જીવનભરના જોદ્ધાના મુખ પર એ પછી ક્યારેય સ્મિત જોવા ન મળ્યું

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
જીવનભરના જોદ્ધાના મુખ પર એ પછી ક્યારેય સ્મિત જોવા ન મળ્યું 1 - image


- કવિરાજ શબ્દને કલંક લાગ્યું, જુઓ... આજે હું કવિદાસ બની ગયો  

- મુઝ સે મત પૂછ કિ દવા ક્યા હૈ, પહલે યે પૂછ કિ હુઆ ક્યા હૈ.

જીવનભરના જોદ્ધાના મુખ પર એ પછી ક્યારેય સ્મિત જોવા ન મળ્યું 2 - image'અર્વાચીનોમાં આદ્ય' ગણાયેલા કવિ નર્મદની ૨૪મી ઓગસ્ટે આવતી જન્મતિથિએ ગુજરાતના આ યુગમૂર્તિ સાહિત્યસર્જકનું સ્મરણ થાય છે. 'વીર, સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી' એવું ગાનારા અને એ પ્રકારે જીવનારા વીર નર્મદ જેવા પ્રાણવંત પૂર્વજની પ્રતિભાના જીવનનો વિરલ ઉન્મેષ જોઈએ.

મુંબઈના એ દિવસો કવિ નર્મદને માટે ફાકામસ્તીના દિવસો હતા. એમની સુશીલ પત્ની ડાહીગૌરી માંડ માંડ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતી હતી. ક્યારેક તો ઘરમાં સાવ નજીવી રકમ હોય, આમ છતાં કવિ નર્મદને એની જાણ થવા દેતી નહોતી. નર્મદના દિલની દિલાવરી એટલી કે પોતે પૈસેટકે સુખી હતો, ત્યારે જે રીતે સહુને સહાય કરતો હતો, એ જ ઉદારતા એના આ કપરા સંજોગોમાં પણ જળવાઈ રહી.

એક દિવસ એક કલા-કરામત બતાવનાર નર્મદ પાસેથી કદરદાની રૂપે કંઈ મળશે એમ માનીને એની પાસેની કરામત બતાવવા લાગ્યો. નર્મદ એની કરામતો જોઈને ખુશ થઈ ગયા. એમણે ખિસ્સામાં હાથ નાખ્યો, તો ખબર પડી કે માત્ર એક રૂપિયો જ બચ્યો છે! ઘર ચલાવવાની ચિંતા તો માથે હતી. એક-એક રૂપિયાને માટે મુશ્કેલી હતી, તેમ છતાં ઉદારદિલ નર્મદે સહેજ પણ ખચકાયા વિના કદરદાનીરૂપે પેલી વ્યક્તિને એક રૂપિયો આપી દીધો.

એણે એક રૂપિયો તો લીધો, પરંતુ એ પછી નર્મદ સામે યાચનાભરી નજરે જોઈ રહ્યો. એની દયામણી આંખો કહેતી હતી કે એ તો સારી એવી રકમ મેળવવાની આશાએ આવ્યો હતો અને એની એ આશા ઠગારી નીવડી. નર્મદ એની કીકીમાં સળવળતા યાચનાના ભાવો વાંચી શક્યો. એક પણ ક્ષણના વિલંબ વિના નર્મદે પોતે ઓઢેલી કીંમતી શાલ ઉતારીને તેને ભેટ રૂપે આપી દીધી.

એક દિવસ સાઠ વર્ષનો વૃદ્ધ બ્રાહ્મણ પોતાના સ્નેહીની ચિઠ્ઠી લઈને નર્મદની પાસે આવ્યો. એમના સ્નેહીએ ચિઠ્ઠી લઈને આવનાર માણસની કફોડી આર્થિક સ્થિતિની નોંધ લખી હતી અને સાથોસાથ એને મદદ કરવા માટે વિનંતી કરી હતી. એ સમયે નર્મદના ઘરની એમનો એક સાથીદાર સઘળી સંભાળ લેતો હતો. આ ચિઠ્ઠી વાંચતા જ નર્મદે એમના સાથીદારને કહ્યું,'આની દશા ઘણી બૂરી છે. આપણે મદદ કરવી જોઈએ, તમે એને એકસો રૂપિયા આપો.'

