શાશ્વત તીર્થની સુરક્ષાના પડકારને ઝીલી લઈએ

Updated: Jan 5th, 2023


- શ્રી શત્રુંજય તીર્થ પરનો આઘાત સમગ્ર સંસ્કૃતિ પરનો કુઠારાઘાત છે...

- અગર રાતોં મેં થોડી નીંદ માંગો,

તો ઉસ મેં ખ્વાબ કી ભી શર્ત રખના.

આઘાત અને અફસોસની વાત એ છે કે પોતાના તીર્થની સુરક્ષા માટે દેશને સમૃદ્ધ કરનાર શાંતિપ્રિય પ્રજાને આંદોલન જગાવવું પડે છે અને એ વાતની ઈતિહાસ ગવાહી આપે છે કે આ દેશમાં ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરનારાઓએ પહેલાં તીર્થો પર આઘાત કર્યો છે, પછી એ સોમનાથનું તીર્થ હોય કે રાણકપુરનું તીર્થ હોય.

આથી તીર્થ એ માત્ર સંસ્કૃતિની એક ભાવના નથી, પરંતુ સમગ્ર સંસ્કૃતિ છે. ભારતીય ઈતિહાસનાં પૃષ્ઠો પર જોશો તો આક્રમણખોરોએ એમનું પ્રથમ નિશાન તીર્થો અને મંદિરોને બનાવ્યાં છે. એમણે કિલ્લાઓ તોડયાં તે વાત મહત્ત્વની ન રહી, પણ એમણે તીર્થોનો ધ્વંસ કર્યો એ વાત ઈતિહાસના પાને લખાઈ અને પરાજિત પ્રજાને સદાય પોતાની એ કાલિમા એના હૃદયને વિંધતી રહી.

આથી કોઈ મંદિરનો ધ્વંસ કે એમાં થતી તોડફોડ એ માત્ર ઈમારતનો ધ્વંસ નથી, પરંતુ સમગ્ર સંસ્કૃતિનો ધ્વંસ છે અને આવે સમયે જૈન સમાજના બે અતિ મહત્વનાં તીર્થો પર જ્યારે એક યા બીજા પ્રકારે આક્રમણ થાય, ત્યારે મોગલ યુગના ઈતિહાસમાં થયેલા એકમાત્ર હિંદુ રાજવી વિક્રમાદિત્ય હેમુનું સ્મરણ કરવું પડે.

જોનપુરનો એ જૈન. અઢાર યુદ્ધોનો વિજેતા બન્યો હતો અને એને વિક્રમાદિત્ય હેમુનો ઇલકાબ મળ્યો હતો, પણ આજે ઈતિહાસની એ બધી વાતો કરવી નથી. આજે તો જે તીર્થોનો મહિમા છે, એના પર થતા આઘાતની વેદનાની વાત કરવી છે. જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો છે અને એમાંથી માત્ર એક કે બે નહીં, પરંતુ વીસ-વીસ તીર્થકરોની નિર્વાણભૂમિ સમાન શ્રી સમેતશિખર તીર્થ ઝારખંડમાં આવેલું છે.

જૈન ધર્મના સકલ તીર્થોમાં અષ્ટાપદ, આબુ, સમેતશિખર, ગિરનાર અને શત્રુંજય એ પાંચ તીર્થો વિશેષ મહિમાવાન ગણાય છે. આ સકલતીર્થોમાં સૌથી મોટું તીર્થ ગણાતું શ્રી શત્રુંજય તીર્થ નાનામાં નાનું છે, તેમ છતાં એને શાશ્વત તીર્થ લેખવામાં આવે છે. આવા શાશ્વત તીર્થ પર થતાં તોફાનો, ભાંગફોડ કે એના ધર્મસ્થાનોને ખંડિત કરવામાં આવતા હોય તે પ્રવૃત્તિ એ કોઈ વિધર્મીઓનાં આક્રમણોથી સહેજે ઓછી નથી. આ શત્રુંજય તીર્થમાં જૈન સંસ્કૃતિનો સતત ધબકાર અનુભવાય છે. જૈન શ્રેષ્ઠિઓની ભાવના કલામય શિલ્પોમાં કંડારાયેલી જોવા મળે છે અને હજારો સ્ત્રી-પુરુષોનાં હૃદયની ભક્તિથી આ પર્વત સદૈવ ગુંજતો રહે છે.

