નાનું બાળક એ સત્તાભૂખ્યા નેપોલિયનનું દ્રષ્ટિસ્વપ્ન હતું!


- પારણામાં રહેલા બાળકને 'રોમનો રાજા'નો ભવ્ય ખિતાબ એનાયત થયો!

કેટલીય આશા અને આંસુ કે વિજયનો આનંદ યા પરાજયનાં ડૂસકાં પોતાનામાં ધરબીને ઇતિહાસ શ્વાસ લે છે. ક્યાંક ભવ્ય વિજય, તો ક્યાંક કાલિમાભર્યો પરાજય એના લલાટે નોંધાયેલો છે. કેટલીક ઘટનાઓ સર્જાય છે અને ભુલાઇ જાય છે, તો કેટલીક પ્રજામાનસમાં શિલાલેખ બનીને અંકિત થઇ જાય છે. લોકમાનસમાં આવી અંકિત થયેલી એક ઘટનાને કારણે ફ્રાન્સના પાટનગર પેરિસને વીરપૂજનનું એક દ્રશ્ય જોવા મળ્યું.

નેપોલિયન બોનાપાર્ટ જેવા વિજયી સેનાપતિ અને સત્તાધીશ સમ્રાટને સર્જનારા ફ્રાન્સે એના વીર બાળકની ઇ.સ.૧૯૨૩માં જયંતી ઉજવી. સાવ વિચિત્ર લાગે એવી એની આ ઉજવણી કોઈ પણ બાળકને માટે આનંદદાયક બને તેવી હતી. એ બાળકનાં સ્મરણમાં પેરિસના નિવાસીઓએ રમકડાંનું એક ભવ્ય પ્રદર્શન યોજ્યું. પણ એ પ્રદર્શનમાં બાળકના ઉલ્લાસભર્યા હૃદયની આનંદોર્મિને સ્થાને સર્વત્ર કારુણ્યની છાંટ વર્તાતી હતી. ફ્રાન્સની પ્રજાએ અતિ ઉલટભેર આ રમકડાંના પ્રદર્શનનું આયોજન કર્યું.

જગતના કોઈપણ બાળકને એના દેશવાસીઓએ આટલા લાડ લડાવ્યા નહીં હોય! કોઈ પિતા નેપોલિયનના ઉજાસથી એ બાળકને સન્માન પામેલો માને, પરંતુ એ બાળક પિતાનું પણ દ્રષ્ટિસ્વપ્ન હતું કે દુનિયાએ નહીં જોયેલાં અને નહીં જાણેલાં વિરાટ મહાસામ્રાજ્યનો એ શક્તિશાળી વારસ બને. દિગ્વિજયી નેપોલિયનના અગણિત વિજયો એના બાળક ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સના હાથે વધુ ને વધુ વિસ્તરે. અતિશય સાહસિક વીર પિતાના જીવનમાં આ બાળક એ પ્રભુની પ્રસાદી સમાન ગણાતો હતો.

નેપોલિયન બોનાપાર્ટની આત્મમંથનની ક્ષણોમાં આ બાળક શાંતિદાતા બન્યો હતો. એ બાળકના કોમળ હૃદયમાં કીર્તિવંત વિજયોની આશાઓ પ્રગટીને આનંદદાયિની બની નહોતી, કારણકે એ પહેલાં જ ક્ષણિક ચમકતા આગિયાના ચમકારની પેઠે એ પ્રકાશ-તારક ખરી પડયો. પરાજિત નેપોલિયનના આશ્ચર્યજનક જીવનની આશાના અંતિમ દીપકને પ્રભુએ અકાળે બુઝાવી દીધો. મહાસમ્રાટ નેપોલિયનના આ ઝબૂક દીવડાંને પરાજિત અને હતાશ ફ્રાન્સ ભૂલી ગયું. ઇતિહાસનાં પૃષ્ઠ પર નેપોલિયનના પુત્ર ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સનું નામોનિશાન ન રહ્યું, પણ વર્ષો વીતતાં ગયાં.