નર્મદના એ મિત્રને ખબર હતી કે ઘરમાં તો હાંલ્લા કુસ્તી કરે છે. એકસો રૂપિયા નહીં, પણ માત્ર સાત જ રૂપિયા હતા. આથી નર્મદનો મિત્ર મદદ માગવા આવેલા વૃદ્ધને બાજુએ લઈ ગયો અને કહ્યું કે થોડા દિવસ પછી સો રૂપિયા લેવા આવજો.

નર્મદે સાથીદારની આ વાત સાંભળી. એ વૃદ્ધે વિદાય લીધા પછી નર્મદે કહ્યું કે, 'તમે આજે એને મદદ આપવાને બદલે થોડા દિવસ પછી આવવાનું કેમ કહ્યું?'

સાથીદારે હળવેથી કહ્યું. 'ઘરમાં માંડ સાત રૂપિયા જ છે. એટલા તો ઘરખર્ચ માટે જોઈએ ને!'

થોડા દિવસ બાદ કવિ નર્મદ એની મિત્રમંડળી સાથે જ્ઞાાનગોષ્ઠિ કરતા હતા. એવામાં બારણે ટપાલી આવ્યો અને એણે નર્મદના હાથમાં બધી ટપાલ આપી. એ ટપાલમાં એક કવર પણ આવ્યું હતું. નર્મદે જોયું તો એમાંથી હજાર રૂપિયાની નોટો નીકળી અને મોકલનાર તરીકે અંગ્રેજીમાં માત્ર એટલું જ લખ્યું હતું, 'ફ્રોમ યોર બેસ્ટ ફ્રેન્ડ એન્ડ એડમાયરર.'

નર્મદના ચહેરા પર આનંદ ફરી વળ્યો. એને થયું કે હવે પેલા વૃદ્ધને એકસો રૂપિયા આપવાનું કહ્યું હતું તે વચન પાળી શકાશે. નોટોની થોકડી પોતાના સાથીદારને આપી અને કહ્યું, 'આમાંથી પ્રથમ પેલા બ્રાહ્મણના રૂપિયા સો કાઢી લઈને પછી ભાડાવાળા વગેરેને બોલાવીને સહુના ચૂકવી આપજો.'

આમ મુંબઈમાં આર્થિક તંગીનાં દિવસો પસાર થતા હતા. નર્મદને માનભર્યાં સ્થાનોની પ્રાપ્તિ તો ઘણી થઈ, પરંતુ ક્યાંયથી વિશેષ ધનપ્રાપ્તિ થતી નહીં. ૧૮૮૨માં એક દિવસ એવો આવ્યો કે નર્મદના ઘરમાં ખાવા માટે કશું નહોતું. માત્ર ચાર આના(પાવલી) જેટલા જ પૈસા ઘરમાં બચ્યા હતા.

એવામાં કાઠિયાવાડનો એક યાચક એની પાસે આવ્યો. એની પાસે મિત્રનો ભલામણપત્ર હતો. નર્મદે પોતાના મહેતાજીને કહ્યું, 'આને સો રૂપિયા આપો.'

મહેતાજી અવાક થઈને સામે જોઈ રહ્યો. ઘરમાં ઝેર ખાવા રૂપિયો પણ ક્યાં હતો? એણે યાચકને બે દિવસનો વાયદો કરી વિદાય કર્યો. રસોડામાં તો હાંડલાં હડીઓ કાઢતાં હતાં.

નર્મદે પૂછયું, 'કેમ આજે રસોડામાં ગરમી નથી?'

