મારો ગુજરાતી વીરો અહીં ક્યાંથી?


- ઇંટ અને ઇમારત- કુમારપાળ દેસાઈ

- વિદ્યાર્થીનું મન એક ગુર્જરીના સ્નેહભાવથી ભર્યું ભર્યું થઈ ગયું!

વાકઈ ક્યા એ મશાલોં, તુમ્હેં માલૂમ નહીં હૈ,

યે ખાક બસ્તી મે, કભી રામ યા રહમાન રહે હૈ !

વિદ્યાર્થી અવસ્થામાં મધ્યપ્રદેશના જંગલોની વચ્ચે આવેલા ગુરુકુળમાં શોધ-સંશોધન કરતા જર્મન મહિલાનો પ્રવેશ થયો. એમનું નામ હતું શેરલોટ ક્રાઉઝે, પણ બધા એમને 'સુભદ્રાદેવી'ને નામે ઓળખતા. આ જર્મન વિદુષી એ ગુરુકુળના વિદ્યાર્થી જયભિખ્ખુને પ્રવાસમાં પોતાની સાથે રાખતા અને એમણે જગન્નાથપુરી, ખંડગિરિ, ઉદયગિરિ, ચેન્નાઈ વગેરે સ્થળોનો પ્રવાસ કર્યો. જૈન વિદ્યાનો અભ્યાસ કરતાં આ જર્મન સંશોધકની જ્ઞાાનપ્રાપ્તિ માટેની એકલવ્ય જેવી સાધના-આરાધના જોઈ. પોતાના સંશોધનના વિષયને માટે લાંબા પ્રવાસો ખેડવા પડે અથવા તો કેટલાય માઈલો દૂર જઈને ગ્રંથો મેળવવા પડે તો પણ એમને લેશમાત્ર કંટાળો આવતો નહીં.

એક વાર શેરલોટ ક્રાઉઝે સાથે દક્ષિણ ભારતનો પ્રવાસ કરતા હતા ત્યારે ચેન્નાઈ જવા માટે ગાડી પકડવાની હતી. બે-ત્રણ ટ્રેન પસાર થાય તેવું નાનકડું સ્ટેશન અને એની બાજુમાં સાવ નાનકડું ગામડું હતું. જર્મન વિદુષી ડો. ક્રાઉઝે નિરામિષાહારી હતાં, એમણે તો ફળફળાદિ આરોગીને ભોજન પતાવી લીધું, પણ વિદ્યાર્થી જયભિખ્ખુ (જેઓ પછી ગુજરાતી સાહિત્યના સર્જક બન્યા)ની ફળફળાદિથી કઈ રીતે ભોજનતૃપ્તિ થાય?આથી એ આ નાનકડા ગામમાં ભોજનની ખોજમાં નીકળ્યા. ગામની હોટલમાં તો માંસાહારી ભોજન મળતું હતું અને શાકાહારી દુકાનોમાં પણ આગળ માછલીના ઢગના ઢગ પડયા હોય. આથી આખરે કેળાં ખાઈને કકડીને લાગેલી ભૂખની આગને ઓલવવાનો વિચાર કર્યો.

એક દુકાને જઈને ભાવ પૂછ્યો તો કેળાં વેચનારી સ્ત્રીએ વળતું પૂછ્યું કે એકાદ કેળું લેવું છે કે વધારે લેવાં છે? પણ વિદ્યાર્થી જયભિખ્ખુ એની ભાષા સમજે કઈ રીતે? કેળાં વેચનારી તો વિદ્યાર્થીને વારંવાર એ જ પ્રશ્ન પૂછવા લાગી. વિદ્યાર્થી જયભિખ્ખુ મૂંઝાયા. કરવું શું? આવી માથાકૂટ ચાલતી હતી. ત્યાં પાછળથી એક મીઠો અવાજ આવ્યો, 'ભાઈ, તમારે શું લેવાનું છે?'

જ્યાં ગુજરાતનું પંખી જોવાનું પણ દુર્લભ હતું, ત્યાં આવી મીઠી શુદ્ધ ગુજરાતી વાણી ક્યાંથી? એક સફેદ ધોતી પહેરેલી શ્યામ વર્ણની, સુરેખવદના યુવતી હતી. વિદ્યાર્થી જયભિખ્ખુએ ઊછળતા ઉત્સાહ અને પરમ આશ્ચર્ય સાથે પૂછ્યું, 'શું તમને ગુજરાતી આવડે છે?'

