અમારે કાયદાનું શાસન જોઈએ, ક્રૂર સરમુખત્યારનું નહીં!


- સામાન્ય માનવીઓનું સામૂહિક એકત્રીકરણ કરીને જ સત્તાખોરીને ડામી શકશે!

- ઓલેકસાન્ડ્રા માત્વેચુક

- જિંદા હૂં મૈં ઔર જિનેકા અંદાજ ભી હૈ,

ચલતા હૂં ઔર ચલને કા રાઝ ભી હૈ.

આવાઝ હૂં ઔર બુલંદી કા ખ્યાલ ભી હૈ,

જાનતા હૂં ફિર ભી ઝૂકતા નહીં હૂં.

- એક બાજુ રશિયા યુક્રેન પર રોજે રોજ હુમલાઓ કરી રહી છે, જ્યારે બીજી બાજુ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર ઓલેકસાન્ડ્રા માત્વેચુકના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને એનાયત થાય છે. ઓલેકસાન્ડ્રા વર્ષોથી યુક્રેનમાં થતા લોકઅધિકારના ઉલ્લંઘન અને સંભવિત યુદ્ધ ગુનાઓનું નિરીક્ષણ કરીને સઘળી ગતિવિધિઓનું દસ્તાવેજીકરણ કરે છે 

નારીશક્તિની તાકાત અને ક્ષમતાનો કોણ અંદાજ કાઢી શક્યું છે? સ્ત્રીને આથી જ આદ્યશક્તિ રૂપે આપણા દેશમાં પૂજવામાં આવે છે. આવી એક શક્તિનું પ્રાગટય યુક્રેનની ૩૮ વર્ષની ઓલેકસાન્ડ્રા માત્વેચુકના જીવનમાં જોવા મળે છે. યુક્રેનની આ મહિલા જ્યાં અન્યાય જુએ ત્યાં કશીય પરવા કર્યા વિના વિરોધની આગમાં ઝુકાવે છે. એને માટે એક જ ધર્મ છે અને એ છે માનવધર્મ. માનવધર્મ પર પ્રહાર થાય, ત્યારે એનું લોહી ઉકળી ઉઠે છે અને જીવના જોખમે પણ એ પરિસ્થિતિને દૂર કરવા માટે જંગમાં ઝુકાવે છે.

છેલ્લા સાત મહિનાથી ઓલેકસાન્ડ્રા યુક્રેન દેશનો એક ચહેરો બની રહી છે. વિશાળ અને શક્તિશાળી રશિયા પોતાની પડખે આવેલા યુક્રેનને પોતાની તુમાખી અને તાકાતથી ગળી જવા માગે છે ત્યારે એની સામે આ મહિલા સાત મહિનાથી અવિરત જંગ ખેલી રહી છે. યુક્રેનના કિવ શહેરમાં અત્યારે રશિયન મિસાઈલોનો વરસાદ વરસી રહ્યો છે. આ યુદ્ધના પ્રારંભે તો ઓલેકસાન્ડ્રાએ કિવ શહેરમાં આવેલા એક ભોંયરામાં શરણ લીધી હતી. એણે જોયું કે લોકોની યુક્રેનની આઝાદી જાળવવાની ઝંખના રશિયાના આક્રમણને કારણે વધુ તીવ્ર બની છે.

૩૯ વર્ષની ઓલેકસાન્ડ્રા યુક્રેનના લોકશાહીતરફી આંદોલનમાં સક્રિય છે. એ પછી રશિયન બોંબમારા સામે બચવા માટે કિવની ગગનચૂંબી ઈમારતો ખાલી કરાવવામાં આવી. લોકોને ઘર છોડીને મેટ્રો સ્ટેશનમાં અને ભોંયરામાં રહેવાની સલાહ આપવામાં આવી. કિવમાં ભયંકર બોંબ ધડાકાઓ થયા. રશિયા બેલારુસની ધરતી પરથી યુક્રેન પર સતત મિસાઈલ છોડી અને અત્યારે પણ ભયાવહ વિનાશ થઈ રહ્યો છે.

