Get The App

તમારી આંખ અને કાન પર ભરોસો નહીં કરી શકો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
તમારી આંખ અને કાન પર ભરોસો નહીં કરી શકો 1 - image


- પાણી માટે તરફડતી દુનિયા યુદ્ધોનાં પાણીપત ખેલવાં આતુર છે!

- તુમ મિલે ઔર મંઝિલ એક હો ગઈ,

સાથ ચલે ઔર સબ આસાન હો ગયા,

લુત્ફ મિલી ઔર જિંદગી હંસને લગી,

જલે ચિરાગ ઔર રોશની હોને લગી.

આજના વિશ્વની ગતિ છે ભરઊંઘમાં અહીં તહીં લથડિયાં ભેર ચાલતા માનવી જેવી! એને ખ્યાલ નથી કે એ ક્યાં જઈ રહ્યો છે, એને સમજ નથી કે એને ક્યાં જવું છે, કોઈ લક્ષ્ય વિના ઊંઘમાં એ ચાલી રહ્યો છે!

એક સમયે કલ્યાણકારી શોધોએ માનવજીવન પર આશીર્વાદ વરસાવ્યો. પાષાણયુગમાં ઉત્ક્રાંતિ શરૂ થઈ, વૃક્ષના થડને ગબડતું જોઈને ચક્રની શોધ થઈ, બે પથ્થર એકબીજા સાથે ઘસાતા અગ્નિ પેદા થયો. આમ, માનવજાતિના પ્રારંભકાળમાં થતી શોધ માનવજાતિને માટે સુખાકારી રૂપ બની રહી, પરંતુ એ પછી માનવી ખુદ માનવીના લોહીનો તરસ્યો બન્યો. વિરોધીને હણી નાખવાથી શરૂ થયેલી એની ક્રૂરતા વધુને વધુ બહેકતી ગઈ. સત્તા, પ્રભુત્વ અને અધિકારને માટે એ સાવ સહજ હોય તેમ ક્રૂરતાનો આશરો લેવા લાગ્યો.

૧૯૪૫ની ૧૬મી જુલાઈએ અમેરિકાએ પ્રથમ પરમાણું બોંબનું સફળ પરીક્ષણ કર્યું અને પછી એની પરમાણુ તાકાતનાં જોરે જગતને નમાવવા નીકળ્યું. વિનાશની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ, ક્રૂરતાના સીમાડા જમીનદોસ્ત થઈ ગયા. માનવતાને મોતના હવાલે કરી દેવામાં આવી.

૬ઠ્ઠી ઓગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર બોંબ નાખ્યો અને નેવું ટકા શહેરનો નાશ થયો. એંસી હજાર લોકો મૃત્યુ પામ્યાં. જાપાનની શરણાગતિ માટેની અમેરિકાની ભૂખ એને વધુ સંહાર તરફ દોરી ગઈ. ત્રણ દિવસ બાદ જાપાનના નાગાસાકી શહેર પર બીજો બોંબ નાખ્યો. ચાલીસ હજાર લોકો મૃત્યુ પામ્યા. એના કિરણોત્સર્ગના સંસર્ગથી પણ કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને વર્ષો સુધી રેડિએશન અને કેન્સરની બીમારીથી લાખો લોકો પીડાતા રહ્યાં.

હજી આજેય એ પીડાગ્રસ્તોની પીડાગ્રસ્તોની પીડા ઓછી થઈ નથી, પણ એના કરતાંય વિશેષ પીડા તો માનવતાને થઈ. આવો પારાવાર વિનાશ જોયા પછી પણ માનવજાત ક્યાંક ને ક્યારેય થંભી નહીં. એ તો ભર ઊંઘમાં ચાલતી જ રહી અને વિનાશ વેરતી રહી. ક્રૂરતાએ એના કાળજામાં કબજો જમાવ્યો. યુદ્ધમાં થતી જાનહાનિ આંકડાઓની રમત બની ગઈ. એનાં વિનાશક દૃશ્યો એ ટેલીવિઝન પર નિહાળવાની બાબત બની ગયા.

ઘાતક શસ્ત્રાને ઓળંગીને ચીન જેવાએ તો બાયોલોજીકલ વેપન્સ તરીકે કોરોનાનાં રોગચાળાનો ઉપયોગ કર્યો. એક સમયે માનવીની સુખાકારી માટે કામ કરતું જ્ઞાાન અને વિજ્ઞાાન હવે વિસ્ફોટ અને વિનાશને માર્ગે ચાલુ રહ્યું છે. ટેલીવિઝન પરનાં યુક્રેન અને ગાઝાની તબાહીનાં દૃશ્યો નજર સામેથી પસાર થાય છે. પરંતુ એની આજે માનવીય સંવેદના પર લેશમાત્ર અસર થતી નથી. વિજ્ઞાાન હવે માનવજાતની સુખાકારી છોડીને વિનાશક દાવપેચો અજમાવવા માટે કામે લાગ્યું છે.

