For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હમ-સુખન કોઈ ન હો ઔર હમ-જબાં કોઈ ન હો!

Updated: Sep 1st, 2022

Article Content Image

- આશિક- માશુક, પ્યાર-મહોબ્બત અને શમા- પરવાનાની શાયરી એને ખપતી નહોતી

- તુમ હસીન રાત કી બાત કરતી હો

હમ ગમ કી રાત સે બાઝ નહી આતે,

તુમ મદહોશ ચાંદની કો દેખતે હો,

હમ ગરીબોં કે ઘર વો નહી આતી.

એનું નામ હતું મિર્ઝા અસદુલ્લા ખાં. એનો જન્મ ઇ.સ. ૧૭૯૬માં આગ્રામાં થયો હતો, પરંતુ દિલ્હીમાં શાદી થવાને કારણે દિલ્હીવાસીઓ એમને મિર્ઝા નૌશા તરીકે પહેચાનતા હતા. શાયરોની દુનિયામાં એ મિર્ઝા ગાલિબ તરીકે ઓળખ પામ્યા.

આ ગાલિબને જેમ પોતાની શાયરી માટે આગવો અંદાજ હતો, એ જ રીતે કુલીન ખાનદાની માટે ગુરૂર હતો. મિર્ઝા ગાલિબના પૂર્વજો ઐબક જાતિના તુર્ક હતા. એમના દાદા તરસમખા શાહઆલમના સમયમાં સમરકંદથી ભારત આવ્યા હતા. મિર્ઝા ગાલિબના પિતા મિર્ઝા અબ્દુલ્લા બેગ ખાં લશ્કરોમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા અને અલ્વર રાજ્ય તરફથી લડતા યુદ્ધમાં કુરબાની વહોરી હતી. 

પાંચ વર્ષની વયે મિર્ઝા ગાલિબે પિતાની છત્રછાયા ગુમાવી. એમના કાકાની નિગરાનીમાં ઉછરવા લાગ્યા. નવ વર્ષના મિર્ઝા ગાલિબે કાકાને પણ ગુમાવ્યા. બાળપણમાં જ જીવનની વાસ્તવિકતા અને ઊંડી વેદનાનો સાક્ષાત્કાર થયો. રાજા તરફથી મિર્ઝા ગાલિબને વર્ષે ૭૦૦ રૂપિયાનું પેન્શન મળતું હતું. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મિર્ઝાનું પેન્શન બંધ થયું. ત્રણેક વર્ષ બાદ અંગ્રેજ સરકારને ખાતરી થઈ કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે મિર્ઝા ગાલિબને કોઈ તાલ્લુક નથી, તેથી ફરી પેન્શન શરૂ થયું.

આગ્રામાં બચપન પસાર કરનારા વસતા મિર્ઝા ગાલિબે અરબી- ફારસીની તાલીમ લીધી. ચૌદમા વર્ષે એમને ફારસી પંડિત મુલ્લા અબ્દુસ્સમદનો યોગ થયો. આઠેક વર્ષ સુધી ફારસી ભાષાનો ઉંડો અભ્યાસ કર્યો. પોતાના ફારસી ભાષાના ગુરુ માટે મિર્ઝા ગાલિબને ઘણું ગૌરવ હતું. એમને કારણે તો તેઓ પોતે ઇરાનીઓની જેમ ફારસી વાંચી લખી શકતા તેનો આનંદ હતો.

મિર્ઝાના વિવાહ દિલ્હીમાં થયા. શરૂઆતમાં આગ્રાથી દિલ્હીની અવરજવર રહેતી, પણ પછી આગ્રા છોડીને સ્થાયીરૂપે દિલ્હીમાં રહેવા લાગ્યા. દિલ્હીના વાયુમંડળમાં એ સમયે શેર- શાયરીનો એક જુદો જ માહોલ હતો. મુશાયરાઓની ધૂમ મચી હતી. ગાલિબના સસરા 'મારૂક'ના ઉપનામે પ્રસિદ્ધ શાયર હતા. ગાલિબના દિલમાં શાયરી રચવાનો મનસૂબો જાગ્યો. ગાલિબની પ્રારંભિક શાયરીમાં ફારસી શબ્દોથી ભરેલી હતી. એ સમયે મુશાયરાના શાયરો આશિક- માશૂકની વાતો જ શબ્દબદ્ધ કરતા હતા. દર્દ અને ગમમાં શાયરી ડૂબેલી રહેતી એમાં માત્ર આંસુ અને તડપન હતી. શરાબ અને શબાબ હતા.