જગપ્રસિધ્ધ એવા વોટર્લૂના યુદ્ધમાં પરાજિત નેપોલિયને ૧૮૧૫ની ૨૨મી જૂને બીજી વાર ગાદી ત્યાગ કર્યો અને એ પછી દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા બ્રિટનના અંકુશ હેઠળના નિર્જન એવા સેન્ટ હેલેના ટાપુ પર મોકલવામાં આવ્યો. સેન્ટ હેલેનામાં તે હોજરીના કેન્સરથી મૃત્યુ પામ્યો, પણ એણે એના વસિયતનામામાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે જેને તેણે ખૂબ ચાહ્યા છે એવા ફ્રેન્ચ લોકોની વચ્ચે પેરિસમાં સીન નદીના કિનારે એના દેહને દફનાવવામાં આવે.

૧૮૨૧ની પાંચમી મે નેપોલિયનનું નિધન થયું. એ પ્રથમ કોન્સલ, શ્રેષ્ઠ વહીવટકાર અને સમ્રાટ નેપોલિયનની કામગીરી વિશે ચર્ચા કરનારા ફ્રાન્સમાં સમય જતાં એના વીરપૂજનની ભાવના સજીવન થઈ અને એનું મૂર્તિમંત સ્વરૂપ  એેટલે એના વ્હાલસોયા પુત્ર ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સની સ્મૃતિમાં યોજાયેલું રમકડાંનું પ્રદર્શન. આજે તો એ બાળકના કરુણ જીવનની કથની સંભારી-સંભારીને આપણે એ બાળકની છબી જોવાનો પ્રયત્ન કરીએ.

એ બાળક પર સમ્રાટ નેપોલિયને કેટકેટલાં ખિતાબોની નવાજિશ કરી. એ ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સને જન્મતાવેંત 'રોમના રાજા', 'પરમાના રાજકુમાર', 'ધારાસભાના ભૂષણ' જેવા અનેક ઇલ્કાબો આપ્યા. દુન્યવી ઇતિહાસમાં મશહૂર એ બાળકે એકવીસ વર્ષની વયે પોતાની જીવનલીલા સંકેલી લીધી, પણ આજે એ ભુલાયેલા બાળક ફ્રાન્સિસ જોસેફ ચાર્લ્સને એક મહાન સામ્રાજ્યના એકલા અટૂલા તેજકિરણને-અંજલિનું એકાદ તેજકિરણ આપીએ.

સર્વસત્તાધીશ સમ્રાટ નેપોલિયન સત્તાના ઉચ્ચ શૃંગે બિરાજ્યો હતો. બ્રિટન અને રશિયાના અપવાદ સિવાય આખુંય યુરોપ એને ચરણે ઢળ્યું હતું. એમને ધુ્રજાવવા માટે પણ એ કટિબદ્ધ બન્યો હતો. એના પ્રત્યેક વિજય પછી એના સામ્રાજ્યમાં વૃદ્ધિ થતી હતી. જર્મની અને ઇટલીના પ્રદેશોમાં પોતાના સગાં અને મિત્રોને સત્તાના સિંહાસન પર બેસાડયા. પોતાના મોટાભાઈ જોસેફને નેપલ્સનો રાજવી બનાવ્યો. નાનાભાઈ લુઈને હોલેન્ડના શાસક તરીકે નીમ્યો અને ત્રીજા ભાઈ જેરોમને જર્મન પ્રદેશમાં રચાયેલા વેસ્ટફારિયામાં રાજવી બનાવ્યો અને ૧૮૦૯ની ડિસેમ્બરમાં આવા સર્વસત્તાધીશ સમ્રાટને એક મહાન વંશવેલો સ્થાપવાની અમર આશા પ્રદીપ્ત થઈ અને એને પોતાની તૃષ્ણા ઠારે એવા વારસની ખોટ જણાઈ. પોતાની જન્મભૂમિ કોર્સિકાને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાનો વિચાર જાગ્યો, પરંતુ એ જાણતો હતો કે એ સ્વાભિમાની રાજકુટુંબ પરાજિત થઈ એનાં ચરણે પડે નહીં, પણ કદાચ લગ્નની કુંડળીથી એ અવશ્ય નમે. એ પુરાણા રાજકુટુંબ પાસે પોતે કન્યાની માગણી કરે, તો શું એ ન સ્વીકારે? એ રાજકુટુંબ એની પ્રતિભાશાળી, સત્તાસન્મુખ દ્વાર બંધ કરતા શું જરાય ન ડરે ?

