રેમાળ અને ઉદાર જીવન જીવવાની.

આચાર્યશ્રીએ ભાવકો, જિજ્ઞાાસુઓ કે મુમુક્ષુઓનાં મસ્તક પરથી ભૂતકાળની ચિંતાઓનું પોટલું અને ભવિષ્યના કાલ્પનિક ભયનો બોજ ઉતારીને એને વર્તમાનનો સામનો કરવાની તાકાત બક્ષી. માનવીના વર્તમાન જીવનની રગેરગ પારખીને નિદાન આપ્યું અને એવી વિરલ દષ્ટિ આપી. એ વ્યક્તિ વિચારે કે ઘટના મારા હાથમાં નથી, પણ અર્થઘટન તો મારા હાથમાં છેને. કર્મ એ ઘટના સર્જે છે, પણ ધર્મ એ ઘટનાનું તમને માર્મિક અર્થઘટન કરાવે છે અને વર્તમાન સમયના એમના મૂલગામી અર્થઘટને માત્ર જૈન સમાજને જ નહીં, બલ્કે વ્યાપક જનસમુદાયને આકર્ષિત કર્યો છે અને જીવનપંથ ઉજાળ્યો છે. એમના ગ્રંથોની જેમ જ એમનાં પ્રવચનોમાં હજારો લોકો શ્રવણાર્થે આવે છે અને આજના માનવીને મૂંઝવતા પ્રશ્નોનાં માર્મિક ઉત્તરોથી તેઓ સહુને મુગ્ધ કરી દે છે.

એથીયે વિશેષ જુદી જુદી શિબિરો દ્વારા એમણે લાખો યુવકોને નવી દષ્ટિ ચીંધી છે અને આજે એને કારણે જ સમાજને એવા તેજસ્વી યુવકો મળ્યા છે કે જે નિસ્પૃહભાવે ધર્મકાર્ય, અને પરમાત્મભક્તિ કરતા હોય છે. એની પાછળ એમની ભાવના એ હોય છે કે જીવમાત્રમાં મૈત્રીભાવનું ઝરણું સતત વહેતું થાય. માનવીના ચિત્તમાં કોઈ ધિક્કારની લાગણી પેદા ન થાય તે જરૂરી છે. વ્યાખ્યાન હોય કે વાચના હોય, સામાન્ય વાતચીત હોય કે દૈનિક વ્યવહાર હોય, પણ સર્વત્ર આચાર્યશ્રીની વાણીમાં મૈત્રી અને આંખોમાંથી પ્રેમ વરસતો હોય છે. બીજાનાં દુ:ખો જોઈને એમની આંખોમાં આસુ આવી ગયા હોય એવું અનેકવાર બને છે, પરંતુ એ સાથે બીજાનાં દુ:ખો દૂર કરવા માટે એમણે સમાજની સંવેદનાને ઢંઢોળીને લાખો લોકોની આંખોનાં આંસુ લૂછ્યાં છે. કોરોનાનાં અતિ કપરા કાળમાં કરેલાં માનવતાનાં કાર્યોથી અનેક લોકોને માત્ર સહાય કે સ્વાસ્થ્ય નહીં, પણ નવજીવન આપ્યું છે.

લોકડાઉનના સમયમાં એમનાં ઓનલાઈન પ્રવચનોના માધ્યમે લાખો લોકોની કરુણા જગાડી. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં એમની પ્રેરણાથી અઢાર કરોડથી વધુ રકમ વહેંચવામાં આવી. એ જ રીતે કોરોનાની બીજી લહેર સમયે ત્રણ દિવસમાં એકવીસ કરોડથી વધુ ભંડોળ એકત્રિત થયું. આમ જે 'સ્વ'નો વિચાર કરે છે, એ સંસારી છે અને જે 'સર્વ'નો વિચાર કરે છે, એ સાધુ છે. એ ભાવના અહીં પ્રત્યક્ષ જોવા મળી. વ્યાખ્યાનો, શિબિરો, ગ્રંથરચના ઉપરાંત ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય એવાં કાર્યો પણ એમના દ્વારા થયાં.