'સિલકમાં પાવલી છે.' મહેતાજીએ કહ્યું.

'અરે યાર! પાવલીમાંથી થાય તે કર. એ પણ જીવનનો એક રંગ છે!'

બે આનાના પૌંઆ ને બે આનાના દૂધથી એ દિવસનું જમણ રંગીન થઈ ગયું!

આટઆટલી તંગી અનુભવવા છતાં નર્મદે કોઈ આગળ દીનતા ન દર્શાવી, હાથ લાંબો ન કર્યો.

'પદો બનાવવાથી આનંદ થાય છે, ત્યારે હું તો એ જ કામ કરીશ અને શેર જુવાર મળી રહેશે' એમ માનનારો નર્મદ તો પોતાનું ગૌરવ સાચવીને જિંદગી જીવતો હતો, પરંતુ એમના મિત્રોને ચિંતાનો પાર નહોતો. એમને થતું કે અત્યાર સુધી તો જેમ તેમ કરીને એના ઘરનું ગાડું ચાલ્યું છે, પણ હવે તો કોઈ સંજોગોમાં ચાલે એમ નથી. આનો કંઈક ઉપાય કરવો જોઈએ. પણ સ્વમાની કવિને એમની પ્રતિજ્ઞાા તોડીને નોકરી સ્વીકારવાનું કહે કોણ? છેવટે વિચાર્યું કે કદાચ કપરી પરિસ્થિતિને જોઈને નર્મદ નોકરી સ્વીકારે એવું બને ખરું. પણ એને આ વાત ખુલ્લા દિલે કોઈ કરી શકે તેમ નહોતું, તેથી મિત્રોએ ખાનગી રાહે કવિને માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. તેઓ ગોકુળદાસ તેજપાલ ધર્માદા ખાતાના ટ્રસ્ટીઓને મળ્યા અને એમની સાથે વાત કરી.

મિત્રોની તો સામે ચાલીને વીર નર્મદને કહેવાની હિંમત નહોતી એટલે એમણે આ ટ્રસ્ટીઓને કહ્યું કે તમે જ એને નોકરીએ રાખવાનો પત્ર મોકલો. કદાચ તમારું માની જાય. ટ્રસ્ટીઓએ નર્મદને ધર્માદા ખાતાના ટ્રસ્ટી તરીકે રૂપિયા સોના પગારે કામ કરવાનો પત્ર મોકલ્યો. કવિ મિત્રો નર્મદની સાથે જ્ઞાાનગોષ્ઠિ કરતા હતા, ત્યારે ધર્માદા ખાતાના ટ્રસ્ટીઓનો નર્મદનું ભાગ્યપલટો કરનારો પત્ર લઈને ટપાલી આવી પહોંચ્યો. નર્મદે એ વાંચ્યો. નર્મદના મિત્રો કવિના ચહેરા પરની રેખાઓ અને એમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા. નર્મદ મૌન થઈ ગયા. મુખમાંથી એક શબ્દ પણ ન બોલ્યા. પત્ર લઈને એની બાજુમાં બેઠેલા મિત્રના ખોળામાં નાખ્યો. થોડીવાર સન્નાટો છવાઈ ગયો. કોઈ કશું બોલે નહીં. છેવટે નર્મદ સ્વયં બોલ્યા, 'એટલે સારી વાત થઈ ગઈ! કવિરાજ શબ્દને કલંક લાગ્યું. જુઓ, આજે હું કવિદાસ થયો છું. સૌની એમ દ્રઢ ઇચ્છા છે તો તથાસ્તુ. મારા અંતરનું મંથન એકલો જ હું જાણું છું! અરે, 'અંત લગી રાખજે તું લાજ રે, ગભરાઉં છું હું ટેકમાં હરિ' એ હૃદયરૂદન પણ અરણ્યરૂદન નીવડયું. 'કોઠી સદાવ્રતની આ મારી રે, ભૂખ્યા ભક્તિનાં! તું રાખજે ભરી!' ગાનારને જ સદાવ્રતનું અન્ન ખાવાનો સમય! પરમાત્મા! ખરે તારી ગતિ અચળ ને અચિંત્ય જ છે! વારુ ભાઈઓ! કાલક્રીડાની એ પણ બલિહારી છે. ચોવીસ વર્ષ લગી તંગ ખેંચી રાખેલી લગામ આજે હું હાથમાંથી મૂકી દઉં છું. તમે સૌ જે વાતે પ્રસન્ન, તેમાં જ મારી અનુકૂળતા! પણ હવે આ મારા દુઃખી જીવનનો અંત પણ પાસે છે એમ નક્કી માનજો. મારૂં હૃદય આ આઘાત ઝાઝો વખત સહન કરે તેમ નથી.' ('ઉત્તરનર્મદચરિત્ર' ઃ પૃ. ૮૯-૯૦)