એના શ્યામ મુખમાંથી શ્વેત દંતપંક્તિ વીજળીની માફક ચમકી ઊઠી અને એ હસતાં હસતાં બોલી,'ગુજરાતી કેમ ન આવડે? હું તો ગુજરાતી છું.' યુવતીનું શ્યામ સૌંદર્ય વિલસી રહ્યું, પરંતુ વિદ્યાર્થી જયભિખ્ખુને એ સમયે શ્યામ રંગમાં સૌંદર્ય દેખાતું નહોતું. વળી, એના સૌંદર્યનું વિશ્લેષણ કરે એવી એમની સ્થિતિ પણ નહોતી.

વિદ્યાર્થી જયભિખ્ખુના પ્રશ્નમાં રહેલા સંદેહને પારખીને યુવતીએ કહ્યું,'તમારે શું જોઈએ છે? કેટલાં કેળાં લેવાં છે?' ભૂખ્યા વિદ્યાર્થીને ભગવાન મળ્યા એવું લાગ્યું. એણે વિચાર્યું કે હવે ફળાહારી એકાદશીને બદલે ઉદરતૃપ્તિ માટે ભોજનપ્રાપ્તિની જાણકારી મેળવી લેવી.

વિદ્યાર્થીએ કહ્યું, 'કેળાં તો ઠીક, પણ મારી ઇચ્છા તો ભોજન કરવાની છે.'

પેલી સ્ત્રીએ સાહજિક વાણીમાં કહ્યું, 'તો જુઓ, આસપાસ આટલી બધી દુકાનો છે. બસ, ખાઓ-પીઓ.'

વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, 'ના, પણ હું તો શાકાહારી છું અને અહીંની શાકાહારી દુકાનોમાં માંસ-માછલી વેચાય છે. ત્યાં મારાથી ખાઈ શકાય નહીં.'

'ના, એવું નથી. અહીં માંસની અને મચ્છીની દુકાનો જુદી જુદી છે. મચ્છીની દુકાને માંસ ન મળે. માંસની દુકાને બંને મળે. માછલી અહીં શાકાહાર ગણાય છે.' યુવતી ચીપી ચીપીને ગુજરાતી બોલતી હતી અને શબ્દેશબ્દથી પોતાના ગુજરાતીપણાની છાપ પર મહોર લગાવતી હતી. જાણે પોતે ગુજરાતી છે એની પાકી ખાતરી કરાવવા ચાહતી ન હોય!

વિદ્યાર્થી જયભિખ્ખુ આશ્ચર્યથી બોલી ઊઠયા, 'અરે! માછલી શાકાહારમાં કઈ રીતે? અજાયબ દુનિયા છે આ!'

'અરે! મારા ભાઈ!' શ્યામ યુવતી અતિ મધુર ગુજરાતી રણકા સાથે 'ભાઈ' શબ્દો બોલી, જે વિદ્યાર્થીના કાનમાં ગુંજવા લાગ્યો. એણે કહ્યું, 'માછલી તો જલડોડી કહેવાય. આપણે ત્યાં પેલું શાક...'

એ યુવતી શાકનું ઊડિયા નામ બોલી, પણ એ આ વિદ્યાર્થીને સમજાયું નહીં. એને સમજાવવા માટે યુવતી ગુજરાતી શબ્દનો હૃદયકોશ ઉખેળવા લાગી અને થોડી વારે બોલી.

'અરે! શિંગવડાં...ના,ના... હા, હા, શિંગોડાં. જેમ શિંગોડાં એમ આ માછલી. શાકાહાર કહેવાય.'

'ખોટી વાત છે! ક્યાં શિંગોડાં - ક્યાં માછલી?' વિદ્યાર્થીએ વિરોધ કર્યો. પણ તેણે વાતને વાળી લેતાં કહ્યું, 'તમારે જમવું છે ને? ચાલો મારી દુકાને.' યુવતી દુકાને લઈ ગઈ. દુકાનના થડા પર એ પ્રદેશના રહેવાસી જેવો પુરુષ બેઠો હતો. દુકાનની આગળના ધૂળ-કાદવમાં એક છોકરી રમતી હતી. યુવતીએ એ પુરુષને એની ભાષામાં કહ્યું. એને સારા શબ્દો કહ્યા હશે, તેથી પેલા પુરુષે જૂનો ચાકળો કાઢીને આ વિદ્યાર્થીને બેસવા માટે આપ્યો. એ ચાકળા પર મેના-પોપટનું ગુજરાતી ભરતકામ કરેલું હતું. પુરુષને ભાંગી-તૂટી થોડા હિંદી આવડતી હતી અને તેથી એની સાથે વાતો શરૂ કરી. સારાંશમાં એટલું સમજાયું કે પુરુષનું નામ શિવલિંગમ્ હતું. એની પત્નીનું નામ હીરા અને પુત્રીનું નામ પાર્વતી હતું.