ગયા ફેબુ્રઆરીમાં યુક્રેન પર હુમલો કરીને રશિયાએ એની રાજધાની કિવને જમીનદોસ્ત કરવાનો વિચાર રાખ્યો. આ સમયે યુક્રેનની પ્રજાએ પુતિનને એવો જવાબ આપ્યો કે આવો ઘેરો કરવા છતાં રશિયા જીતી શક્યું નહીં. ૨૦૧૩માં ઓલેકસાન્ડ્રાના જોશ અને ધગશ પર સહુનું પહેલીવાર ધ્યાન ખેંચાયું. તેઓ યુક્રેનના માનવઅધિકાર કમિશનરની ઓફિસમાં સલાહકાર તરીકે કામ કરે છે અને માનવ અધિકારના મુદ્દાઓ પર નિર્ભયતાથી વાર્ષિક અહેવાલ પણ જાહેર કરે છે.

ઓલેકસાન્ડ્રા યુક્રેનની સેન્ટ્રલ ફોર સિવિલ લિબર્ટીઝ સંસ્થા સાથે જોડાયેલા છે અને યુક્રેનના આ સંગઠનને નોબેલ પારિતોષિક મળ્યો છે. ઓલેકસાન્ડ્રા આ સંગઠનનાં પ્રમુખ છે અને છેલ્લાં કેટલાય વર્ષોથી એટલે કે યુક્રેન પર રશિયાનો હુમલો થયા તે અગાઉથી એ માનવ અધિકારનો મુદ્દો ઉઠાવતા રહ્યાં છે. દર વર્ષે આ મહિલા પોતે માનવ અધિકારના મુદ્દા પર વાર્ષિક અહેવાલ પ્રગટ કરે છે.

૨૦૧૩ના નવેમ્બરમાં યુક્રેન પર રશિયાએ પોતાનો પંજો ફેલાવવાની શરૂઆત કરી હતી. આ સમયે રશિયા તરફી રાષ્ટ્રપતિ વિરુદ્ધ ચળવળ જાગી અને ઓલેકસાન્ડ્રાએ આંદોલનકારીઓને સાથ આપવા માટે ઈમરજન્સી સેન્ટર ચલાવ્યું. એણે કિવમાં વિરોધીઓ પર હુમલો કરનારા અને યુક્રેનનો સર્વનાશ કરવા મથનારા રશિયા પર હ્યુમન ચાર્ટરનું ઉલ્લંઘન કરવા માટે એને સુરક્ષા પરિષદમાંથી હાંકી કાઢવા માટે પ્રચંડ પોકાર કર્યો છે. વળી એ જ રીતે એણે કહ્યું છે કે રશિયાના પ્રમુખ પુતિન, બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કો અને અન્ય યુદ્ધ ગુનેગારો પર આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. તેઓ માને છે કે યુક્રેનના પીડિતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી યુક્રેનમાં કોઈ કાયમી શાંતિ સર્જાશે નહીં.

એથીયે વિશેષ ઓલેકસાન્ડ્રાએ રશિયા અને બેલારુસમાં પણ છડે ચોક થઈ રહેલા માનવ અધિકાર સામે અવાજ ઉઠાવ્યો છે. આ બંને દેશોની સરકારની એ નિર્ભયતાથી ટીકાઓ કરે છે અને કહે છે કે જો યુક્રેન પરનું પુતિનનું આક્રમણ નહીં અટકાવવામાં આવે તો એ આખા યુરોપને યુદ્ધમાં ઝીંકી દેશે. રશિયન સેના પણ પુતિન સામે ધીરે ધીરે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. રશિયામાં માનવાધિકાર કાર્યકર્તાઓને જેલમાં પુરવામાં આવ્યા છે, તો બીજી બાજુ ઓલેકસાન્ડ્રા કહે છે,'અમે એવી દુનિયામાં રહેવા માગતા નથી, જ્યાં કાયદાના શાસનને બદલે વધુ શક્તિશાળી લશ્કરી તાકાત ધરાવતી સરમુખત્યાર વ્યક્તિ દ્વારા રાજ્યશાસનના નિયમો ઘડવામાં આવે. આ પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં બદલાવવી જોઈએ.'

ઓલેકસાન્ડ્રા અને એની સંસ્થાને જ્યારે નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એનો પ્રતિભાવ આપતા તેણે કહ્યું, 'હું જેનું નેતૃત્વ કરું છું તે સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને, મેમોરિયલ અને સ્પ્રિંગ ખાતે અમારા મિત્રો અને ભાગીદારો સાથે, આજે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો એનો આનંદ. અમે પોલેન્ડથી કિવ સુધી ટ્રેનમાં જઈ રહ્યાં છીએ, તેથી જે કોઈ મારા સુધી પહોંચી ન શકે તેની હું માફી માંગું છું.'

