ભારતના એ વડાપ્રધાન કાથીના ખાટલા પર સૂતા હતા !


- ગૃહપ્રધાને કહ્યું કે મારા ઘરમાં કૂલરની કોઈ જરૂર નથી !

એક એવો વિરલ સંયોગ કે મહાત્મા ગાંધીજી (૧૮૬૯) અને લાલબહાદુર શાસ્ત્રી (૧૯૦૪) બંનેનો બીજી ઑક્ટોબરે જન્મદિવસ. સાદાઈ, સચ્ચાઈ, દ્રઢતા, દેશસેવા, પુરુષાર્થ અને પ્રજાપ્રેમમાં લાલબહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીજીની જાણે નાની આવૃત્તિ ન હોય! એવા લાલબહાદુર શાસ્ત્રીના ૧૯મા વર્ષે થયેલા પરિચયને પરિણામે એમના જીવનની કેટલીયે ઘટનાઓ જાણવા મળી.

લાલા લજપતરાય અને રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડન જેવા સમર્થ દેશભક્તો પછી લાલબહાદુર શાસ્ત્રી 'ભારત સેવક સંઘ' (સર્વન્ટ્સ ઑવ ઈન્ડિયા સોસાયટી)ના પ્રમુખ બન્યા. ૨૨ વર્ષના લાલબહાદુરે ધગશભેર દેશસેવાનાં કાર્યોનો પ્રારંભ કર્યો. આ સંસ્થાનું આજીવન સભ્યપદ ધરાવનારને એક જ કામ કરવાનું અને તે દેશસેવાનું... અને એક જ ચિંતા કરવાની અને તે દેશોદ્ધારની. આમાં યુવકોને તાલીમ આપવામાં આવતી. એનું સભ્યપદ મેળવવું અત્યંત કપરું હતું અને પછી એના આજીવન સભ્યપદ પર રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું. આનું આજીવન સભ્યપદ ધરાવનારને સામાન્ય માનવીની પેઠે સાદાઈથી જીવવાનું, કોઈ સારા પગારની નોકરી કરી શકાય નહીં, શરૂઆતમાં આજીવિકા માટે સાઠ રુપિયા મળે અને પછી એકસો રુપિયા મળે. દેશમાં જુદાં જુદાં રચનાત્મક કામો કરવાં અને એનો આજીવન સભ્ય દસ વર્ષ સુધી ધારાસભામાં જઈ શકે નહીં.

વિચિત્ર ઘટના એ બની કે જ્યારે લાલબહાદુરે એમની માતા રામદુલારી દેવીને કહ્યું કે મને આનું આજીવન સભ્યપદ મળ્યું છે, ત્યારે એમની માતાને થયું કે 'વાહ, હવે તો દીકરો ઘણા રૂપિયા કમાશે, મોટા ઘરમાં રહેશે અને દુ:ખના દિવસો પૂરા થશે', પણ માતાએ જ્યારે એના નિયમો જાણ્યા, ત્યારે એમને એ વાત વજ્રપાત જેવી વસમી લાગી. પણ યુવાન લાલબહાદુર સામે દેશની આમજનતાનું દુ:ખ તરવરતું હતું, ત્યાં વળી પોતાના દુ:ખને શું રડવું ?

આથી લાલબહાદુરને જે કંઈ આવક થતી તેમાંથી ભારત સેવક સંઘને રકમ આપવાની રહે અને બીજું વિશાળ કુટુંબની જવાબદારી નિભાવવાની રહે, પરંતુ એમનો સિદ્ધાંત હતો કે કોઈની પાસે ધનની લાલસા ન રાખવી. યાચના તો કદી કરવી નહીં. જેટલી આવક હોય એટલામાં કરકસરથી પૂરું કરવું અને એમનાં સંતાનોને એ હંમેશા કહેતા કે, 'પૈસાની કદી લાલસા રાખવી નહીં. નીતિમાન અને કર્મશીલ બનવું.'

એક વાર લાલબહાદુરના મિત્ર હેમવતી નંદને કહ્યું, 'તમે આખો દિવસ કામ કરો છો. સવારે ચા પીને ઘરેથી નીકળી જાઓ છો અને પછી સાંજે ઘરે પાછા ફરો છો. કોઈક જ દિવસ બપોરનું ભોજન લો છો, ત્યારે બપોરે ચાને બદલે સંતરાનો રસ લેતા હો તો.' ત્યારે લાલબહાદુરે હસતાં હસતાં કહ્યું, 'જનાબ, મને આનંદ છે કે તમે એમ માનો છો કે સંતરાનો રસ પીવાની મારી હેસિયત છે.' આમ કહીને તેમણે એ વાત ઉડાડી દીધી!