આવે સમયે મિર્ઝા ગાલિબે પ્રસિદ્ધ ફારસી કવિ 'બેદિલ'નો રંગ અપનાવ્યો અને શાયરીને ઇશ્કીયા મિજાજમાંથી બહાર કાઢીને વ્યક્તિગત જિંદગીની વેદનાનો રંગ આપ્યો. ઇશ્કની કૃતક અભિવ્યક્તિથી ચલણી બનેલા શબ્દોને બદલે ગાલિબે ભાવને પ્રગટ કરવા કઠિન શબ્દો પ્રયોજ્વા માંડયા અને વાતને સીધેસીધી પ્રગટ કરવાને બદલે વળાંક અને વ્યંજનાથી આલેખવા લાગ્યા.

આ સમયે ઉર્દૂના મહાકવિ મીરે યુવાન ગાલિબની શાયરી સાંભળીને કહ્યું કે, આ શાયરને કોઈ ઉસ્તાદ મળી જાય, તો એ લાજવાબ શાયર બની શકશે, નહીં તો એની શાયરી બનશે. ગાલિબે ઉસ્તાદ શોધ્યો પણ તે કોઈ અન્ય શાયર નહીં, બલ્કે સ્વયં. એ પોતે જ પોતાના ઉસ્તાદ બન્યા. એણે સ્વયં સ્વરરચનાની તાદ્રસ્થ્યથી વિવેચના કરી અને તેમાંથી નવીન વિચારો આલેખતો ગયો. મિર્ઝા ગાલિબના સમકાલીન કવિઓ અને વિદ્વાનોમાં જોક, મોમિન, નાસિર જેવા ગુરુઓ બેઠા હતા. મિર્ઝા ગાલિબ નમ્ર સ્વભાવ અને ઉદાર મન ધરાવતા હોવા છતાં કેટલોક સમય ચડભડમાં ઊતરવું પડયું. મિર્ઝા ગાલિબની પ્રારંભિક શાયરીમાં તુર્કી શબ્દો, ફારસી શબ્દો અને ક્લિષ્ટતા ઘણી હતી, પરંતુ સ્વતંત્ર મિજાજના આ સર્જકે ગઝલની સર્વસ્વીકૃત બની ગયેલી પરંપરાના બદલે એને નવો અંદાજ આપ્યો.

મિર્ઝા ગાલિબના વિદ્રોહી મિજાજ પ્રગટ થતો ગયો. ગઝલની વર્ષો જૂની સ્વીકૃત પરંપરાનો કવિએ ત્યાગ કર્યો. ગઝલને મતલા અને મકતાના બંધનોમાંથી રિહા (મુક્ત) કરી. ગઝલમાં કેટલા શેર છે એ બાબતમાં પણ મિર્ઝા બેપરવાહ રહ્યા. બસ, જે ભાવ કે વિચાર જે રીતે પ્રગટ થયો, એ જ રૂપે એને રાખ્યો.

એ સમયે ગઝલને 'દીવાન'માં સંગ્રહીત કરવામાં આવતી દરેક શાયરનો પોતાનો દીવાન હોય. કાવ્યસંગ્રહ હોય એમાં એમણે રચેલાં તમામ કાવ્યો મળી રહે.

એ સમયના શાયરો પોતાના શેરને 'લખ્તેજિગર' તરીકે ઓળખાવતા. એમના કાવ્યને 'કલેજાનો ટુકડો' માનતા ભલા. આ કલેજાના ટુકડાને કપાય શી રીતે? આથી શાયરની ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ તમામ રચનાઓ એના દીવાનમાં મળતી.

મિર્ઝા ગાલિબનો મિજાજ આવી માની લીધેલી બાબતોના માર્ગે ચાલનારો નહોતો. એણે વિચાર્યું કે, કાવ્યના ગુલદસ્તા એવો હોવો જોઈએ કે જેમાં શુષ્ક, સડેલા કે મુરઝાઈ ગયેલાં ફૂલોને સ્થાન ન હોય. આથી મિર્ઝા ગાલિબે પોતાના ઘણાં કાવ્યો 'દીવાન'માં સંગ્રહિત કર્યા નહી. જાગ્રત અને વિકાસશીલ કવિની આ પહેચાન બની. એને કારણે જ મિર્ઝા ગાલિબના દીવાનમાં નબળી રચનાઓ કવચિત જ મળે છે. ગઝલના વિષયવસ્તુ અને શબ્દાવલિમાં પણ મિર્ઝા ગાલિબે પરિવર્તન કર્યું. પરિવર્તન કરનારના જીવનમાં પરેશાની આવતી હોય છે.

