For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એ સલામ આખરી સલામ બની રહી!

Updated: Aug 11th, 2022

Article Content Image

- તમે જ દેશની આઝાદી અને એના ઉદ્ધારની આશા છો!

- સાંજનો સૂરજ અસ્તાચળે ઢળતો હતો. બંગાળાનાં ઊંચાં ઊંચાં વાંસનાં જંગલો અને મગરમચ્છોથી ભરેલી નદીઓ વીંધતો એક અવાજ આવી રહ્યો હતો.

ચોતરફ પથરાયેલી ગીચ ઝાડી અને નાની નાની ટેકરીઓએ એ અવાજનો પડઘો પાડી વનની ભયંકરતામાં વધારો કર્યો. ફરીથી અવાજ આવ્યો. નાક ફાડી નાખે તેવી ઉગ્ર ગંધ બધે પ્રસરી રહી. નાની ટેકરીઓ અને ગીચ ઝાડીની ઓથે ચાલ્યા જતા બે માણસો એકદમ થોભી ગયા, ક્ષણવાર માટે ચારે તરફ જોવા લાગ્યા.

કેસરવર્ણું આકાશ ધીરે ધીરે પ્રકાશ પાથરી રહ્યું હતું. એ પ્રકાશમાં જોયું તો થોડે દૂર બંગાળનો ભયંકર વાઘ ઊભો હતો. સહેજ કાળાશ પડતાં એના પીળા વર્ણથી એ અત્યારે વનના બેતાજ બાદશાહ જેવો શોભતો હતો. તાજો જ શિકારની શોધે નીકળ્યો હોય એમ એની તંદ્રા ભરેલી આંખો કહી રહી હતી.

'મહારાજ, બંગાળી વાઘ!' બોલનારના અવાજમાં ડર ન હતો, આશ્ચર્ય હતું.

'આપણે પણ વાઘના જ ભાઈ છીએને! ચાલ, જરા એની સાથે કુસ્તી કરી લઈએ.'

બોલનારનો અવાજ સંસ્કારી છતાં ખોખરો હતો. એ અવાજમાં ભલભલાને ધુ્રજાવી દેવાનું સામર્થ્ય હોય તેમ જણાતું. પુરી સાત હાથ ઊંચી કાયા, મજબૂત હાથ ને પ્રભાવશાળી મસ્તક! એ પ્રચંડ કદાવર દેહને જોતાં જ સામાન્ય માણસ ડરી જાય તેમ હતું.

સોનવર્ણી ટેકરીઓની પાછળથી પુચ્છનો ઝંડો ઊંચો કરી વનનો રાજા હુમલો કરવાની તક શોધતો હતો. બોલનાર એકદમ વાઘ તરફ આગળ ધસ્યો. ત્યાં તો બીજાએ વચ્ચે પડી કહ્યું : 'મહારાજ, દુશ્મનના સિપાહીઓ સાવ નજીકમાં છે. આપ નાસી છૂટો! એની પાસે હું સમજી લઈશ.'

'કોણ હું નાસી છૂટું? શું નાનાસાહેબ પેશ્વા નાસી છૂટે? અને તે માત્ર પોતાના પ્રાણ બચાવવા? અલ્યા, રણમેદાન છોડીને ચાલ્યા જતા પેશ્વાનું અપમાન તો કરતો નથીને?'

'મહારાજ, સેવક દળ કદી અપમાન ન કરે. રણમેદાનમાંથી ચાલ્યા જતા વીર સેનાપતિને, ફરીથી ભારતનો ઉદ્ધાર કરવા માટે જ, અહીંથી ચાલ્યા જવાનું કહું છું. મહારાજ! નાસી છૂટો. આવતી કાલની આશા તમારા ઉપર છે. મને એની સાથે પંજા મિલાવી લેવા દો. ભારતને સ્વતંત્ર બનાવો એ દિવસે સેવકને યાદ કરજો!' સૈનિકે નાનાસાહેબને ધીરેથી ધક્કો માર્યોને પોતે ઉઘાડી તલવારે આગળ વધ્યો.