૧૯૬૧ના વર્ષ બાદ ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ત્રણ વરિષ્ઠોમાં એક લાલબહાદુર હતા. સવારથી જ સાંજ સુધી એ ચૂંટણીનાં આયોજનોમાં વ્યસ્ત રહેતા. આથી એક વાર એમના મિત્ર પ્યારેલાલ શ્રીવાસ્તવ મોડી રાત્રે એમને મળવા આવ્યા. લાલબહાદુર સૂવાની તૈયારી કરતા હતા. પ્યારેલાલે જોયું કે એક ખાટલા પર ચાદર પાથરી હતી અને માથા નીચે એક ઓશીકું મૂક્યું હતું. એ સમયે અત્યંત પ્રભાવશાળી કોંગ્રેસ પક્ષના અગ્રણી અને ૧૯૬૧ ના એપ્રિલમાં પંડિત ગોવિંદ વલ્લભ પંતના અવસાન પછી ભારતના ગૃહપ્રધાન તરીકે કાર્યરત એવા લાલબહાદુરની આવી સાદગી જોઈને પ્યારેલાલ આશ્ચર્યચકિત બની ગયા. દિલ્હીમાં ક્યારેક એવું પણ બનતું કે તેઓ મોડી રાત્રે ઘેર પાછા આવે, ત્યારે બાળકોને ખાટલામાં સૂતેલાં જુએ એટલે શાંતિથી જમીન પર ચાદર બિછાવીને અને એક કામળી ઓઢીને આખી રાત વિતાવે!

અરે! લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, ત્યારે પણ કાથીના ખાટલા પર સૂતા હતા. મોડી રાત્રે જ્યારે પાછા આવે, ત્યારે એમનાં પત્ની લલિતાદેવી અને બહેન સુંદરીદેવી જમવાનું યાદ કરાવે તો ખાટલા પર બેસીને થોડું જમી લે. ખાટલો એ જ ડાઈનિંગ ટેબલ અને એ જ સૂવાનો પલંગ.

બધે જ ઘર ભાડે રાખીને રહેતા લાલબહાદુર શાસ્ત્રીને ઘણી વાર લલિતાદેવી હસતાં હસતાં કહેતાં, 'શાસ્ત્રીજી અમને ઝાડની નીચે જ રહેઠાણ કરાવશે.' કદાચ લલિતાદેવીએ હસતાં હસતાં કહેલા આ શબ્દો એક અર્થમાં સાચા પુરવાર થયા, કારણ કે લાલબહાદુર શાસ્ત્રીનું અકાળે અવસાન થતાં ભારતના આ અપાર ચાહના પ્રાપ્ત કરનાર વડાપ્રધાન પોતાની પાછળ પોતાના દેશની ધરતી પર પોતાનું કહી શકાય એવું એક નાનું શું ઘર પણ છોડી ગયા નહીં અને આ ધરતી પર એમની માલિકીની એક તસુ જમીન પણ નહોતી.

લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવાનું ભાગ્યે જ ચૂકતા હતા, પણ એમની સાદાઈ એવી કે પોતાના આવાસની આજુબાજુ પોલીસ-વ્યવસ્થા રાખે નહીં. દરવાજા પર પહેરેગીર પણ ન જોઈએ, વળી સ્વયંસેવકો પાસે મુદ્દલ કામ કરાવે નહીં. એમની પાસે સામાન્ય માણસ પણ આવકાર પામતો. લાલબહાદુર સહુની વાત નિરાંતે સાંભળતા.

ભાવનગરના એ અધિવેશનમાં એમણે મારી સાથે અત્યંત નમ્રતાથી વાત કરી! એમના ઉકાળો અને ત્રણ ખાખરા આપવા માટે આભાર માન્યો. એ ૧૯૬૧ના જાન્યુઆરી મહિનામાં આ દેશનેતા વિશે જાણવાની એવી ધૂન લાગી કે એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી એમની સતત માહિતી મેળવતો રહ્યો અને જેમ જેમ માહિતી મેળવતો ગયો, તેમ મનમાં થયું કે આ ઉકાળા અને ત્રણ ખાખરાએ ભારે કરી. મારા ઉલ્લસિત મનની અપાર જિજ્ઞાાસા હવે મને જંપીને બેસવા નહીં દે! એ પછી લાલબહાદુર શાસ્ત્રીનાં સ્મરણોની તો સતત વણઝાર ચાલે છે. કેટકેટલા પ્રસંગો અને અંગત જીવનની ઘટનામાંથી પસાર થવાનું બન્યું. એક વાર લાલબહાદુર શાસ્ત્રી નૈનીતાલના પ્રવાસમાં જુદી જુદી ફૅક્ટરીઓ જોવા ગયા હતા. એ પછી એમને એક ફૅકટરીની અગાશી પર લઈ જવામાં આવ્યા અને ત્યાં એક નાનકડી સભાનું આયોજન થયું હતું. એમને માટે અને એમના સાથીઓને બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી હતી અને ફૅકટરીના મજૂરોને માટે નીચે જાજમ પાથરી હતી. લાલબહાદુર શાસ્ત્રી ઊંચી ખુરશી પર બેસવાને બદલે મજૂરોની સાથે નીચે જાજમ પર બેસી ગયા. એમને ઊંચે ચઢીને મંચ પર બેસવાનું ક્યારેય પસંદ નહોતું. બધાની વચ્ચે અને બધાની સાથે જ બેસવાનું ગમતું.