આની ખોજમાં નીકળેલો માણસ આજે છેક આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી ગયો છે અને હવે ફરી એક નવો સવાલ જાગ્યો છે. પરમાણુ શક્તિની ખોજ થઈ, ત્યારે વિચાર્યું કે માનવજાતને માટે એ કલ્યાણકારી નીવડશે, પણ તે ઉપકારક બનવાને બદલે વિનાશકારી સાબિત થઈ. આજે અનેક દેશો અણુબોંબ ધરાવે છે એવા ગુમાનમાં ઘૂમી રહ્યા છે. જાણે હાથમાં બોંબ રાખીને ઇરાન ઇઝરાયેલને ભય પમાડે અને પાકિસ્તાન ભારત સામે આંખ ઊંચી કરે અને રશિયા યુક્રેનને ઘૂંટણભેર નમન કરવા માટે ધમકી આપે.

જગત આખું પળેપળ ત્રીજા વિશ્વયુદ્ધનો ભય સેવે છે. એક બાજુ જગતનાં લાખો લોકોને પાણી મળતું નથી અને બીજી બાજુ જગતનાં દેશો પાણીપતનું યુદ્ધ ખેલવા તૈયાર થઈ ગયા છે! આ ધરતી પર રામ આવ્યા, બુદ્ધ, મહાવીર અને ક્રાઈસ્ટ આવ્યા અને એ સહુએ પોતાના ઉપદેશમાં માનવતાને ગૂંથી લીધી. ઉચ્ચ ભાવનાઓ અને ઉદાર ગુણોનો મહિમા કર્યો, પરંતુ એ ધર્મભાવનાઓની આજે શી હાલત કરી છે. આજે ધર્મ એ મતપ્રાપ્તિની અને સત્તાપ્રાપ્તિની સીડી બની ગયો છે અને પરિણામે સત્તાની સાઠમારીમાં ઝનૂની ધર્મભાવનાઓનું કુરુક્ષેત્ર ચાલ્યા કરે છે!

આજના વિશ્વમાં અડધોઅડધ દેશોમાં એવા લોકો સત્તા પર બેઠા છે કે જેઓ ધર્મના માધ્યયનો ગલત ઉપયોગ કરીને અધર્મને પ્રસરાવે છે. ધર્મોની આત્યંતિકતાઓ ધીરે ધીરે પ્રજાના દિમાગ પર એવું પ્રભુત્વ મેળવ્યું છે કે રાજકારણીઓ એનો પૂરો લાભ ઉઠાવે છે. આ જગતમાં ચોતરફ ગરીબી છે, ભૂખમરાથી રોજેરોજ કેટલાય લોકો મરી રહ્યા છે, પ્રદૂષણથી માનવજીવન હચમચી ઊઠયું છે.

 આવે સમયે જગતની સુખાકારી ભૂલીને ધર્મ અને વિજ્ઞાાન પેલા ઊંઘતા માણસની જેમ નિરુદેશ રહેલી છે. આર્ટિફિશિયલ ઇર્ન્ટેલિજન્સથી આપણે સામાન્ય રીતે માણસો પર આધારિત બાબતો હવે મશીનોથી કરી શકીશું. એ કમ્પ્યૂટર પ્રોગ્રામને જાતે શીખવાની અને સમજવાની મદદ કરે છે. માનવબુદ્ધિનું હૂબહૂ અનુકરણ કરે છે.

ચોતરફ એમ કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધથી મનુષ્યજાતિએ ઉત્ક્રાંતિનું શિખર સર કર્યું છે અને એ સાચું છે કે એની કૃત્રિમ બુદ્ધિમત્તાના ફાયદાઓ માનવજાતિને જરૂર થશે, પરંતુ એ.આઈ. જેમ વધુ સંશોધિત અને વ્યાપક બનતું જાય છે, તેમ તેમ કૃત્રિમ બુદ્ધિમત્તાનાં સંભવિત જોખમો વધતા જાય છે. વિખ્યાત સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ તો કહેલું  કે,'કૃત્રિમ બુદ્ધિનો વિકાસ માનવજાતિના અંતનું ભવિષ્ય ભાખી શકે છે' અને એલોન મસ્કે પણ સ્વીકાર્યું હતું કે, આપણે જાણીએ એના કરતાએ વધુ સક્ષમ છે તેમજ એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ નરકનો ભય મને સતાવે છે.

શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નર્ક સર્જેશે? કે પછી આપણને સ્વર્ગના સુખનો અનુભવ કરાવશે? આજે ધીરે ધીરે માનવીના રોજિંદા જીવન પર એની અસર પડતી જાય છે અને હકીકતમાં તો મોટાભાગના લોકો દરરોજ કોઈને કોઈ રીતે આનો ઉપયોગ કરે છે. એણે માનવીના રોજિંદા જીવનમાં એટલો ઝડપથી પ્રવેશ કર્યો છે કે સ્ટેટિસ્ટાના એક અભ્યાસ પ્રમાણે તો વૈશ્વિક એ.આઈ. માર્કેટ ચોપન ટકા જેટલું વધશે. આજે માર્કેટિંગ મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર જેવા ઉદ્યોગોમાં આ ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે છે અને એને પરિણામે લાખો લોકોને નોકરી ગુમાવવી પડશે. જેઓ ઓછા વેતનની નોકરી કરે છે, તેમના પર સૌથી વધુ ખતરો છે. આવા માણસોનાં કાર્યો એ.આઈ.ના ઉપયોગથી રોબોટ ખૂબ ઝડપથી અને કુશળતાપૂર્વક કરશે, આથી ઘણી નોકરીઓ ગુમાવવી પડશે.

બીજી બાજુ જે નવી નોકરીની તકો ઉદ્દભવશે, તે માટે વ્યક્તિમાં આંતરિક પ્રતિભાની જરૂર રહેશે. શિક્ષણ અને તાલીમની જરૂર રહેશે અને એથીયે વધુ વધારેને વધારે સર્જનાત્મકતાની આવશ્યકતા રહેશે. કાયદો અને એકાઉન્ટિંગના વ્યવસાય પર એ.આઈ. પહેલો આઘાત કરશે. આ સંદર્ભમાં ટેકનોલોજી વ્યૂહરચનાકાર ક્રિસ મેસીનાએ કહ્યું છે કે, 'ઘણા વકીલો પોતાના કેસ અંગે હજારો દસ્તાવેજો અને કાગળો વાંચે છે. આમાં ક્યારેક મહત્ત્વની વાત એ ચૂકી પણ જાય છે. જ્યારે કેસમાં જે પરિણામ હાંસલ કરવાનો પ્રયાસ કરો છો, તેને માટે વ્યાપક પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું એ.આઈ. ઘણા કોર્પોરેટ વકીલોને ઘેર બેસાડી દેશે!'

એક સૌથી મોટું ભયસ્થાન એ સામાજિક મેનિપ્યુલેશનનું છે. રાજનેતાઓ એમના દૃષ્ટિકોણને વધુ પ્રગટ કરવા માટે આ પ્લેટફોર્મ પર વધુને વધુ આધાર રાખે છે. પ્રત્યક્ષ લોકસંપર્ક ગઈ કાલની ઘટના બની જશે. ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન ફર્ડિનાન્ડ માર્કોસ, જુનિયરે ફિલિપાઈન્સવાસીઓના મત મેળવવા માટે ટિકટોક ટ્રોલ આર્મીનો ઉપયોગ કર્યો હતો. રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં ડીપફેક્સના પ્રકાશમાં ઓનલાઈન મીડિયા અને સમાચારો અત્યંત અસ્પષ્ટ બની રહ્યા છે. નેતાઓ, કલાકારો અને અન્ય વ્યક્તિઓ વિશે ખોટી માહિતી અને પ્રચાર કરવામાં આવે છે. આથી જ ફોર્ડે કહ્યું, આને કારણે કોઈને ખબર નથી કે વાસ્તવિક શું છે અને શું નથી. તેથી એ ખરેખર તો એવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે કે જ્યાં તમે જે કંઈ સાંભળ્યું કે જોયું હોય તેના પર અર્થાત્ તમારા કાન અને આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હકીકતમાં તો વ્યક્તિની ગોપનીયતા અને સુરક્ષા પર પ્રતિકૂળ અસર કરશે. વાસ્તવિકતા એ છે કે એના ભ્રામક જગતના ભયચક્રમાં માનવી ફસાઈ જશે, ડીપફેક અને ફેક ન્યૂઝ એ એનું ઉદાહરણ છે અને સરમુખત્યારશાહી શાસન અને ઉપયોગથી પ્રજાજીવનની સાચુકલી ભાવનાઓનું ગળું ટૂંપી દશે. આને પરિણામે સામાજિક આર્થિક અસમાનતાનું વિસ્તરણ થશે. કૃત્રિમ બુદ્ધિમત્તાને કારણે પૂર્વગ્રહોથી લોકો પ્રભાવિત થતા રહેશે અને એના દ્વારા સંચાલિત સ્વાયત્ત શસ્ત્રો વિશ્વને ક્યાં લઈ જશે તે પ્રશ્નાર્થ છે.