કબૂતરનાં માસની નિકાસ કરવાનો એ સમયનાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના નિર્ણય સામે આચાર્યશ્રીએ કરેલી રજૂઆત એટલી કારગત નિવડી કે તે નિર્ણય રદી કરી નાખ્યો. એ જ રીતે મધ્યાહ્ન ભોજનમાં દિલ્હીની સ્કૂલમાં ઇંડાં આપવાનું બંધ કરાવ્યું. ગુજરાતની મેડિકલ કોલેજોમાં દેડકાઓ પર થતા ડિટેક્શનનું કામ સદાને માટે બંધ કરાવ્યું અને સૌથી વધુ તો સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન શરૂ કરવાના સરકારી નિર્ણય સામે હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન જેવી તમામ કોમને સાથે લઈને પ્રચંડ વિરોધ કર્યો. આ શિક્ષણથી ભાવિ પેઢીની જે બરબાદી થવાની હતી, તેની કલ્પના આચાર્યશ્રીને આવી ગઈ હોવાથી એમણે એવું ક્રાંતિકારી આંદોલન જગાવ્યું કે જેનો જોટો જડવો મુશ્કેલ છે. દેશનાં રાજપુરુષોને મળીને એમણે પોતાની વાત નિર્ભિકતાથી કહી.

દરેક પક્ષના નેતાઓને મળ્યાં અને કહ્યું કે, 'સ્કૂલોમાં આપ જે સેક્સ એજ્યુકેશન દાખલ કરવા માંગો છે, તે કેવું સ્ફોટક છે, તેની કલ્પના તમને છે ખરી? એ શીખ્યા પછી આ દેશમાં સદાચારી, બ્રહ્મચારી, પવિત્ર અને સંયમી રહેશે ખરા?' વિદેશમાં અનેક દેશોનો એવો અનુભવ રહ્યો છે કે આ શિક્ષણ શરૂ કર્યા પછી શિક્ષકો અને શિક્ષિકાઓ જ વ્યભિચારમાં લીન થઈ ગયા છે અને બાળકોનું જાતીય શોષણ કરી રહ્યાં છે. ખરાબ શિક્ષકો (બેડ ટીચર્સ) નામની જે વેબસાઈટ ચાલુ છે, તેમાં હજારો શિક્ષક-શિક્ષિકાઓની એવી વિગત આવી છે કે તેમને પોતાના જ ક્લાસના બાળક કે બાલિકાઓ સાથે વ્યભિચાર આચરવા બદલ જેલ થઈ છે. હજી આપણે ચેતી જઈએ.

એમણે કહ્યું કે, 'આ પાઠયક્રમ એવો ભયાનક છે કે જેની બિભત્સ વાતો શીખવવી પણ મુશ્કેલ બને.'

'આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે કે જે નથી તો પુરુષપ્રધાન કે નથી તો સ્ત્રીપ્રધાન. આ દેશ છે પરિવારપ્રધાન,' કહીને આચાર્યશ્રીએ લલકાર કર્યો કે, 'તમે ગંભીરતાથી વિચારો કે આ દેશની પારિવારિક વ્યવસ્થામાં જાતીયતાનું શિક્ષણ શી રીતે બંધ બેસશે? પરિવારમાં આજ સુધી જળવાઈ રહેલ શરમ, સદાચાર અને મર્યાદાનું શું થશે?' અને આચાર્યશ્રીના પોકારે એક અર્થમાં કહીએ તો એ સમયે પંદર કરોડ બાળકોનાં સંસ્કારોને સુરક્ષિત કર્યા. ચાર-ચાર વર્ષના લાંબા સંઘર્ષ બાદ આચાર્યશ્રીએ રાષ્ટ્રના ભાગ્યને બદલે અને એના ભાવિ નિર્માણમાં કારણભૂત બને એવું ભગીરથ કાર્ય કર્યું. તેઓશ્રીના ચારસોમાં ગ્રંથના વિમોચન પ્રસંગે એટલું જ ઈચ્છીએ કે ગુરુકૃપાએ પ્રગટેલી ગ્રંથસૃષ્ટિ, ભીતરમાંથી પ્રગટતી પ્રેમવાણી અને સંસ્કારોની હિફાજત કરતી ઋષિદષ્ટિ સહુને અજવાળતી રહે.

