For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુત્રજન્મથી હૃદય આર્દ્ર થવાને બદલે સત્તાલાલસાની આગથી ભભૂકવા લાગ્યું!

Updated: Jul 14th, 2022

Article Content Image

- મહાસમ્રાટ નેપોલિયનનો પુત્ર યુરોપની શતરંજનું નજીવું મ્હોરું બની રહ્યો!

- બેવજહ ર્દીવાર પર ઈલ્જામ હૈ બટવારે કા, કઈ લોગ એક  કમરે મેં ભી અલગ રહતે હૈ.

મહાવિજયી સમ્રાટ નેપોલિયનના હૃદયમાં સતત તરફડતી રહેલી તીવ્ર પુત્રઝંખના જ્યારે નકરી વાસ્તવિકતા બની, ત્યારે પેરિસ શહેરના મહોલ્લાઓ હર્ષનાદથી ગાજી ઊઠયાં હતા. એક સમ્રાટની સીધીસાદી સંતાનેચ્છા કરતાયે વિશેષ તો બાહુબળે સામ્રાજ્યના ગાદીવારસ માટેની નેપોલિયનની અદમ્ય લાલસાથી સહુ પરિચિત હતા. આથી સમગ્ર ફ્રાન્સમાં પુત્રજન્મના આનંદની અપરિમિત છોળો ઊડવા લાગી અને ૧૮૧૧માં મેરી લુઈથી પ્રાપ્ત થયેલા આ પુત્રને 'રોમનો રાજા' તરીકે જાહેર કરવામાં આવ્યો. સમ્રાટ નેપોલિયન પોતાના આ નાનકડા રાજાને તેડીને ફ્રાન્સની સેનાને નિહાળવા માટે લઈ જતો.

આ બાળરાજાના દર્શન કરવા માટે પેરિસના નાગરિકોની ભીડ જામતી હતી. ક્યારેક એના પૂજ્ય પિતાશ્રી પાસે વિનંતી-પત્રો લઈને આવનારા શહેરીઓ આ બાળકને વિનંતી-પત્રો આપતા. એ પછી શહેનશાહ નેપોલિયન આગળ એ રજૂ કરવામાં આવતા ત્યારે પોતાનો પુત્ર આ વિષયમાં શું નિર્ણય આપે છે એની સમ્રાટ પ્રતીક્ષા કરતો. નાનો બાળક મૌન ધારણ કરતો ત્યારે એના મૌનને સ્વીકાર સમજીને ફ્રાન્સનો આ સર્વસત્તાધીશ એ વિનંતીઓ પર મંજૂરીની મહોર મારતો હતો, મંજૂર રાખતો.

સામાન્ય રીતે રાજકુમાર ફ્રાન્સિસ નમ્ર અને કહ્યાગરો હતો, પણ કોઈક વખત જીદે ચડી જતા. નેપોલિયનનો પુત્ર જીદ્દી ન હોય એવું બને ખરું? એક વાર એ 'રોમના રાજા' એ રડતાં રડતાં ભૂમિ પર ગબડવા માંડયું. એના અંગરક્ષકો અને શિક્ષિકાએ દોડીને એ ખંડની સઘળી બારી બંધ કરી દીધી અને પડદા નાખી દીધા. 'રોમના રાજા'ને વિસ્મય થયું એટલે એણે કારણ જાણવા માગ્યું, તો કહ્યું કે, 'અમે બારીઓ બંધ કરી, કારણ કે તમારું રુદન પ્રજાજનો સાંભળી ન જાય. ફ્રાન્સના લોકોને જો એમ જાણ થાય કે તમે રડો છો તો તેઓ તમને રાજકુમાર તરીકે સ્વીકારે ખરા?'

આ સાંભળી એ બાળક બોલી ઊઠયો, 'અરેરે, કેટલું ખોટું દેખાય? હવે હું કદાપિ નહીં રડું.' 

ફ્રાન્સના આ રાજકુમારમાં નેપોલિયનની અમર આશાઓ છુપાયેલી હતી. આખુંય યુરોપ આ ભાવિ સમ્રાટમાં રસ દાખવતું હતું. નેપોલિયને ઓસ્ટ્રિયા, બ્રિટન, રશિયા, પ્રશિયા અને સ્વીડનના સંયુક્ત લશ્કરોનો સામનો કર્યો. આટલા બધા દેશોની સંયુક્ત સેના પર શરૂઆતમાં તો વિજય સાંપડયો, પરંતુ સમય જતાં લીપઝીગની 'રાષ્ટ્રોની લડાઈ'માં નેપોલિયનની હાર થઈ અને પીછેહઠ કરીને નેપોલિયન પેરિસ પાછો આવ્યો. નેપોલિયન વિજેતા શત્રુઓથી ચોતરફ ઘેરાઈ રહ્યો હતો અને યુરોપીય સત્તાઓના સંયુક્ત લશ્કરે ૧૮૧૪માં પેરિસ પર કબજો મેળવ્યો. મહારાણી અને પોતાના પ્રિય બાળકનું રક્ષણ પેરિસના નગરરક્ષકને સોંપાયું. આ રણવીર સમ્રાટે એમ માન્યું કે એમના આશરે એ બધા સલામત રહેશે.