મિર્ઝાના શાયર તરીકેના પ્રારંભના વર્ષોની એક ઘટના યાદ આવે છે. એ દિવસે પાટનગર દિલ્હીમાં જાહેર તહેવાર હતો. શહેરની બજારો બંધ હતી. શેરીમાં સૂનકાર હતો અને કચેરીઓ બંધ હતી.

કોઈ અનોખા ઉત્સવ માહોલમાં નગરજનો ડૂબી ગયા હતા. મોગલ સલ્તનતના શહેનશાહ બહાદુરશાહ ઝફર ખુદ બહેતરીન શાયર હતા. શહેનશાહે આજે શાનદાર મુશાયરો યોજ્યો હતો. શાયરીના મિજાજને પારખતા દિલ્હીના નગરજનોને માટે જાહેર તહેવાર બની ગયો. રાજકવિ ઝૌક મુશાયરાની મોહકતામાં રંગ ભરવા તશરીફ લાવવાના હતા. સૌ ઝોકને સાંભળવા આતુર હતા. શાયરીના એ શહેનશાહને દાદ દેવા બધાનાં હૈયા થનગનતા હતાં. ચોરે ને ચૌટે એક જ વાત થઈ રહી હતી કે આજે તો મુશાયરામાં રાજકવિ ઝૌક પધારવાના છે.

એ દિવસે શામ પણ ઘણી મોડી પડી હોય એમ લાગ્યું. એક શાનદાર શાહી ખંડમાં શાયરો આવવા લાગ્યા. શબ્દોના સહારે ભાવનાના દીપક પ્રગટાવતા હતા. માનવમેદની તો ટોળાબંધ ઉમટી રહી હતી. શમા ફરવા લાગી. એક પછી એક શાયરની શાયરી ગૂંજવા લાગી. હવામાં અનેરી સુરખી પ્રગટી. પ્યાર અને મહોબ્બતનો સુરમો બધે અંજાઈ ગયો, પણ લોકો તો તેમના પ્રિય કવિ ઝૌકને સાંભળવા આતુર હતા.

શમા ફરતી ફરતી એક યુવાન શાયર પાસે આવી પહોંચી. એની આંખોમાં દર્દ હતું. પ્રણયનું નહી પણ જીવનનું. નજરમાં એક નશો હતો, જમાનાને જાણી લીધાનો. દાઢી એના ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવી રહી હતી. આ કવિ હતો મિર્ઝા ગાલિબ! ગાલિબ પાસે શમા આવી પહોચી અને ગાલિબે કવિતા બોલવી શરૂ કરી. ગઝલનો મતલો રજૂ કર્યો. આ સમયે શહેનશાહ ઝફર કવિ ઝૌક સાથે કંઈક વાતમાં મશગૂલ હતા. લોકોની નજર એ રાજકવિ પર મંડાયેલી હતી.

ગાલિબના મતલાને કોઈએ દાદ ન આપી. ગાલિબે ગઝલનો શેર કહ્યો. બે-ચાર માણસોએ કહ્યું, 'કશું સમજાયું નહીં'

બીજાને અઘરી કવિતા સમજવાની નવરાશ ન હતી. સામે પડેલી શમા કરતા વધુ તેજસ્વી ગાલિબની આંખો ઘેરા દર્દની સાથે ઉપેક્ષા છલકી રહી. 

વો કહતે હૈ કિ ગાલિબ કૌન હે, કોઈ બતલાઓ કિ હમ બતલાયે ક્યા.

કોને પરવા હતી કે આ યુવાન કવિએ તેની ગઝલ પૂરી બોલવા કહે. આશિક- માશુકની આપસી મીઠા ઝઘડા, રિસામણા- મનામણાં અને વિરહ- વિયોગનાં ધોધમાર રૂદનના ચાહકોને કઠિન શબ્દો, ભાવો ભરેલી ગઝલમાંથી જીવનની ગહરાઈ પામવાનો અવકાશ ક્યાં હતો? સહુને ઝૌકનો ઇંતજાર હતો. કવિતાની ઉંડાઈ નહી, ઉપરછલ્લા ભાવો અને શબ્દોની રમત સાથે નિસ્બત હતી. માનવહૃદયના ઊંડા દર્દને વાચા આપતી કવિતા મહેફિલને નહોતી ખપતી. એમને તો શમા- પરવાના કે સાકી મયખાનાની શાયરી ખપતી હતી.