આમ કહીને કવિ નર્મદે પોતાની વાત પૂરી કરી, ત્યારે સહુ મિત્રોની આંખો આંસુથી ઊભરાઈ ગઈ હતી. બીજો કોઈ ઉપાય સૂઝતો નહોતો. સહુએ ભારે હૈયે નર્મદની વિદાય લીધી. નર્મદની પત્ની ડાહીગૌરી અત્યંત સુશીલ હતી. એને જોઈને કવિ નર્મદે કહ્યું, 'તારો રાજા આજે દાસ થવાની ખટપટમાં પડયો છે.' ડાહીગૌરી શું કહે? એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. નોકરી વિના ઘર ચલાવવું મુશ્કેલ હતું અને નોકરી કરવી એ આ વીર પુરુષને કાજે પ્રતિજ્ઞાાભંગ સમાન હતું. સાતઆઠ દિવસ નોકરી કરવી કે નહીં એ વિશે વિચાર ચાલ્યો. આખરે નક્કી કર્યું કે ઘરના મુશ્કેેલ સંજોગો જોતાં નોકરી સ્વીકારી લેવી. જીવનભરનો જોદ્ધો પરાજયને ખમવા તૈયાર થયો.

એક દિવસ સવારે દસ વાગ્યે ભોજન કરી સારાં વસ્ત્રો પહેરીને નર્મદ ધર્માદા ખાતાની નોકરીએ જવા તૈયાર થયો. એની સાથે એ ખાતાનો એક સિપાઈ પણ હતો. ખોપર્ડે  જેવાં નર્મદના કેટલાક મિત્રો પ્રસંગની ગંભીરતા સમજીને એને ઘેર આવ્યા હતા. એમના તરફ નજર કરીને નર્મદે કહ્યું, 'ભાઈઓ! શું જુઓ છો? આજે ૨૪ વર્ષે ટેક મૂકીને હું નોકરી કરવા જાઉં છું. ચોવીસ અવતારે પણ લજ્જા રાખી નથી, તો હું કોણ માત્ર?'

આટલું બોલી નર્મદ કોઈ બિમાર વ્યક્તિ માંડ-માંડ હસતો હોય તેમ બોલ્યો, 'જુઓ, અમે દાસ થવા ચાલ્યા' અને પછી સડસડાટ દાદરો ઊતરી ગયો અને નર્મદે ધર્માદા ખાતાની એ નોકરી સ્વીકારી લીધી. કચેરીમાં નિયમિત કામ કરવું પડતું. ક્યારેક કામનો બોજો એટલો બધો કે રહેતો ઘેર મોડી રાત સુધી કામ કરવું પડે.જે દિવસે નર્મદ નોકરી કરવા માટે ઘરનો દાદરો સડસડાટ ઊતરી ગયો તે દિવસથી એના મૃત્યુ સુધીના સાડા ત્રણ વર્ષ દરમિયાન કોઈએ પણ નર્મદના મુખ પર સ્મિત જોયું નહોતું!


Google NewsGoogle News