આ વિદ્યાર્થીને એ જાણવાની પ્રબળ જિજ્ઞાાસા જાગી કે આ લંકાની લાડી અને ઘોઘાનો વર, એ બંને ક્યાં અને કેવી રીતે મળ્યાં? પરંતુ શિવલિંગમ્ વિદ્યાર્થીના આ પ્રશ્નને બરાબર સમજી શક્યા નહીં. એમણે કંઈક ઉત્તર આપ્યો. તે આ વિદ્યાર્થીને સમજાયો નહીં. વિદ્યાર્થીનું રહસ્ય અકબંધ રહ્યું. થોડી વારે હીરાએ જમવા માટે બોલાવ્યા. વિદ્યાર્થી વિચારવા લાગ્યો કે સહરાના રણમાં માણસને મીઠી વીરડી લાધે, એવી રીતે એને આ ભોજન મળી ગયું.

ભોજન કરતી વખતે વિદ્યાર્થીના મનમાં શંકા પણ જાગી કે આ કોઈ ચાલાક સ્ત્રી તો નહીં હોયને, જે એને ફસાવવા માગતી હોય! કદાચ આ હોટલ માટે ગ્રાહક મેળવવાની કોઈ નુસખાબાજ નારી તો નહીં હોયને! પરંતુ ભૂખ એટલી હતી કે આ સઘળી શંકાઓ જઠરાગ્નિની આગમાં સળગીને ભસ્મ થઈ ગઈ. વળી, યુવતીના ચહેરા પરના વહાલને જોતાં આવું વિચારવું ઉચિત લાગ્યું નહીં. એના હાથમાં નાળિયેરનાં પાનનો પંખો હતો અને વિદ્યાર્થીના ભોજન પર માખી બેસે નહીં, એ માટે એનાથી માખીઓ ઉડાડતી હતી. એના ચહેરા પર ઊમટી રહેલા સ્નેહને જોઈને એમ લાગ્યું કે ખરેખર આ યુવતી ગુજરાતની હશે અને એને જોઈને પોતાના પ્રિય વતનની યાદ આવી ગઈ હશે.

ભોજન કરતાં કરતાં વિદ્યાર્થી જયભિખ્ખુએ પૂછ્યું,'હીરાબહેન, તમે ગુજરાતમાં ક્યાંનાં?'

'સુરત તરફનાં.'

'પણ અહીં ક્યાંથી?'

'કોલકાતામાં રહેતી હતી. ગરીબ ઘરની હતી. આ શિવલિંગમ્ સાથે મારું નસીબ જોડાયું હશે એટલે અહીં આવી પડી. સંસારમાં લેણે-દેણ મોટી વસ્તુ છે. પરભવનું શિવલિંગમ્ સાથે મારે કોઇ દેવું હશે.'

'તમને ગુજરાત સાંભરે છે?'

'ભાઈ, ગુજરાત જેવો દેશ ક્યાં થવો છે? ગુજરાતી જેવા માણસો ક્યાં થવા છે? આ બધા તો જુઓ ને...' અને આટલું બોલીને એણે પોતાની આસપાસ વસતા લોકોની ટીકા કરવા માંડી. વિદ્યાર્થી જયભિખ્ખુએ નિરાંતે પેટપૂજા કરી અને પૂછ્યું, 'ભોજનના કેટલા પૈસા થયા?' ત્યારે શિવલિંગમે પત્ની તરફ જોયું.

હીરાએ કહ્યું, 'કંઈ લેવાનું નથી.'

'અમે ન બને.'

'મારો ગુજરાતી વીરો અહીં ક્યાંથી?' હીરા આ શબ્દો ચીપી ચીપીને બોલી, પણ એમાં એનો ભારોભાર સ્નેહ નીતરતો હતો.

'લેવા જ જોઈએ. એમ ન ચાલે.'

હીરાએ કહ્યું, 'ફરી આવશો ત્યારે લઈશ. અત્યારે બોલો તો આ દીકરીના સમ છે.'

વિદ્યાર્થીને સમજાયું નહીં કે આ ખાલી શબ્દો હતા કે અખૂટ સ્નેહની વર્ષા હતી? એની આંખના ખૂણા ભીના થઈ ગયા. હવે શું કરવું તેના વિચારમાં હતા. પાકીટમાં ત્રણ રૂપિયા હતા, તેમાંથી બે રૂપિયા નાની પાર્વતીના હાથમાં મૂકી દીધા. હીરાએ એ લઈને પાછા આપ્યા.

વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, 'મને ભાઈ ગણતા હો તો ના ન પાડો. ના પાડો તો ભાઈના સમ.' હીરાના શ્યામ ચહેરા પર અજબ ભાવ ઊપસી આવ્યા. એણે સમ આપ્યા હોવાથી અનિચ્છાએ આ રકમ સ્વીકારી. એ સમયે બે રૂપિયા એક સામાન્ય રકમ ન હતી.