અને ગાલિબ મહેફિલમાંથી બહાર નીકળી ગયા-

કોઈ ઉમ્મીદ બર નહી આતી,

કોઈ સૂરત નજર નહીં આતી.

દિલ્હીના રાજમાર્ગો આજે સૂમસામ હતા. વિશાલ મહાલયો આજે દીપકની રોશનીથી ઝળકતા ન હતા. સહુ કોઇ ઝૌકને સાંભળવા મુશાયરામાં ગયા હતા. 

નિર્જન રાજમાર્ગ પર ગાલિબ કેટલાય સમય સુધી અહીં-તહીં ભટકતા રહ્યા. એમની આંખોમાં ઊંડી તલાશ હતી. પોતાના હસમુખન અને હમજબાં (સહભાષી)ની અવગણનાએ કવિના હૃદયને ભારે ઠોકર પહોંચાડી હતી. 

'રહિએ અબ ઐસી જગહ, 

    ચલકર જહાં કોઇ ન હો,

હમ-સુખન કોઇ ન હો 

   ઔર હમજબાં કોઇ ન હતો.'

કવિની તલાશી સમય જતાં ગઝલો, કસીદા (પ્રશસ્તિ કાવ્યો) અને મુક્તકો મળીને ૬૭૨૨ અશઆરમાં ગૂંજી ઊઠી.

પ્રસંગકથા

આત્મહત્યા કરનારની ચીસ સંભળાય છે?

ન્યાયાધીશે આરોપીને કહ્યું, 'તમને ગયે વખતે આ નામદાર અદાલતે બે મહિનાની સજા કરી હતી ખરુંને!'

આરોપીએ કહ્યું, 'હા, સરકાર.'

ન્યાયાધીશે કહ્યું, 'એ સમયે તમે વ્યાજખાઉ સાબિત થયા હતા. લોકોને થોડી રકમ આપીને એના પર ઘણું વ્યાજ વસૂલ કરતા હતા. આ એક પ્રકારનું માનવીય શોષણ છે.'

આરોપીએ કહ્યું, 'હા, સરકાર.'

ન્યાયાધીશે ફેંસલો આપતા કહ્યું, 'આ વખતે હું તમને કોઈ સજા કરતો નથી. જરૂરી પુરાવાને અભાવે તમને મુક્ત કહું છું, સમજ્યા?'

આરોપીએ આજીજી કરતા કહ્યું, 'જજસાહેબ, મને થોડીક સજા તો કરો. ઓછામાં ઓછા આઠેક દિવસ તો જેલમાં મોકલો.'

ન્યાયાધીશે કહ્યું: 'શા માટે?'

આરોપીએ કહ્યું, 'સાહેબ, જેલના કેદીઓ પાસે મારા પૈસા ઉધાર છે, તે વસુલ કરવા સજા કરવાની રહેમ કરો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, વ્યાજખાઉ વ્યાજનો વિચાર કરતો હોય છે. કોઈપણ ભોગે રકમ મેળવવા ચાહતો હોય છે. વળી, વ્યાજખાઉનો હિસાબ પણ એવો હોય છે કે એકવાર માનવી એની ચુંગાલમાં ફસાયો કે પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. માણસ સાવ મજબૂર બની જાય ત્યારે વ્યાજે પૈસા લેતો હોય છે, પણ પૈસા આપનાર એની મજબૂરીનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવતો હોય છે.

વળી, એ વ્યાજ ન આપે તો એને ધાક-ધમકી આપતો હોય છે અને એનું જીવન બેહાલ કરી મૂકતો હોય છે. આજે આને કારણે આજે આત્મહત્યાની ઘણી ઘટનાઓ બનતી હોય છે. વ્યાજખાઉના સકંજામાં ફસાયેલા માનવીને માટે પારાવાર પરેશાનીમાં ઉગરવાનો તે એક એકમાત્ર રસ્તો હોય છે.

આપણા દેશમાં લગ્ન કે મૃત્યુના સામાજિક પ્રસંગોમાં અથવા તો એકાએક આર્થિક બેહાલીમાં સપડાઈ ગયેલા લોકો આવું વ્યાજ લેતા હોય છે. ગરીબીને કારણે વ્યાજ લેવું પડતું હોય છે. શું સામાજિક સંસ્થા આવા બેસહારા લોકોને માટે વ્યવસ્થા ન કરી શકે? અને સરકાર આ વ્યાજખાઉની યાતનામાંથી ઉગારવા માટે કડક પગલાં ન ભરી શકે? લાચારીથી ગળે ફાંસો દેતા લોકોની ચીસ સંભળાશે ખરી?

Gujarat