પ્રસંગકથા

વિદેશની આંધળી ઘેલછા!

ગામના ચોરે બેઠેલા મફતલાલને રાતદિવસ ભારત દેશનો ઉદ્ધાર કરવાના 'મૌલિક' વિચારો આવતા હતા. એમના ફળદ્રુપ ભેજામાં જાતજાતના વિચારો આવે. ગામના ચોરે નવરા લોકોને ભેગા કરે અને પછી પોતાના અદ્દભુત વિચારોની વાત કરે. ગામલોકો પણ મફતલાલના મોટા-મોટા વિચાર સાંભળીને સ્તબ્ધ બની જતા. કોઈક તો એમ વિચારતું પણ ખરું કે મફતલાલના હાથમાં દેશની ધૂરા હોય, તો આખો દેશ સુખી થઈ જાય.

એકવાર ચોરા પર બેઠેલા મફતલાલે પોતાની આસપાસના નવ-દસ નવરા શ્રોતાજનોને કહ્યું, 'જુઓ, મારા મનમાં આખા દેશની સિકલ બદલી નાખે એવો ભવ્ય વિચાર આવ્યો છે. આજ સુધી કોઈના મનમાં આવો આઈડિયા આવ્યો નથી.'

'ક્યો છે તમારો આઈડિયા?'

મફતલાલે કહ્યું, 'જો ભારત અમેરિકા પર હુમલો કરે, તો આ દેશની સઘળી સમસ્યાઓ તત્કાળ ઉકલી જાય.'

સભામાંથી એક સામટા અવાજો આવ્યા, 'અમેરિકા પર હુમલો? કેવી વાત કરો છો તમે? ક્યાં અમેરિકા અને ક્યાં ભારત?'

'એ જ તો વાત છેને,' મફતલાલે કહ્યું, 'જુઓ, ભારત અમેરિકા પર આક્રમણ કરે એટલે અમેરિકા તત્કાળ ભારત પર આક્રમણ કરવા દોડી આવે. ઈરાક-અફઘાનિસ્તાનમાં બીજાને માટે અમેરિકા આટલું બધું લડયું છે, તો ખુદને માટે તો એ શું ન કરે? એટલે એ ભારત પર વિજય મેળવે અને તેથી આપોઆપ તમામ ભારતીય નાગરિકો અમેરિકન સીટીઝન બની જાય. પરિણામે આપણો વિકાસ  વધવા લાગશે. પછી પાસપોર્ટની કોઈ પળોજણ નહીં, વિઝાની કોઈ જરૂર નહીં અને રાતોરાત આપણો રૂપિયો ડોલર બની જશે.'

એક શ્રોતાએ ઉત્સાહમાં આવીને કહ્યું, 'વાહ, અદ્દભુત વિચાર છે તમારો. અને એવો પણ સમય આવે કે ભારતની આખી વસ્તી અમેરિકન સિટિઝન હોય, તો હવે બાયડન પછી આપણો પંચાયત-પ્રમુખ અમથાલાલ પણ અમેરિકાનો પ્રમુખ બને ખરો!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં યેનકેન પ્રકારેણ અમેરિકા જવાની ઘણા લોકો પાગલ ઘેલછા ધરાવે છે. એમને માટે એકમાત્ર જીવનધ્યેય કોઈ પણ રીતે અમેરિકામાં પ્રવેશ પામવાનું હોય છે. આને માટે એ સઘળા ભ્રષ્ટાચાર કરે, ખોટા રસ્તાઓ અપનાવે, 'બનાવટી' લગ્ન કરીને ય વિદેશ પહોંચી જાય અથવા તો જોખમી રસ્તેથી અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરે, પણ આવી ઘેલછા અંતે આફતમાં પરિણમે છે.

એ વિચારવાની જરૂર છે કે વિદેશમાં ખોટી રીતે ઘૂસી ગયેલી વ્યક્તિને જિંદગીભર દબાઈ, ચંપાઈ અને છુપાઈને જીવવું પડે છે.

Gujarat