આવા વિચારોમાં સમ્રાટ ડૂબી ગયા. એની પત્ની જોસેફાઈનથી એને પુત્રપ્રાપ્તિ થઈ નહોતી. જોકે ફ્રાન્સના પ્રજાજનો તો માનતા હતા, કે જોસેફાઈન જ સમ્રાટની મહત્તાનું કારણ છે, પણ પુત્રની વાંછના રાખતા નેપોલિયને જોસેફાઈનને છૂટાછેડા આપ્યા. પોતાના જૂના શત્રુ એવા ઓસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ (પ્રથમ)ની પુત્રી મેરી લુઈ સાથે ૧૮૧૦ના એપ્રિલમાં એણે લગ્ન કર્યા. જોસેફાઈનને છૂટાછેડા આપીને એણે રશિયાના ઝારની બહેનને તરછોડી હતી અને રશિયાની મિત્રતાને પણ તિલાંજલી આપી હતી.

નેપોલિયન અને મેરી લુઈનું વિચિત્ર યુગલ બન્યું. એકની વય ચાલીસ વયની તો બીજી અઢાર વર્ષની મુગ્ધ કન્યા, પરંતુ દુનિયા એ લગ્ન સાથે અસંમત થઈ નહીં, કારણકે એની પાછળ અનેરી આશાઓ છુપાઈ હતી. એમ હતું કે સતત યુદ્ધ કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતો નેપોલિયન જરા શાંત થશે. અવિરત યુદ્ધોથી કંટાળી ગયેલા ફ્રાન્સના લશ્કરોને થોડી નિરાંત મળશે. અતિ મહત્વાકાંક્ષી, સત્તાભૂખ્યા વિજેતાની કાર્યક્ષમ વહિવટી તંત્ર સ્થાપવાની શક્તિ બહાર આવશે. સામંતસાહી નાબૂદ થશે અને બંધારણ અને નાગરિક કાનૂન સંહિતા એણે જીતેલા દેશોમાં દાખલ થશે. એની અથાગ શક્તિઓ સામ્રાજ્યની સુધારણા પ્રતિ વળશે. આથી જુલિયસ સિઝરના કુટુંબની એ રાજકન્યકાને ફ્રાન્સે વહાલભરી વધામણી આપી અને યુરોપ એના તરફ આશાભરી મીટ માંડીને બેઠું.

પેરિસ પણ વારસની એક આશા ધરાવીને બેઠું હતું. એ જાણતું હતું કે કન્યા જન્મશે તો તોપના એકવીસ અવાજ થશે. વળી એકસો ને એક અવાજ યુવારત્નને વધાવશે. ૧૮૧૧માં મેરી લુઈથી પુત્રપ્રાપ્તિ થઈ અને પેરિસના મહોલ્લાઓ હર્ષનાદે ગાજી ઊઠયાં. પ્રજામાં અપ્રતિમ ઉત્સાહ પ્રગટી ઊઠયો. ઉદ્યાનો પણ આનંદિત બન્યાં અને અજબ ત્વરાથી પ્રત્યેક નગરજન પાસે આ શુભ સમાચાર પહોંચી ગયા. પ્રજાનો આ આહ્લાદ જોઈને શહેનશાહ પણ આનંદની રસવાહી ઊર્મિઓમાં ન્હાયો. પુત્રના પ્રથમ દર્શને એની આંખોમાં હર્ષનાં આંસુ આવ્યાં. આવા મનમાગ્યા બાળકની વધામણીમાં સમ્રાટ કંઈ પાછા પડે ખરા ?