જરા વિચાર કરીએ કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવે આ જગતને અસિ, મસિ અને કૃષિ આપ્યાં. આ પૃથ્વી પરના માનવીને જીવતા શીખવ્યું, એને કલાઓ આપી, માનવજીવનને જરૂરી એવું સઘળું એમણે આપ્યું. એ ઋષભદેવ ભગવાનનો જન્મ ઉત્તર હિંદના પવિત્ર અયોધ્યાનગરમાં થયો હતો અને એમનું નિર્વાણ હિમાલયમાં આવેલા અષ્ટાપદ પર્વતમાં થયું હતું, આમ છતાં મહત્વ પ્રાપ્ત થયું શ્રી શત્રુંજય તીર્થને. અહી ભગવાન ઋષભદેવ પોતાના સાધુકાળ દરમિયાન રહ્યા હતા. અહીં આવેલા રાયણ વૃક્ષ નીચે એમણે લોકકલ્યાણકારી ધર્મદેશના આપી હતી. જગતમાં અહિંસાનો પહેલો જયઘોષ રાયણ વૃક્ષ નીચેથી થયો હતો અને એને પરિણામે આ પર્વતના પથ્થર, કંકર, ધૂળ-વૃક્ષ અને શિખર બધું જ પવિત્ર થઈ ગયું. વળી આજે જ્યારે 'વૃક્ષ વાવો'નો નાદ પોકારાય છે, ત્યારે હજારો વર્ષો પૂર્વે આ રાયણ વૃક્ષ એ જૈન ધર્મનું પ્રથમ 'વૃક્ષમંદિર' બન્યું.

જગતને સર્વપ્રથમ સર્વકલા, સર્વવિદ્યા બક્ષનાર આદિ રાજા, આદિ સાધુ અને આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવને પગલે અને પવિત્ર બોલે આ પહાડ, પાણી અને હવા પવિત્ર થઈ ગયાં. એ દિવસે આ તીર્થ વિખ્યાત થયું.

આ પાવનભૂમિ પર ભગવાન આદિશ્વરની પવિત્ર ચરણરજને જગતના મહાન ચક્રવર્તી અને ભગવાન ઋષભદેવના પુત્ર ભરતદેવે મસ્તક પર ચડાવીને જાહેર કર્યું કે સંસારમાં ત્યાગ સૌથી મહાન છે. સાચા સંન્યાસીને ત્યાગીને ચક્રવર્તી પણ વંદે છે. ધર્મ મહાન છે. એ દિવસે મહાન તારણહારની સ્મૃતિમાં મહાન ચક્રવર્તી ભરતદેવે અહીં પહેલું મંદિર સર્જ્યું અને રત્નમય બિંબ ઘડાવીને સ્થાપન કર્યું.

ભગવાન ઋષભદેવના પૌત્ર શ્રી પુંડરીકે રાજ્ય ન લેતાં, ધર્મરાજ્ય લીધું અને સાધુ થયા. પોતાના પિતા, મહાગુરુ અને મહાજિન ઋષભદેવે પવિત્ર કરેલા આ પહાડ પર જીવનની અંતિમ ક્ષણોને ઉજમાળી કરવા માટે આવી પહોંચ્યા. એ મહાગણધર પાસે પોતાનું વિશાળ શિષ્યમંડળ હતું. આ સ્થળની પવિત્રતા એમના સિદ્ધિપદનું કારણ બની. પોતાના વિશાળ સમુદાય સાથે તેઓએ અહીં દેહોત્સર્ગ કર્યો.

શત્રુંજયનું નામ જ સિદ્ધિગિરિ કે પુંડરીકગિરિ બની ગયું. એ શત્રુંજય તીર્થનાં ૧૦૮ નામોમાં પણ આવો જ ઈતિહાસ રહેલો છે. શ્રી સિદ્ધગિરિ શાશ્વત હોવાથી એના પર યુગે યુગે અનેક મુનિઓ મોક્ષે પધારે છે તે બાબત જ એની અત્યંત પવિત્રતા સૂચવે છે.

ગ્રંથો એમ કહે છે કે શત્રુંજય એ શાશ્વત તીર્થ છે એટલે કે સદાકાળ ટકનારું તીર્થ છે. એનો એક અર્થ એ થાય કે અન્ય તીર્થ પર સમય જતાં કદાચ શહેર, ગામ કે જંગલ વગેરે ઊભાં થાય, પરંતુ સિદ્ધગિરિ એ શાશ્વત હોઈને એ સદૈવ ધર્મસંસ્કૃતિની સુવાસ આપે છે. એમ કહેવાય છે કે અન્ય તીર્થ કદાચ હિંસા આદિ દુષ્કૃત્યોથી અપવિત્ર બની જાય, પરંતુ શત્રુંજય તીર્થ શાશ્વત હોય. આવી પવિત્રતા સામાન્ય સંજોગોમાં સંભવતી નથી, પરંતુ આજે આપણું દુર્ભાગ્ય એ છે કે તીર્થની પવિત્રતાને નષ્ટ કરનારા તત્ત્વો એની ભાવના પર આઘાત કરી રહ્યાં છે.