આમ એક બાજુ રશિયા યુક્રેન પર રોજે રોજ હુમલાઓ કરી રહી છે ત્યારે બીજી બાજુ ૨૦૨૨નો નોબેલ શાંતિ પુરસ્કાર ઓલેકસાન્ડ્રાના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને એનાયત થાય છે. એ વર્ષોથી યુક્રેનમાં થતા લોકઅધિકારના ઉલ્લંઘન અને સંભવિત યુદ્ધ ગુનાઓનું નિરીક્ષણ કરે છે અને પછી એ સઘળાનું દસ્તાવેજીકરણ કરે છે અને ત્યારબાદ અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારોની સ્થાપના અને માનવ ગૌરવની પુષ્ટિ માટે એનો પ્રચાર કરે છે.

એણે ૨૦૧૩ અને ૨૦૧૪માં દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વિરોધીઓને એણે કાયદાકીય સહાય આપી છે. એથીય વધુ એક સમયે દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચના સુરક્ષા દળો દ્વારા કરવામાં આવતા દુરુપયોગ પર પણ એની નજર ઠરેલી હોય છે અને એ ગેરરીતિઓ જાહેર કરીને ઓલેકસાન્ડ્રા આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતી થઈ. એની સંસ્થાએ છેક ૨૦૧૪થી લોકસંઘર્ષ દ્વારા યુક્રેનમાં માનવ અધિકારના કાર્યકર્તાઓ, પત્રકારો અને સ્થાનિક સરકારના પ્રતિનિધિઓને બળજબરીથી ગુમ કરવામાં આવતા હતા, એ કૌભાંડોની અને અત્યાચારોની જાતતપાસ કરી એને જાહેર કર્યા. એણે આ બધાની નોંધ કરી, એની પાછળનાં પરિબળોને ખુલ્લાં પાડયાં અને પ્રજામાં શાંતિ માટે સંઘર્ષનો એક સંદેશો ફેલાવ્યો. એના સંગઠનને મળેલો આ પુરસ્કાર કેટલો વિશિષ્ટ છે, તેનો ખ્યાલ તો નીચેના નિધાન પરથી આવી શકશે-

'શાંતિ પુરસ્કારના વિજેતાઓ તેમના પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એમણે ઘણા વર્ષોથી સત્તાધારીઓની ટીકા કરવાના અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાના અધિકારને પ્રોત્સાહન આપ્યું છે. યુદ્ધમાં થતા ગુનાઓ, સત્તાનો દુરુપયોગ વગેરેના દસ્તાવેજીકરણ દ્વારા શાંતિ અને લોકશાહી માટે આ સંગઠને નાગરિક સમાજનું મહત્ત્વ દર્શાવ્યું છે.

ઓલેકસાન્ડ્રા પોતાના આ કાર્યને અત્યંત સાહજિક રીતે લે છે. એ માણસને માણસ તરીકે જુએ છે. ધર્મ, વંશીયતા કે એની આર્થિક સ્થિતિ પ્રમાણે નહીં. આને માટે ઓલેકસાન્ડ્રાએ જંગ આદર્યો છે. એ કહે છે કે યુ.એન. અને સહભાગી રાજ્યોએ તમામ દેશ અને તેમના નાગરિકો માટે બાંયધરી રૂપે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુધારણાના પ્રયત્નો હાથ ધરવા જોઈએ. 

તેમનો પક્ષપાત અથવા લશ્કરી જુથો અથવા તો એમની લશ્કરી ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના યુનાઈટેડ નેશન્સના ચાર્ટર ઉલ્લંઘન માટે રશિયાને સુરક્ષા પરિષદમાંથી બાકાત રાખવું જોઈએ.

એ કહે છે કે યુનાઈડેટ નેશન્સ અને સહભાગી રાજ્યોએ હજારો વ્યક્તિઓ જેમની સામે યુદ્ધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમને માટે ન્યાયની તક સુનિશ્ચિત કરવી જોઈએ. જો આમ નહીં થાય, તો સ્થાયી શાંતિ અશક્ય છે અને એક એવી આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ કે જે પુતિન, લુકાશેન્કો અને અન્ય યુદ્ધ ગુનેગારોને ન્યાયના કઠેડામાં ઊભા કરી શકે.