એ બાળક પારણામાં હતો અને 'રોમનો રાજા' કહેવાયો. સમસ્ત ફ્રાન્સમાં આનંદની અપરિમિત છોળો ઉડવા લાગી. સમ્રાટના સુખે સુખી થવાં પ્રત્યેક દેશવાસી આતુર હતો. ચિત્રકલા, શિલ્પકલા અને મુદ્રણકલા દ્વારા સ્થળે સ્થળે સમ્રાટના પુત્રની પ્રતિકૃતિઓ પ્રકાશી રહી. ફ્રાન્સના ગામેગામથી કવિઓએ એને કંઠે કાવ્યમાળાઓ આરોપી. આખું ફ્રાન્સ હિલોળે ચડયું હતું. નાનકડું ઝુંપડું પણ મોજ માણવામાં પાછું ન પડયું. વિજેતા સમ્રાટ નેપોલિયનને પ્રજાની સ્વામી-ભક્તિનો સાક્ષાત્કાર થયો. આ સ્વાગતશ્રેષ્ઠ બાળક મન માનેલી શાંતિ ન સ્થાપી શક્યું. રશિયા પર આક્રમણ કરવા નેપોલિયને પોતાના સામ્રાજ્યના અંકુશમાં આવેલાં રાજ્યોમાંથી છ લાખ નવા સૈનિકોની ભરતી કરી. ૧૮૧૨ના જૂન મહિનામાં રશિયાની પશ્ચિમી સરહદો પર આક્રમણ કર્યું, પણ રશિયાના સૈન્યોએ એનો સામનો કરવાને બદલે 'ધીકતી ધરા'ની નીતિ અપનાવી. શહેરો અને ગામો ઉજ્જડ કરી દીધાં. નેપોલિયનનું સૈન્ય પરેશાન થઈ ગયું. એ છેક મોસ્કો પહોંચ્યો એ વખતે શહેર ખાલી કરી પીછેહઠ કરતા રશિયન સૈનિકોએ બધા મકાનોને આગ લગાડી હતી. રશિયામાં શિયાળો નજીક આવતા નેપોલિયને મોસ્કોમાં રાહ જોઈને ઝાર એલેકઝાન્ડર પાસેથી શાંતિ માટેની માંગણીની રાહ જોઈ, પણ રશિયાના ઝારે આવી કોઈ માગણી કરી નહી.

ઓસ્ટ્રિયન યુવતીનાં લગ્નએ બળતામાં ઘી હોમ્યું હતું અને રશિયામાંથી પાછા ફરતા નેપોલિયનના ઘણા સૈનિકો ભૂખ અને ઠંડીથી મૃત્યુ પામ્યાં. છ લાખની વિરાટ સેના લઈને ગયેલા નેપોલિયનના પાંચ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, ભાગી ગયા કે કેદી થયાં અને નેપોલિયન પેરિસ પાછો ફર્યો. એ સમયે માત્ર બાળકની સંગતિનો સમય એ જ એનો વિરામ હતો. એ જ એના જીવનની ધન્ય પળ હતી. બાળકના હાસ્યથી ભાવિની આશા જાગતી અને મેરી લુઈ આ ક્ષણોમાં સહચારિણી બનતી હતી. માનવ કલ્પનાનું એ સાદું નાનકડું સુખી કુટુંબ બની ગયું અને પોતાના બાળકને પ્રેરણા આપવા માટે રોમના એ નાનકડા રાજાને સ્વહસ્તે તેડીને એનો પિતા નેપોલિયન ફ્રાન્સની સેનાને નિહાળવા લઈ જતો. વિરોધીઓ પર વિજય હાંસલ કરનાર સમ્રાટ નેપોલિયન સામે હવે વિધિએ ખેલ ખેલવો શરૂ કર્યો.                        