એમ કહે છે કે ઋષભદેવ ભગવાન અહીં તેઓ ૯૯ પૂર્વ વાર સમવસર્યા હતા. સવાલ એ છે કે એવું કોઈ તીર્થ હશે કે કેમ, જેના પર આટલી વાર શ્રી તીર્થંકર ભગવાને સ્પર્શના કરી હોય? શ્રી વૃષભદેવ ભગવાનની આટલી સ્પર્શના પાછળ આ તીર્થની સર્વશ્રેષ્ઠતા દર્શાવવાનો સંકેત સાંપડે છે.

ધર્મ આરાધનાની ચરમ સિદ્ધિ જ છે મોક્ષમાં. એ મોક્ષ પ્રાપ્તિની વાત કરીએ તો ગ્રંથ આ શત્રુંજય તીર્થ કે સિદ્ધગિરિ વિશે લખે છે કે 'ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો' અર્થાત્ આ ચૌદ રાજલોકમય વિશ્વમાં મનુષ્યને રહેવા માટે માત્ર અઢી દ્વીપ છે. એમાં પણ ધર્મ-કર્મ પ્રાપ્ત થાય અને કર્મક્ષય થાય એવી માત્ર પંદર કર્મભૂમિ છે. એ પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં આવેલાં તમામ તીર્થોમાં તીર્થાધિરાજ તે ભરત ક્ષેત્રમાં આવેલો સિદ્ધિગિરિ છે. અન્ય ચૌદ ક્ષેત્રોમાં આવો તીર્થાધિરાજ નથી. એ શાશ્વત છે એનો અર્થ એ છે કે એના પર મોક્ષ પામવાનું અનાદિ અનંતકાળથી ચાલ્યું છે.

'શ્રી પુંડરીકચરિત્ર', 'શ્રી શત્રુંજયમાહાત્મ્ય' વગેરે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવર સાથે, શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ ક્રોડ મુનિ સાથે દ્રાવિડ વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિવરો સાથે વગેરે વિપુલ સંખ્યામાં શ્રી સિદ્ધગિરિ પર મોક્ષ પામ્યા છે. આમ અહીંથી જેટલા મુનિઓ મોક્ષે પધાર્યા છે, એટલા પ્રમાણમાં બીજે ક્યાંયથી એકસાથે મોક્ષે જવાનું બન્યું નથી.

આનો અર્થ એ કે આ તીર્થ પર અનંતા તીર્થંકરો વિચર્યા છે. તથા અનંતા મુનિવરો સિદ્ધપદને પામેલા છે. ભવિષ્યકાળમાં પણ અનંતા તીર્થંકરો અને મુનિવરો મોક્ષસુખને પ્રાપ્ત કરશે. આથી જ શ્રી શત્રુંજય તીર્થને 'મોક્ષનિવાસ' પણ કહેવામાં આવે છે. કેળવી તીર્થંકર શ્રી સીમંધરસ્વામીએ કહ્યું છે કે જગતમાં આના જેવું કોઈ તીર્થ નથી.

સામાન્ય માનવી તીર્થની સફર કરતો હોય છે. ભાવનાશીલ માનવી તીર્થમાં જઈને આરાધના કરતો હોય છે, પણ જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્વ છે અને તે એ કે એના તીર્થંકરો પોતે દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મ પરિષદમાં) 'નો તિત્થસ' પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવ તીર્થોને નમસ્કાર કરે છે. તમે વિચારો કે આ તીર્થોનો કેટલો બધો મહિમા હશે અને જ્યારે તીર્થંકર પોતાની ઉપદેશવાણી વહેવડાવતા પૂર્વે એને નમસ્કાર કરે.

વળી શત્રુંજય મહાતીર્થનું સ્મરણ કરીએ, ત્યારે એ ઘટના કઈ રીતે ભૂલી શકાય કે જ્યારે આ પાવનભૂમિ પર ભગવાન ઋષભદેવની પવિત્ર ચરણરજને જગતના મહાન ચક્રવર્તીને ભગવાન ઋષભદેવના પુત્ર ભરતદેવે મસ્તક પર ચડાવીને જાહેર કર્યું કે સંસારમાં ત્યાગ સૌથી મહાન છે. સાચા સંન્યાસીને-ત્યાગીને ચક્રવર્તી પણ વંદે છે. ધર્મ મહાન છે. એ દિવસે મહાન તારણહારની સ્મૃતિમાં મહાન ચક્રવર્તી ભરતદેવે અહીં પહેલું મંદિર સર્જ્યું અને રત્નમય બિંબ ઘડાવીને સ્થાપન કર્યું.