વિદ્યાર્થી જયભિખ્ખુને સ્ટેશને મૂકવા માટે શિવલિંગમ્, હીરા અને પાર્વતી ત્રણેય આવ્યાં. એ ગાડીમાં બેઠાં ત્યારે બાજુમાં બેઠેલા કેટલાક ગ્રામજનોને શિવલિંગમે હીરાના ભાઈ તરીકે આ વિદ્યાર્થીની ઓળખ આપી અને રસ્તામાં સંભાળ લેવાની તાકીદ કરી, સાથે એ પણ કહ્યું કે તેઓ શાકાહારી છે, પણ માછલી ખાતા નથી.

ગાડી ઊપડી, શિવલિંગમેં 'આવજો' કહ્યું. હીરાની આંખમાં આંસુ હતાં અને આ વિદ્યાર્થીનું મન એક ગુર્જરીના સ્નેહભાવથી ભર્યું ભર્યું હતું!

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, હમણાં હમણાં અંગ્રેજી શબ્દોના હિન્દી અનુવાદ એટલા અઘરા થાય છે કે એને સમજવા માટે મૂળ અંગ્રેજી શબ્દ જોવો પડે!

બાદશાહ : ક્યા બાત હૈ!

બીરબલ : લાંબી શોધ પછી વોટ્સઅપ માટે 'જન ધન નિઃશુલ્ક ગપસપ યોજના,' સેલ્ફી માટે 'ખુદખેંચું' અને એડમીન માટે 'ઝૂંડ નિયંત્રક' શબ્દો વપરાય છે. કહો જહાંપનાહ, આપને આ હિન્દી શબ્દો સમજાશે ખરા?

પ્રસંગકથા

વિસ્તારવાદી કે વિનાશવાદી?

સાત વર્ષની સુનિતાને એવી આદત પડી ગઈ હતી કે કંઈપણ થાય એટલે એ સીધેસીધો પોતાના નાનાભાઈ સુરેશનો જ દોષ કાઢતી હતી. હજી કોઈ કહે તે પહેલાં એ એક જ જવાબ આપતી,'આનું કારણ સુરેશ છે.'

બિલાડીથી દૂધ ઢોળાઈ જાય કે પછી ઘરમાં મમ્મીને હાથે ક્રોકરી તૂટી જાય તો પણ સુનિતા કહે કે,'સુરેશ જ બારી ખુલ્લી રાખી હશે, જેથી બિલાડી ઘરમાં ઘૂસી ગઈ હશે!' અથવા કહેશે કે, 'મમ્મીના હાથમાંથી ક્રોકરી તૂટી ગઈ, કારણકે સુરેશે એકાએક રડવા લાગ્યો, તેથી મમ્મી ચમકી ગઈ અને હાથમાંથી ક્રોકરી પડી ગઈ.'

એકવાર સુનિતાના પિતાએ સુનિતાની પરીક્ષા લેતાં પૂછ્યું, 'બેટા, અફઘાનિસ્તાન ક્યાં છે ?'

એણે પળનાં ય વિલંબ વિના સુરેશ તરફ આંગળી બતાવતાં કહ્યું, 'પિતાજી, મને ખબર નથી, પણ સુરેશે જ એ લઈ લીધું હશે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે રશિયા અને ચીન બીજા દેશોને દોષિત ઠરાવીને સુનિતાની માફક એના પર પ્રભુત્વ મેળવવા પ્રયાસ કરે છે. ચીને હોંગકોંગ પર પ્રભુત્વ મેળવ્યા પછી હવે એની બૂરી નજર તાઈવાન પર છે અને ભારતની સરહદો પર સતત કોઈને કોઈ રીતે ઘૂસણખોરી કરતું રહે છે.

આવી જ રીતે રશિયા ક્રિમિયાને તાબે કર્યા પછી હવે યુક્રેન પર પ્રભુત્વ મેળવવા ચાહે છે. છ-છ મહિના સુધી યુક્રેન હજીય રશિયન આક્રમણ સામે અણનમ રહ્યું છે. આ વિસ્તારવાદી દેશો હકીકતમાં વિનાશવાદી બની ગયા છે અને આથી એમની સામે દુનિયાના દેશોએ એક બનીને અવાજ ઉઠાવવાની જરૂર છે.

વિસ્તારવાદી સરમુખત્યારને કદી સંતોષ હોતો નથી. એ એક દેશ જીત્યા પછી બીજા દેશને હડપવા થનગનતો હોય છે. યુદ્ધગ્રસ્ત જગતને ઉગારવા માટે આવા વિસ્તારવાદી દેશોની લાલસા પર અંકુશ મેળવો જરૂરી છે.

City News

Sports

RECENT NEWS