વીર નાનાસાહેબ થોડા આગળ વધ્યા ને વળી પાછા ફર્યા. એમણે કહ્યું : 'જુવાન સિપાઈ, તને બે દુશ્મનોની વચ્ચે પિસાવા મુકી ચાલ્યો જાઉં તો મને પોતાને જ મારી જાત તરફ તિરસ્કાર છૂટે! જ્યાં તું, ત્યાં હું!'

'મહારાજ, કટોકટી વખતે મર્દ મરવાનું ન ઈચ્છે. નમાલી વાતો ન કરો. રણસંગ્રામમાં આપણા જ હજારો ભાઈઓનાં લોહી શું આટલા માટે રેડાવ્યાં? વીર રાણી લક્ષ્મીબાઈ અને બીજાનાં લોહી શું આટલા માટે વહાવ્યાં?ને આજે પોતાના શરીર પરથી વૈરાગ્ય? પધારો, ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો! જાઓ, તમને મા જગદંબાની આણ છે, હવે પાછું મોં પણ ફેરવો તો!' સૈનિકના શબ્દેશબ્દમાં વીરતા ને દેશભક્તિ ગૂંજી રહી હતી. દુશ્મન સિપાઈઓના ડાબલા નજીકમાં ગાજી રહ્યા હતા. નાનાસાહેબે આખરે કચવાતે મને પગ ઉપાડયો, ત્યાં તો પેલા સૈનિકે બૂમ પાડી, 'મહારાજ, જરા આપની પાઘડી, શિરપેચ, દુપટ્ટો ને રત્નજડિત તલવાર આપતા જશો?'

ચર્ચા કરાય તેવી ઘડી નહોતી. એક જ ક્ષણ, ને વસ્તુઓની આપ-લે કરી વીજળીવેગે બંને વાઘની બોડ તરફ દોડયા. વાઘ છેલ્લી ગર્જના સાથે તૂટી પડયો. નાનાસાહેબે ગુલાંટ ખાધી. સૈનિકે આખેઆખા વાઘને ઊંચે હવામાં તોળી જમીન પર પટક્યો. બીજી જ ક્ષણે પાછું જોયા વગર નાનાસાહેબ ટેકરીઓ પાછળ અદ્રશ્ય થઈ ગયા. અહીં માનવ અને પશુનું  એક તરફ રણમેદાન પરથી ઘાયલ થઈને ભૂખ્યોતરસ્યો ભાગતો બેહાલ સૈનિક ને બીજી તરફ મદમસ્ત વાઘ! ભયંકર યુદ્ધ ચાલ્યું. સૈનિકના આખા શરીર પર ખૂનના રેલા વહી નીકળ્યા તોય એ મચક આપતો નહોતો.

'ઓ ડેન્જર! બેંગાલ ટાયગર! વાઘ! શૂટ! શૂટ!' નજીક આવી પહોંચેલી ગોરી ટુકડીના આગેવાને બૂમ પાડી.

ધમ્, ધમ્, ધમ્! ગોળીઓ વછૂટી. વાઘે પેલા સૈનિકનું કામ ખતમ કર્યું હતું. એનું કામ આ ગોળીઓએ પૂરું કર્યું. લોહીના ધોધ છોડતો વાઘ, વાઘ જેવા સૈનિકની પડખે જ લાંબો થઈ સદાને માટે સૂઈ ગયો.

ગોરા સોલ્જરો નજીક પહોંચ્યા ત્યારે બંનેના પ્રાણ પરલોકમાં પહોંચી ગયા હતા, પણ આ શું? સૈનિકોએ આશ્ચર્ય સાથે જોયું કે નાનાસાહેબ પેશ્વા પોતે જ ત્યાં મૃત અવસ્થામાં પડયા હતા. એની સાક્ષી આપતાં એમનાં પાઘડી, શિરપેચને દુપટ્ટો લોહીમાં તરબોળ પડયાં હતાં! જેને શોધવા માટે દશ દશ હજાર પાઉન્ડના ઈનામ હતાં એ આમ મૃત અવસ્થામાં મળી આવ્યો. શું ખુદાની મહેર! મોં તો ઉઝરડાને લોહીથી ઓળખી શકાય તેવું નહોતું રહ્યું. રાતાં કપડાં પરથી નિર્ણય થયો કે મરનાર ઈસમ નાનાસાહેબ પેશ્વા પોતે છે. બીજે દિવસે બધે ખબર પહોંચાડવામાં આવ્યા કે નાનાસાહેબને જંગલમાં વાઘે ફાડી ખાધા. સહુએ વાત સાચી માની લીધી.