પ્રત્યેક યુગે મુનિ સમુહે ઉપશાંત, અનાસક્ત અને વીતરાગ બનીને આ અનંતા સિદ્ધગિરિ પર વિહાર કર્યો હશે. તેનો વિચાર કરીએ ત્યારે એ મુનિઓની પવિત્રતા અને મહાતીર્થનો પ્રભાવ આપણા ચિત્ત પર છવાઈ જાય છે.

આ તીર્થ કાજે સર્વસ્વ સમર્પણ કરનારા શ્રેષ્ઠીઓની કેટલી બધી કથા મળે છે. એ પછી શેઠ જાવડશા હોય કે શેઠ મોતીશા હોય, કર્માશા હોય કે શાંતિદાસ શેઠ હોય. આ કથાઓ માત્ર કથા નથી, ચરિત્ર નથી, ઘટના નથી, પરંતુ આ કથાઓની પાછળ પ્રબળ ધર્મભાવના, ઉચ્ચ સંસ્કાર મૂલ્યો અને ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ રહેલી છે. આથી શ્રી શત્રુંજય તીર્થ એ માત્ર કોઈ એક ધર્મનું તીર્થ નથી, પણ સહુ કોઈનું તીર્થ છે, કારણ કે તીર્થને કોઈ લક્ષ્મણરેખા હોતી નથી. જે કોઈ ઉપાસના કરવા આવે તે તીર્થનો યાત્રાળુ. આજે આ તીર્થના રક્ષણને માટે મોટો લલકાર જાગ્યો છે, ત્યારે આળસ, પ્રમાદ, ભેદભાવ, કમનસીબ હોંસાતુંસી, આંતરિક વિવાદો એ સઘળું ત્યજીને આ તીર્થની રક્ષા માટે એક થવાની વેળા આવી છે.

પ્રસંગકથા

મોતની મંઝિલ જેવા આપણા રસ્તાઓ!

રમણલાલ લાંબા વખતથી ઘરમાં રાહ જોઈને બેઠા હતા. આજે એમના પુત્ર રાજુનું પરિણામ હતું. એમના મનમાં થોડી દહેશત હતી અને સાથે એમ પણ હતું કે એ પાસ તો થઈ જશે!

રાજુ હસતો હસતો ઘરમાં દાખલ થયો. એના પિતાએ પૂછ્યું, 'રાજુ કહે, શું પરિણામ આવ્યું?'

રાજુએ ફિલસૂફની અદા ધારણ કરીને કહ્યું, 'પપ્પા, શું વાત કરું? આ શહેરના કમિશનર સાહેબનો મોહન નપાસ થયો.'

રમણલાલે કહ્યું, 'શું વાત કરે છે? મોહન નપાસ થયો? પણ તું તો પાસ થયોને! બોલ! તારું પરિણામ કહે.'

રાજુએ કહ્યું, 'પપ્પા, પેલા શિક્ષણમંત્રીનો પુત્ર પણ નપાસ થયો, બોલો, છે ને નવાઈની વાત. શિક્ષણનો હવાલો સંભાળનાર મંત્રીના પુત્રના પણ આવા હાલ થાય છે.'

રમણલાલે કહ્યું, 'સાચી વાત છે તારી, પણ હવે તારું પરિણામ તો બોલ.'

'મારું પરિણામ, તમે કંઈ પ્રધાનમંત્રી છો કે તમારો દીકરો પાસ થાય!'

રમણલાલ રાજુ સામે એકીટસે જોઈ રહ્યા.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશમાં રસ્તાની 'કૃપા'થી થતા ગંભીર અકસ્માતોએ માઝા મૂકી છે. ક્યાંક તો એમ લાગે કે અહીં સડક નથી, પણ ખાડા વધુ છે. આવા રસ્તાએ તો દેશના તેજસ્વી ક્રિકેટર ઋષભ પંતની કારકિર્દી જોખમમાં નાખી દીધી છે. વળી એવી જ રીતે વારંવાર ટ્રાફિકજામ થાય છે અને છતાં વાહનોની સંખ્યા વધતી જાય છે. આ તો દેશમાં વસ્તીવધારો થાય અને ગરીબી વધતી રહે અને નોકરીઓ ન મળે, તેના જેવા આ હાલ છે!

બિસ્માર રસ્તાઓને કારણે પેટ્રોલનો બેસૂમાર ધુમાડો થાય છે. આવે સમયે અમેરિકાની જેમ એ વિચાર કરવો જોઈએ કે સારા કે વિશાળ રસ્તાઓ હોય, તો વાહનની જ નહીં, પણ દેશની પ્રગતિ ઝડપી થાય છે.

    Sports

    RECENT NEWS