બિહારના સારણ જિલ્લાના મહારાજગંજ નામના ગામના રામધન નામના ગરીબે લાલબહાદુર શાસ્ત્રી સમક્ષ પોતાની મુશ્કેલી પ્રગટ કરી. આઝાદીનો આશક રામધન બે વાર તો અંગ્રેજ શાસન દરમિયાન કારાવાસ ભોગવી ચૂક્યો હતો. એ પછી આપણા દેશની સરકારે દર મહિને સ્વાતંત્ર્યસેનાનીને સહાય કરવાની જાહેરાત કરી હતી. આ સ્વાતંત્ર્યસેનાનીને એક વાર બસો રૂપિયા મળ્યા, પરંતુ આ બસો રૂપિયા મેળવવા માટે એને સરકારી તુમારશાહીમાં ૭૫ રૂપિયાનો ખર્ચ કરવો પડતો! શાસ્ત્રીજીને આ હકીકત બનારસીદાસ ચતુર્વેદીકએ એક પત્ર દ્વારા જણાવી, તો લાલબહાદુર શાસ્ત્રીએ એમને તત્કાળ ઉત્તર આપ્યો કે હું બિહારના મુખ્ય પ્રધાનને રામધન અંગે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરું છું. એમણે જાણ પણ કરી, પણ એક વર્ષ વીતી ગયું છતાં કશું બન્યું નહીં. આથી બનારસીદાસ ચતુર્વેદીએ શાસ્ત્રીજીને પરિસ્થિતિની જાણ કરતાં એમણે તરત જ ત્રણસો રૂપિયા રામધનને મોકલી આપ્યા અને પછી બિહારના મુખ્ય પ્રધાનને તાકીદ કરી કે તમે કેમ રામધનને મદદ કરતા નથી, તમારે જાણવું જોઈએ કે ખરેખર રામધને તમને મદદ કરી છે. આજે તમે આઝાદ દેશમાં જે સત્તાસ્થાને બેઠા છો, તેનું કારણ રામધન જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ છે.

ક્યારેક મહિનાના છેલ્લા દિવસોમાં લાલબહાદુરને આર્થિક ભીડ પણ અનુભવવી પડતી હતી. તેઓ ભારતના ગૃહપ્રધાન હતા એ સમયે એમના પૌત્રએ સ્લેટની માગણી કરી, ત્યારે ભારતના ગૃહપ્રધાને જવાબ આપ્યો, 'બે દિવસ તું ગમે તે રીતે ચલાવી લે. પહેલી તારીખે પગાર આવતાં લાવી આપીશ.' આજે આવા પ્રધાનની કલ્પના થાય છે ખરી? અરે! એવું સ્વપ્ન પણ જોવા મળતું નથી! આવી જ રીતે ક્યારેક લાલબહાદુર શાસ્ત્રી લલિતાદેવીને કહેતા કે હવે બે શાકને બદલે એક શાક બનાવો, કારણ કે બે શાક બનાવવાં પરવડે તેમ નથી.

લાલબહાદુર પર વિશાળ કુટુંબના ભરણપોષણની જવાબદારી હતી, છતાં એમની ખુમારી કે ગરિમા ક્યારેય ઓછાં થયાં નહીં. એક વાર લાલબહાદુર પોતાનું કામ પતાવીને ઘેર આવ્યા. આવતાંની સાથે જ બાળકોને ખુશખુશાલ જોયાં. બાળકો લાલબહાદુરને વીંટળાઈ વળ્યાં. એમણે સમાચાર આપ્યા કે એમના બંગલાના આગળના ભાગમાં કૂલર મૂકવાની વ્યવસ્થા થઈ રહી છે. લાલબહાદુરે જોયું તો સરકારના જાહેર બાંધકામ ખાતાના માણસો આ કામ કરી રહ્યા હતા.