*

એક દિવસ પ્રાંતના ગોરા અમલદાર પાસે એક બાતમીદાર આવી પહોંચ્યો. એની પાસે ઊંઘ ઉડાડી મુકે તેવી બાતમી હતી. એણે ખાનગી સમાચાર આપ્યા કે 'નાનાસાહેબ જીવતા છે; મેં મારી સગી આંખે તેમને જોયા છે.' ગોરા અમલદારના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે પહેલાં વાત માનવાની ના પાડી, પછી પ્રશ્ન ઉપર પ્રશ્નો કર્યો. આખરે ખાતરી થઈ કે હશે તો નાનાસાહેબ જ! અને એ હોય તો એને કેટલું પ્રમોશન ને કેટલો ઊંચો હોદ્દો મળે!

એણે બાતમીદારને પૂછ્યું : 'ક્યાં છે અત્યારે? એને કેમ કરી પકડી શકાય?'

'સાહેબ, મેં તેમને ગુજરાતના શિહોર ગામમાં જોયા હતા. આજકાલ રાજકોટમાં છે. શ્રાદ્ધના દિવસો છે. પેશ્વા એટલે તો ચુસ્ત બ્રાહ્મણો! શ્રાદ્ધ ન આપે તો પૂર્વજો દુભાય એવી એમની માન્યતા. એટલે શ્રાદ્ધ કરવાના, અને તે માટે એમણે એમના પુરોહિતને પણ શોધ્યો છે.'

પુરોહિતને બોલાવવામાં આવ્યો; મોટા મોટા ઈનામોની લાલચ આપવામાં આવી. માયા દેખી મુનિના વંશજનું મન ચળી ગયું. એણે નાનાસાહેબને પકડાવી દેવાનું કબૂલ કર્યું. કેટલાએક દિવસો વીત્યા. હજી પુરોહિત નાનાસાહેબ જેવા વીર નરને કેવી રીતે પકડાવી દેવા એના વિચારમાં હતો, ત્યાં તો એક મોટો તોતિંગ ઘોડો એના ઘર આગળ આવીને ઊભો રહ્યો. ઘોડા ઉપરથી ખુદ નાનાસાહેબ ઊતર્યા! ઊતરતાંની સાથે પુરોહિતને કહ્યું:

'પુરોહિતજી, શ્રાદ્ધનું કામ જલદી પતાવવાનું છે!'

'હા, મહારાજ! પધારો, પધારો! ઓરડામાં બેસો! બજારે આંટો દેતો આવું અને શ્રાદ્ધની સામગ્રી લેતો આવું. પાંચ હજાર બ્રાહ્મણ પણ જમશેને? અરે ભૂલ્યો.' પુરોહિત વ્યંગ કરતાં હસીને કહ્યું ને વાત ફેરવી, કહ્યું, 'હા, મહારાજ! વખતને માન છેને! વારુ, વારુ, પાંચ બ્રાહ્મણને પણ સાથે તેડતો આવુંને; એટલે એક આંટે બધું પતી જાય.'

'સારું! જે કરવું હોય તે જલદી કરો!' આવનારે બ્રાહ્મણના વ્યંગ પર બહુ લક્ષ ન આપ્યું.

પુરોહિત ઘરથી નીકળી તરત સીધો અમલદારના બંગલે પહોંચ્યો. અમલદારની તો પૂરતી તૈયારી હતી. એણે વેશ બદલવામાં કાબેલ પાંચ બહાદૂર ગોરા સાર્જન્ટોને (કેટલાક હિંદી સિપાઈઓ પણ કહે છે) તૈયાર કર્યા. બધાને બ્રાહ્મણનો વેશ પહેરાવ્યો. 