(ક્રમશ:)

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ : જહાંપનાહ, મજબૂત વિપક્ષ  દેશહિતને મોટે અતિ આવશ્યક છે.

બાદશાહ : ક્યોં?

બીરબલ : જહાંપનાહ, વિપક્ષ હોય એની એક ઓર જ મજા છે. વિપક્ષ હોય તો સત્તાધારી પક્ષને આકરી ટીકા કરવાની તક મળે, એની સામે આક્ષેપોની આંધી વરસાવી શકે. રાવણ ન હોય તો રામ કોને તીર મારે? વિપક્ષ વિના લોકસભા અને વિધાનસભા વેરાન બની જાય અને એના વિના લોકસભાનોે બૂમો પાડીને બહિષ્કાર કોણ કરે? અંદર હોય તો બહાર જાયને !

પ્રસંગકથા

હવે તો જાગો !

નગરના મુખ્ય માર્ગ પર થયેલા ટ્રાફિક જામને કારણે કેટલીક મોટરો અને બીજાં વાહનો અટકી ગયાં હતાં. રમણલાલે જોયું કે આ ટ્રાફિક જામ એવો છે કે એમાં મોટર સહેજે આગળ ચાલે તેમ નથી, તેથી એનું કારણ જાણવા માટે મોટરમાથી નીચે ઉતર્યા.

સામેથી ટ્રાફિક પોલીસને આવતો જોયો એટલે રમણલાલે પૂછ્યુ, 'અરે ભાઈ, શું થયું છે? આટલો બધો ટ્રફિક જામ થયો છે, એનું કારણ શું ?'

ટ્રાફિક પોલીસે કહ્યું,'સાહેબ, એક દારૂડિયો રસ્તાની વચ્ચે સૂતો છે અને એ કહે છે કે ગઈકાલે જુગારમાં એણે પાંચસો રૂપિયા ગુમાવ્યા છે. અત્યારે એ રકમ એને આપવાની છે. જો આટલી રકમ મળે, તો એ રસ્તા પરથી ઊભો થશે નહીં તો તે દસ લિટર કેરોસિન છાંટીને અગ્નિસ્નાન કરવાની ધમકી આપે છ.'

'ઓહોહો ! આ તો ઘણી વિચિત્ર પરિસ્થિતિ કહેવાય. હવે તમે શું કરશો?'

'બીજું શું કરીએ? અત્યારે તો સાહેબ ટ્રાફિક ક્લિયર થાય એ માટે ફાળો ઉઘરાવીએ છીએ.'

'બહુ સાચી વાત,'રમણલાલે કહ્યું. 'આ ઑફિસના સમયે તો ટ્રાફિક જેટલો વહેલો ક્લિયર થાય એટલું સારું. કેટલો ફાળો થયો છે?'

'સાહેબ, હજી ચાર લિટર મળ્યું છે. છ લિટર બાકી છે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે રમણલાલની ધારણા રકમ એકઠી કરવાની હતી અને કોન્સ્ટેબલનો ખ્યાલ પ્રટ્રોલ મેળવવાનો હતો. બંને ખોટા હતા. એ જ રીતે ગુજરાતની સરકાર અને પ્રજા બંને ખોટી ધારણા રાખીને બેઠાં છે. છાશવારે ગુજરાતમાં મોટાપાયે ડ્રગ પકડાય છે. હોટલોમાં નશાખોરીને ઉત્તેજન મળે છે. તેમ છતાં ગુજરાતમાં બધું હેમખેમ છે, એવા ખોટા ખ્યાલથી એ નશાખોરી સામે લાલ આંખ કરતું નથી.

હવે જાગી જવાની જરૂર છે, નહીં તો ગુજરાતની હાલત પંજાબ જેવી બૂરી થશે અને એનું યુવાધન બરબાદ થઈ જશે. દારૂથી દૂર રહેનારું ગુજરાત ડ્રગમાં સપડાઈ જશે! હવે તો જાગો!

City News

Sports

RECENT NEWS