સ્વાતંત્ર્ય અને માનવાધિકારની લડાઈમાં વીસ વર્ષનો એનો અનુભવ એને સમજાવે છે કે સામાન્ય લોકો તેમના વિચારો કરતાં વધુ પ્રભાવ ધરાવે છે. વિશ્વના જુદાં જુદાં દેશોમાં વસતા સામાન્ય લોકોનું સામૂહિક એકત્રીકરણ થાય તો એમનો અવાજ યુનાઈટેડ નેશન્સની કાર્યવાહી કરતા પણ વિશ્વના ઈતિહાસને ઝડપથી બદલી શકે છે.

આજે ઓલેકસાન્ડ્રા ક્યારેક પોલેન્ડમાં તો ક્યારેક યુક્રેનના કિવમાં આવે છે. એની માનવ અધિકાર માટેની લડત જાળવવા માટે એ કટિબદ્ધ છે અને એમાં પણ એની સંસ્થાને નોબેલ પારિતોષિક મળ્યાથી એ વિશેષ ઉત્સાહિત છે.

પ્રસંગકથા

મારું વચન શ્રેષ્ઠ, મારો પક્ષ સર્વશ્રેષ્ઠ !

બન્યું એવું કે એક જ શેરીમાં એક સાથે પાંચ-પાંચ મીઠાઈની દુકાનો શરૂ થઈ. બે મીઠાઈવાળા હોય તો ય એકબીજા સાથે સ્પર્ધા થાય, ત્યારે પાંચ-પાંચ મીઠાઈવાળા હોય પછી કેવી પરિસ્થિતિ ઊભી થાય!

સ્વાભાવિક રીતે જ એમની વચ્ચે સ્પર્ધા જાગી. એક મીઠાઈવાળાએ પોતાની દુકાન પર બોર્ડ લગાવ્યું અને એમાં મોટા અક્ષરે લખ્યું, 'શહેરની સૌથી સારામાં સારી મીઠાઈની દુકાન.'

આ બોર્ડ વાંચીને બાજુની દુકાનવાળો અકળાઈ ઊઠયો. એણે એની દુકાન પર બોર્ડે લગાવ્યું, 'આખા તાલુકાની મીઠાઈની સૌથી શ્રેષ્ઠ દુકાન.'

દુકાનની શ્રેષ્ઠતાની જાણે સ્પર્ધા ચાલી! ત્રીજા દુકાનદારનો વારો આવ્યો. એણે એની દુકાન પર લખ્યું, 'જિલ્લાની સૌૈથી શ્રેષ્ઠ મીઠાઈની દુકાન.'

આ દેખાદેખીમાં ચોથા દુકાનદારે ઝંપલાવ્યું. એણે બોર્ડ લખ્યું, 'આખા દેશની સૌથી સારામાં સારી મીઠાઈની દુકાન.'

પાંચમો મીઠાઈવાળો વિચારમાં પડયો. બોર્ડ પર લખવું શું?

એણે લાંબો વિચાર કર્યા બાદ પોતાની દુકાન પર બોર્ડ લગાવ્યું અને એમાં લખ્યું, 'આ શેરીની મીઠાઈની તમામ દુકાનોમાંથી સૌથી શ્રેષ્ઠ મીઠાઈની દુકાન.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ મીઠાઈના દુકાનદારોએ એકબીજાથી શ્રેષ્ઠ થવાની દુકાનના બોર્ડની સ્પર્ધા થઈ હતી, એ જ રીતે આજે રાજકીય પક્ષો પણ બીજાથી પોતે શ્રેષ્ઠ હોવાની વચન-સ્પર્ધા કરે છે.

એક પક્ષ કહે કે અમે આદિવાસીઓના હિત માટે પગલાં લઈશું, ત્યારે બીજો પક્ષ કહે કે અમે આદિવાસીઓને કેટલીય સુવિધાઓ આપીશું. આમ, વચન આપવાની સ્પર્ધા ચાલી રહી છે અને એક પક્ષ જે વચન આપે એનાથી મોટું વચન આપવાની બીજા પક્ષ વેતરણ કરે છે.

બાકી પ્રજા તો આ સઘળો ચૂંટણીનો ખેલ જોઈને રમૂજ અનુભવે છે અને સાનમાં સઘળું સમજે છે! 

City News

Sports

RECENT NEWS