પાંચ બ્રાહ્મણોને લઈ, શ્રાદ્ધના સામાન સાથે પુરોહિત ઘર તરફ વળ્યો. ઓરડાની નાની-શી બારીમાંથી ચકોર નાનાસાહેબે પાંચ બ્રાહ્મણ અને પુરોહિતને આવતા જોયા. એમની ચકોર આંખને તરત એમાં કંઈક શંકાસ્થાન લાગ્યું.

મોદકપ્રિય એવા બ્રાહ્મણોના પગમાં આટલી કડકાઈ ન હોય! પાંચેના પગ એકસાથે પડે છે, જાણે સિપાહીનો પરેડમાં લેફ્ટ-રાઈટ કરતા ચાલતા ન હોય! જરા નજીક આવતાં બધું કારસ્તાન સમજી જતાં એમને વાર ન વાગી, પણ હવે ભાગી શકાય તેમ નહોતું. ચાલક માણસો સાથે એમણે ચાલાકી ખેલી લેવાનો નિર્ણય કર્યો. એમણે કહ્યું : 'પુરોહિતજી, આપ સામગ્રી તૈયાર કરો. પાંચે બ્રાહ્મણોને મારી પાસે મોકલો. હું ધીરે ધીરે ક્રિયા શરૂ કરું.'

પાંચ બ્રાહ્મણો અંદર આવ્યા. બધાને પાટલા ઉપર બેસાડી નાનાસાહેબે વિધિ શરૂ કરી. થોડી વારે તેઓ બોલ્યા : 'બ્રાહ્મણશ્રેષ્ઠો! આપ શ્રાદ્ધકર્મને વિશે જાણો જ છો. આ ચરણામૃતનું આચમન કરો, આંખે લગાડો નેનેત્ર બંધ કરી જાપ કરો!'

બ્રાહ્મણ બનેલા સોલ્જરો નિશ્ચિંત હતા કે હવે શિકાર જલદી છટકી શકે તેમ નથી. એમણે લીધેલો વેશ પૂરેપૂરો ભજવવા આંખો બંધ કરી અને મોંથી કંઈક બડબડવા લાગ્યા.

બાણમાંથી તીર છટકે એમ નાનાસાહેબે પોતાની કાયાને સંકોચી નાખીને કૂદકો માર્યો. એક કૂદકે તો બહાર! તરત દ્વાર ભીડી ઓરડાને સાંકળ લગાડી દીધી. પુરોહિત અંદર બીજી વ્યવસ્થામાં ગૂંથાયો હતો.

એકદમ ઘોડો હણહણ્યો. પુરોહિતે ઊંચે જોયું. નાનાસાહેબે હસતાં હસતાં કહ્યું : 'પુરોહિતજી! જાઉં છું. બ્રાહ્મણને દેશદ્રોહ ન શોભે! મને બ્રહ્મહત્યા ન પાલવે. અચ્છા ત્યારે, આખરી સલામ!' 

ઘોડો ફર્યો, વીજળીવેગે શહેરની પાછલી ગલી વીંધતો બહાર નીકળી ગયો. પુરોહિત સ્તબ્ધ બની ખડો હતો. ત્યાં તો ઓરડામાંથી સોલ્જરોની બૂમો સંભળાઈ. અવાક્ બનેલા પુરોહિતે સાંકળ ઉઘાડી. પાછળ ભરીબંદુકે સિપાઈઓ છુટયા, પણ નાનાસાહેબ જાણે હવામાં અદ્રશ્ય થઈ ગયા હતા. ઘણી ઘણી શોધને અંતે લીલું લીલું ઘાસ ચરતો ઘોડો હાથ આવ્યો, પણ એનો અદ્ભુત અસવાર ન જડયો તે ન જ જડયો.

નાનાસાહેબે કરેલી આખરી સલામ તે આખરી સલામ જ રહી. પછી એમને ન કોઈ જોઈ શક્યું કે ન કોઈ શોધી શક્યું.

પ્રસંગકથા

'મેઈડ ઈન ઈન્ડિયા'નું ઝડપી મની મશીન!