નેપોલિયન એકલે હાથે ઝઝૂમતો હતો. એની અગાધ સત્તાલાલસાને કારણે એની સામે થયેલા શત્રુઓ એની ચોતરફ વીંટળાઈ વળ્યા. આ સુલેહ કરવાની માગણીનો શહેનશાહે પહેલાં તો ગૌરવથી ઈન્કાર કર્યો. પોતાની વહાલસોયી પત્ની અને પ્રિય બાળક સાથે પુનર્મિલન હવે એના નસીબમાં નહોતું. ધીરે ધીરે પરાજયને પરિણામે એની ઊંચી આશાઓના હવાઈ કિલ્લા હવામાં ઊડી ગયા. શત્રુઓનાં સૈન્ય સામે બાથ ભીડતા એની લશ્કરી હિલચાલ એને પેરિસથી વધુને વધુ દૂર ખેંચતી ગઈ. એની ગેરહાજરીથી, લશ્કરમાં વ્યાપેલા અસંતોષથી પેરિસ દુશ્મનના હાથમાં ગયું. મેરી લુઈ અને એનો સુકુમાર બાળક શત્રુને હાથ આવ્યા.

આવે સમયે ઓસ્ટ્રિયાની પ્રજાએ મેરી લુઈને આશ્રય આપ્યો અને ફ્રાન્સના તખ્તે આપેલી શહેનશાહબાનુની અગમ્ય પદવીથી મેરી લુઈ વિમુખ થઈ. પોતાના સંતાન સાથે જન્મભૂમિ વિયેના શહેરના પોતાના પુરાણા ઘરમાં જઈને વસવા લાગી. ૧૮૧૪ની છઠ્ઠી એપ્રિલે નેપોલિયનને ગાદી ત્યાગ કરવાની ફરજ પડી. એને ઈટાલીના ઉત્તર-પશ્ચિમ કિનારા નજીક આવેલા એલ્બા ટાપુનું સ્વતંત્ર રાજ્ય આપવામાં આવ્યું અને તેનું 'સમ્રાટ'નું પદ જાળવી રાખવામાં આવ્યું. ૧૮૧૪ની ચોથી મેએ નેપોલિયન એલ્બા પહોંચ્યો. એણે એની પત્નીને મળવાની ઈચ્છા વારંવાર પ્રગટ કરી, પરંતુ એ ઈચ્છા સ્વીકારવામાં આવી નહીં. એ દેશનિકાલ થયો હતો. સમય જતાં તે એલ્બામાંથી નાસી છૂટવાના નિશ્ચય પર આવ્યો. ૧૧૦૦ જેટલાં સાથીઓ સાથે નીકળીને એ ફ્રાન્સના કિનારે આવી પહોંચ્યો. વોટરલૂના મહાયુદ્ધ પછી યુરોપમાં ફરી એની ગર્જનાઓ સંભળાવવા લાગી.

પેરિસ જવા માટે કૂચ કરી, ત્યારે એને રસ્તામાં લોકો તરફથી ટેકો મળવા લાગ્યો. એને પકડવા માટે પેરિસથી મોકલવામાં આવેલા સૈન્યએ નેપોલિયનને જોતાં જ એમણે ટેકો જાહેર કર્યો અને નવો રાજવી લુઈ (અઢારમો) ફ્રાન્સથી નાસી છૂટયો. ૧૮૧૫ના ૨૦ માર્ચના દિવસે નેપોલિયને પેરિસમાં પ્રવેશ કર્યો અને લોકોએ એમના સમ્રાટને અભૂતપૂર્વ રીતે આવકાર્યો, પરંતુ ઓસ્ટ્રિયામાં એકાંતવાસ ભોગવતી એની પત્નીને ફરી ઉત્સાહ રેડવાની અનમોલ તક ન મળી. આ સમયે પણ નેપોલિયન પોતાના પ્રિય પુત્રને વિસરી ન શક્યો.