હવે તમે જ કહેશો કે માનવજાત આજે ઉંઘમાં અહીં તહીં ભટકી રહી છે!

પ્રસંગકથા

રેલ્વેના ગમખ્વાર અકસ્માતો ડિક્શનરીમાં બૂટની શોધ

રમેશને એના મામાએ સુંદર બૂટ અપાવ્યા. લાલચટક રંગના બૂટ! એ બધે પહેરીને ફરે. બે દિવસ તો મિત્રોને પોતાના બૂટ બતાવતો રહ્યો, પણ એક દિવસ સવારે ઊઠીને જુએ તો બૂટ ન મળે. રમેશ ચારેબાજૂ શોધ કરવા લાગ્યો. કબાટ નીચે જોયું. કોઈ કૂતરું લઈ ગયું હોય એમ માનીને આજુબાજુ જોયું, ઘરના ખૂણેખૂણા ફેંદી વળ્યો, પણ નવાનકોર બૂટ ન મળે!

એવામાં એને યાદ આવ્યું. એના પપ્પા શબ્દકોશ વાંચતા હતા, ત્યારે રમેશે પૂછ્યું કે, 'તમે શું કરો છો?'

ત્યારે એમણે કહ્યું, 'હું શબ્દકોશ જોઉં છું. આ ડિક્શનરીમાંથી બધું જ મળી રહે.'

રમેશ પપ્પાના ખંડમાં ગયો. ટેબલ પર તપાસ કરી, બધાં પુસ્તકો ફેંદવા લાગ્યો. આખરે ડિક્શનરી મળી. એવામાં રમેશની દોડધામ જોઈને એનાં મમ્મી આવ્યાં અને પૂછ્યું, 'બેટા, શું કરે છે?'

રમેશે કહ્યું, 'મારા મામાએ અપાવેલા બૂટ શોધું છું.'

એની મમ્મીને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, 'અરે, પણ તું તો ચોપડી જુએ છે?'

રમેશે કહ્યું, 'મા, આ કોઈ જેવી તેવી ચોપડી નથી. આ તો ડિક્શનરી છે. પપ્પાએ કહ્યું હતું કે જે ક્યાંય જડતું ન હોય, તો ડિક્શનરીમાંથી મળી જાય. એટલે હું પણ એમાં મારા બૂટ શોધું છું.'

રમેશની વાત સાંભળીને એની મમ્મી હસી પડી.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે ભારતીય રેલ્વે રમેશની માફક ડિક્શનેરીમાં બૂટની શોધ કરે છે!

મુસાફરોને માટે સૌથી મોટી બાબત એ સલામતી છે, પણ એ સલામતીને ભૂલીને સુવિધાનો વિચાર કરે છે. અમૃત ભારત સ્ટેશન સ્કીમ દ્વારા શહેરોનું અંતર ઓછું કરવામાં આવી રહ્યું છે. આમ રેલ્વેમાં એક બાજુ પરિવર્તન જોવા મળે છે, તો બીજી બાજુ ટૂંકા અંતરની મેમુ અને ડેમુ ટ્રેનની એ જ ભંગાર હાલત છે.

રેલ્વેમાં સલામતીને માટે 'કવચ' નામની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ તૈયાર કરવામાં આવી, પણ એ મુસાફરોની સુરક્ષા માટેની તેની કામગીરી નબળી રહી છે. રેલ્વેના અડસઠ હજાર કિલોમીટરના નેટવર્કમાંથી માત્ર બે ટકાને જ આ લાભ મળ્યો છે. ફક્ત એક હજાર ચારસો પાંસઠ કિમીમાં કવચ કાર્યરત છે. આ માટે રેલ્વે માટેના બજેટમાં ફાળવેલાં નાણાંનો પૂરો ઉપયોગ થતો નથી અને બીજી બાજુ જેની તાતી જરૂર છે એવી ટ્રેક સિગ્નલીંગ સિસ્ટમમાં આધુનિકતા લાવવામાં આવતી નથી.

ખરેખર તો મુસાફરોની સલામતીને સૌથી અગ્રતા આપવી જોઈએ અને રેલ્વેની જરી-પુરાણી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમને તાત્કાલિક રુખસદ આપવાની છે.

આનું કારણ એટલું જ કે તાજેતરમાં થયેલા રેલ્વેના ત્રણ મોટા અકસ્માતો બાલાસોર, વિઝિયાનગર અને કંચનજંગા એક્સપ્રેસના અકસ્માતોનું કારણ એક જ છે અને તે આપણી જૂની પુરાણી થઈ ગયેલી સિગ્નલની વ્યવસ્થા. હવે મોટા દાવાઓ કરવાને બદલે મોટી જાનહાનિ નિવારવા માટે પાયાનું આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે.


Google NewsGoogle News