એક જર્મન અને એક જાપાની વેપાર માટે ભારતના પ્રવાસે આવ્યા. દિલ્હીની ટેક્સીમાં બેઠા અને રસ્તામાં એક ટોયેટા કારે ટેક્સીને ઑવરટેક કરી.

આ જોઈને જાપાનીસ બોલી ઊઠયો, 'ઓહ ! આ તો અમારી ટોયેટા, મેઈડ ઈન જાપાન. વેરી ફાસ્ટ.'

એવામાં ખુબ ઝડપથી મર્સિડીઝ આવીને પસાર થઈ ગઈ. જર્મન બોલી ઊઠયો, 'ઓહ ! આ તો મર્સિડીઝ. મેઈડ ઈન જર્મની, વેરી ફાસ્ટ.'

હવે બંનેને ઊતરવાનું સ્થળ આવ્યું એટલે ટેક્સી ડ્રાઈવરે મીટર જોઈને કહ્યું, 'ત્રણ હજાર રૂપિયા.'

જર્મન અને જાપાની આશ્ચર્યમાં ડૂબી ગયા. આટલું બધું ભાડું તે હોય? એમણે ટેક્સી ડ્રાઈવરને સવાલ કર્યો, ત્યારે એણે જવાબ આપ્યો, 'સર, મીટર, મેઈડ ઈન ઈન્ડિયા. વેરી વેરી ફાસ્ટ.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ભારતના કેટલાય રાજકારણીઓનું મીટર ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 'મેઈડ ઈન ઈન્ડિયા'ના ગૌરવની ખોજમાં નીકળેલા આ દેશનું દુર્ભાગ્ય એના ભ્રષ્ટ રાજકારણીઓ છે. આજના રાજકારણમાં પદ કે સ્થાન મળતાં એમની નજર પ્રજાસેવાને બદલે અખંડ લક્ષ્મીઉપાસના પર રહે છે, પછી એ કાર્પોરેટર હોય કે ધારાસભ્ય, પંચાયત પ્રમુખ હોય કે મંત્રીમંડળનો પ્રધાન, પણ એમનું એક જ કામ અને ધ્યેય હોય છે કે યેનકેન પ્રકારેણ તમામ ખોટા માર્ગો અપનાવીને રાતોરાત ધન એકઠું કરવું.

બંગાળના પ્રધાન પાસેથી અઢળક રકમ મળે છે, તો કોઈની પાસેથી જમીનો અને ફ્લેટો મળે છે. રાજકારણીઓના ઝડપથી ચાલતા આ મની મીટરને કારણે દેશમાંથી મહાત્મા ગાંધીજીની લોકસેવકની ભાવના સદંતર લુપ્ત થઈ ગઈ. આજે તો પ્રજાના પસીનાની કમાણી આ 'લોકસેવકો' ભ્રષ્ટાચારથી મેળવે છે. પદ મેળવ્યા બાદ થોડા જ સમયમાં રાજકારણીઓની સંપત્તિ દિવસે ન વધે તેટલી રાતે અને રાતે ન વધે તેટલી દિવસે વધવા લાગે છે!

અફસોસની વાત એ છે કે દેશની સઘળી તરક્કી 'મેઈડ ઈન ઈન્ડિયા'ના આ ઝડપી મની મશીનથી પીછેહઠ પામે છે. સઘળે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હોય એમ લાગે છે. દેશને લાગેલા આ જીવલેણ કેન્સરમાંથી કોઈ ઉગારશે ખરું ?

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ : જહાંપનાહ, દેશમાં કુસ્તીનો માહોલ જામ્યો છે. એક કુસ્તીથી આપણું મસ્તક ગૌરવભેર ઊંચું થાય છે અને બીજી કુસ્તીથી માથું શરમથી ઝૂકી જાય છે.

બાદશાહ : ક્યોં?

બીરબલ : જહાંપનાહ, ભારતના કુસ્તીબાજોએ એક પછી એક ચંદ્રકો મેળવીને કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી. આખો દેશ એમને માટે ગર્વ અનુભવે છે, તો બીજી બાજુ શાસકપક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે સતત ચાલતી રાજકીય કુસ્તી જોઈને દેશપ્રેમીનું માથું શરમથી ઝૂકી જાય છે.

Gujarat