એ નાનકડા બાળક પર એની આશાઓ અવલંબિત હતી. આ કમનસીબ વીર પુરુષ નેપોલિયને પરાજયના અનેક આઘાતો સહન કર્યા. વિશ્વમાં ખ્યાતિના સર્વોચ્ચ શિખરે પહોંચ્યો હતો, પરંતુ એને અફસોસ એ થયો કે જે બાળકના ભવિષ્ય માટે એણે ઊંચી આશાઓ બાંધી હતી, એ બાળકને ફ્રાન્સમાંથી કોઈએ યાદ પણ ન કર્યો. પોતાની કપરી પળોએ એને વિશે કોઈએ વિચાર પણ ન કર્યો. જો પેરિસે એના પુત્ર ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સને ભૂલી જાય, 'રોમના રાજા'ને વિસરી જાય, તો પછી અન્યની પાસે તો શી આશા રાખવી?

બીજી બાજુ પોતાના પુત્રને ભારે માનપાન સાથે આપેલું 'રોમના રાજા'નો ખિતાબ છીનવી લેવામાં આવ્યો. ઓસ્ટ્રિયાએ મેરી લુઈને રક્ષણ આપતા સમયે કહ્યું કે, 'નેપોલિયનના એ પ્રિય બાળકને કોઈ 'રોમનો રાજા' નહીં કહી શકે. એને માત્ર 'પરમાના કુમાર' તરીકે સહુએ પિછાણ્યો અને ધીરે ધીરે એ નામાભિધાન પણ વિલુપ્ત થઈ ગયું અને એના અવમાનની પરિસીમા તો ત્યારે આવી કે જ્યારે એને માત્ર 'ધારાસભાના ભૂષણ'નો નજીવો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. ઓસ્ટ્રિયાના અમીરો કરતાંય આ ઉતરતી પંક્તિનો ખિતાબ હતો અને નેપોલિયન કહેતો કે 'ધારાસભાના ભૂષણ થવા કરતાં મારો પુત્ર ફાંસીના માંચડે લટકે તો સારું.'

ગૌરવમૂર્તિ નેપોલિયનનું સ્વરૂપ પોતાના વ્હાલસોયા સંતાનના આવાં અપમાનોના ભારથી દબાતું ગયું અને એ સર્વ જોવા માટે નેપોલિયન પોતાની પડતીના કાળમાં દુર્ભાગ્ય અને દુર્દશા સાથે જીવી રહ્યો. એની પડતીની છેલ્લી પ્યાલીનું અંતિમ વિષબિંદુ એને ગળે ઉતારવું પડયું. નેપોલિયન કદાચ વધુ જીવ્યો હોત તો એના પુત્રની વધુ દુર્દશા જોવાનું બન્યું હોત. જગતને ઝુકાવનાર નેપોલિયનના પુત્રના નસીબે એક નિર્માલ્ય પદવી માત્ર રહી અને યુરોપની શતરંજનું નેપોલિયનનો પુત્ર એક નજીવું મ્હોરું બની રહ્યો.

એ બાળક ફ્રાન્સનું વાતાવરણ વિસરી જાય એવી રીતે એને ઉછેરવામાં આવ્યો. એનું નામ પણ બદલવામાં આવ્યું. આમ છતાં એ બાળક પોતાના ભવ્ય અતીત સમા બાળપણને ભૂલી શક્યો નહીંં અને પિતાની ઝળહળતી કીર્તિથી અજાણ રહ્યો નહીં. લશ્કરી તાલીમ પ્રત્યે એ આકર્ષાયો અને ધીમે ધીમે પ્રગતિ સાધીને કર્નલ થયો. બાલ્યાવસ્થામાં પણ સૈનિકો સાથે ખેલવું એને ઘણું પસંદ હતું, પરંતુ યુવાનીમાં શારીરિક બળની વિશેષ પ્રાપ્તિ માટે એ શરીરને હદ બહાર કસતો ગયો અને એને પરિણામે ક્ષયનો ભોગ બન્યો. એનું શરીર સૂકાઈ ગયું. એણે પુસ્તકોમાં સાંત્વન શોધવા માંડયું. કવિ બાયરનનો એ અભ્યાસી અને ઉપાસક હતો અને એ યુગમાં બાયરન સર્વની હૃદયમૂર્તિ બની રહ્યો હતો.