બાળકોનો આનંદ અપાર હતો, પણ લાલબહાદુર ગંભીર બની ગયા. એમણે કહ્યું, 'આપણે ત્યાં કૂલર ન હોય. આવતી કાલે સ્થાન બદલાતાં આપણે અલ્લાહાબાદના કોઈ જૂના મકાનમાં જઈને રહેવું પણ પડે. આવી આદત ખોટી. આપણા દેશમાં લાખો લોકો ધૂપ-તાપ સહન કરે ને આપણે આમ કહીએ એ સારું ન કહેવાય.' એમણે તરત જ અધિકારીને ફોન કરીને જણાવી દીધું કે એમના ઘરમાં કૂલરની કોઈ આવશ્યક્તા નથી. આવા અનેક સ્મરણો હજી ચિત્તમાં અકબંધ છે, એ વિશે પછી ક્યારેક વાત.

પ્રસંગકથા

અફસોસનાં આંસુને બદલે વિજયનો આનંદ !

મગનલાલની કુશળ મિકેનિક તરીકેની ઘણી મોટી નામના હતી. લોખંડની એવી વસ્તુઓ બનાવતા કે જે કારીગરી જોઈને સહુ કોઈ મોમાં આંગળાં નાખી જતા. એકવાર કમનસીબે તેઓ કટિંગ મશીન પર કામ કરતા હતા અને ગફલત થઈ જતા દસેય આંગળીઓ કપાઈ ગઈ.

જોર જોરથી ચીસો પાડતા મગનલાલ ડૉકટરના દવાખાના તરફ દોડયા. હોસ્પિટલમાં પહોંચીને ડૉકટરને કહ્યું, 'સાહેબ, મને બચાવી લો. મશીનમાં મારી દસે આંગળીઓ કપાઈ ગઈ છે. હું તો મરી ગયો રે!'

ડૉકરટે કહ્યું, 'મગનલાલ, મન પરથી ચિંતાનો બોજ હળવો કરી દો. તમે કયા જમાનામાં જીવો છો તેનો ખ્યાલ છે?'

'એટલે?'

'એટલે એમ કે આ ૨૧મી સદીમાં મેડિકલ સાયન્સે એવી પ્રગતિ કરી છે કે તમારું કોઈપણ અંગ કપાઈ ગયું હોય, તો પણ તે જોડી શકે છે, માટે ગભરાવ નહીં.'

આમ કહીને ડૉકટરે આસપાસ નજર દોડાવી અને પૂછ્યું, 'અરે મગનલાલ, તમારી કપાયેલી દસ આંગળીઓ ક્યાં છે? એ તો જોઈશે ને!'

લાચારીથી મગનલાલે કહ્યું, 'સાહેબ, એ આંગળીઓ તો મશીન પાસે પડી છે. હું લાવ્યો નથી.'

ડૉકટરે કહ્યું, 'તમારી આંગળીઓ સર્જરી કરીને ચોંટાડવી તો પડશેને. એના વિના કશું ન થાય. તમે આવી ભૂલ કેમ કરી? એ આંગળીઓ જોઈએ, એ તો હકીકત છે.'

મગનલાલે કહ્યું, 'સાહેબ, આ હકીકત મારા ધ્યાનમાં આવી હતી, પરંતુ એ આંગળી ભેગી કરું કઈ રીતે?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે મગનલાલની માફક વર્ષોથી આપણો દેશ રમત સ્પર્ધામાં આગળ આવે, એવી ઝંખના સેવતો હતો. પરંતુ આટલી વિશાળ સંખ્યા ધરાવતો દેશ સ્પોટર્સમાં સાવ પાછળ હતો. એની વિશ્વ સ્પર્ધામાં કોઈ ગણના થતી નહીં અને કેટલીક સ્પર્ધામાં તો એને નિમંત્રણ મળતું નહીં.

રમત સમીક્ષક તરીકે મેં વર્ષો સુધી દેશમાં અને ગુજરાતમાં 'સ્પોટર્સ કલ્ચર' નથી એવાં અફસોસનાં આંસુ સાર્યા હતાં.

આજે આનંદની વાત એ છે કે સમગ્ર દેશમાં સ્પોટર્સ પ્રત્યે પ્રચંડ જાગૃતિ આવી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા રમતવીરોની પીઠ થાબડી અને દેશ જુદી જુદી સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકવા લાગ્યો. આજે ગુજરાત પણ એ રીતે વિવિધ સ્પર્ધાઓમાં આગળ આવી રહ્યું છે એક સમયે જ્યાં અફસોસના આંસુ સારવામાં આવતા હતા, એ મેદાનો પર આજે દેશ અને રાજ્યના વિજયની યશપતાકા લહેરાય છે. કેવું ઉજળું ભાગ્ય!

City News

Sports

RECENT NEWS