આ નાનકડો રાજકુમાર ભવ્ય મહત્તાની છાયામાં માત્ર નામનો વારસદાર બની રહ્યો. હકીકતમાં એ વારસદાર થવા જન્મ્યો હતો, પરંતુ એના જન્મ પછી એના પિતા નેપોલિયન બોનાપાર્ટના અવિચારી સાહસોથી ભરપૂર બાર વર્ષોમાં નેપોલિયનની પીછેહઠના બીજ રોપાયાં. નેપોલિયન જેવો યુદ્ધકાળમાં કુશળ હતો એવો જ શાંતિકાળમાં રાજની ભલાઈની કાર્ય કરવામાં કાબેલ હતો, પરંતુ આ યુદ્ધકળામાં નિપુણ અને શાંતિકાળમાં પ્રવીણ લોકનાયકને પ્રજા ભૂલી ગઈ. પ્રજાને નવીન બંધારણ આપનાર તરીકે નેપોલિયન વિસરી જવાયો અને કમભાગ્યે આ બાળકના જન્મની સાથે જ નેપોલિયન પર વિનાશની અનંત હેલી શરૂ થઈ અને એ વાવાઝોડાંના તોફાનમાં પિતા અને પુત્ર બંને સપડાઈ ગયા. આ નાનકડો રાજકુમાર ૧૮૩૨ની ૨૨મી જુલાઈએ ૨૧મા વર્ષે જગતની વિદાય પામ્યો. આ આખીયે ઘટના માનવહૃદયમાં કરુણા ઉપજાવે તેવી છે, પરંતુ નેપોલિયન પુત્રજન્મને કારણે હૃદયથી આદ્ર થયો નહોતો, બલ્કે પુત્રજન્મએ તો એની તૃષ્ણાને એવો વેગ આપ્યો કે જે અંતે એના પરાજયમાં પરિણમી. માનવનિયતિના અનંત અંધકારમાં આવા તો કેટલાય નેપોલિયન સમાઈ ગયા હશે !

પ્રસંગકથા

સહિયારા પુરુષાર્થની જરૂર

ત્રણ ઉંદરો પોતાની બહાદુરીની વાતે વળગ્યા. એક ઉંદરે આંખો મટમટાવીને કહ્યું, 'મારા નિવાસસ્થાનના મકાન માલિકને એકવાર અતિ દુષ્ટ વિચાર આવ્યો. એણે મારું કાસળ કાઢવાનું નક્કી કર્યું. આથી રેટ-પોઈઝનનું પાંચસો ગ્રામનું પડીકું લાવીને મારી રહેવાની જગા પાસે મૂક્યું. બંદા નિરાંતે એકસામટું બધું ઝેર ઝાપટી ગયા.'

બીજા ઉંદરે કહ્યું, 'બડાશ હાંક નહીં. આ ભેળસેળનો જમાનો છે. એમાં ય ઝેરમાં તો વધુ ભેળસેળ ચાલે છે. સાંભળ, તને મારા પરાક્રમની વાત કહું. મારો ઘરમાલિક ડબલ ગેજના તારવાળું પાંજરું લાવ્યો. અંદર બ્રેડ મૂકી અને મને ફસાવ્યો. હું પાંજરામાં ગયો. બ્રેડ નિરાંતે ખાધી અને પછી એના જાડા તાર કાપીને બહાર નીકળી ગયો ! માલિકે બિચારાએ બ્રેડ અને પાંજરું બંને ખોયાં.'

ત્રીજા ઉંદરે કહ્યું, 'તમે બંનેએ ઘણી લાંબી વાત કરી, પણ મારે તો જલ્દી ઘેર પાછા પહોંચવું છે. હું જો વધુ સમય બહાર રહું તો બિલાડીઓ આવીને મારા માલિકના ઘરમાં બધું ખેદાનમેદાન કરી નાખે છે. '

આ વાત અમને એટલા માટે યાદ આવી કે પેલા ઉંદરોની માફક દેશમાં મોટી મોટી વાતો થાય છે, પરંતુ ગરીબીમાં કોઈ ઘટાડો થતો નથી. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને ભ્રષ્ટાચાર પર હજી કોઈ અંકુશ આવ્યો નથી. વાસ્તવિકતા એ છે કે ૨૦૨૧માં દેશમાં બાવીસ કરોડ લોકો કુપોષણના શિકાર બન્યા છે. આ લોકોને કાં તો એક ટંકનું ભોજન મળતું નથી અથવા તો જે ખોરાક મળે છે, તે સહેજે પૌષ્ટિક હોતો નથી.

આજે મધ્યમવર્ગની સ્થિતિ કફોડી થઈ રહી છે અને ગરીબોનો કોઈ બેલી નથી. રાષ્ટ્રની અનેક સમસ્યાઓ છે, આંતરિક વિખવાદો ભૂલીને એ સમસ્યાઓના ઉકેલ માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈએ.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, એ હકીકત છે કે આકાશમાં વાદળ ઘેરાય પછી વરસાદ આવે જ. એવું જ આપણા દેશમાં થતા ગોટાળાની બાબતમાં છે.

બાદશાહ : ક્યા?

બીરબલ : જહાંપનાહ, કોઈ ગોટાળો જાહેર થાય એટલે માની લેવું કે તપાસ સમિતિ નીમાશે જ. જાણે એ ગોટાળો થાય એની રાહ જોઈને બેઠી ન હોય. દેશના દરેક કૌભાંડોની પાછળ તપાસ સમિતિ હોય જ અને આ તપાસ સમિતિ એવી હોય છે કે જેનો આરંભ હોય છે, પણ અંત હોતો નથી.

Gujarat