For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાથી પક્ષોને એકબીજા પર લગ્ગીરેય વિશ્વાસ નથી..

Updated: Jun 29th, 2022

Article Content Image

- મહારાષ્ટ્રનું કોકડું ગુંચવાચ છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

મહારાષ્ટ્રનું રાજકીય કોકડું ગૂંચવાતું જાય છે. શિવસેનાના બળવાખોર પ્રધાન એકનાથ શિંદે અને તેમનું જૂથ પક્ષમાં પાછું ફરવા તૈયાર નથી અને એવી શરત મુકી છે કે કોંગ્રેસ અને એનસીપીનો સાથ ઉધ્ધવ છોડે પછી બીજી વાત કરીયે.

ઉધ્ધવ ઠાકરે પોતે મુખ્ય પ્રધાનનો બંગલો ખાલીને બળવાખોરોને લાગણી ભરી અપીલ કરીને પાછા ફરવા સમજાવ્યા હતા.જો કે આ અપીલને બળવાખોરોેે તરતજ નકારી કાઢી હતી.સેના-એનસીપી- કોંગ્રેસનું જોડાણ તૂટે તે સિવાય બળવાખોરોને કશાયમાં રસ નથી તે દેખાઇ આવે છે. સાથે સાથે એવી પણ વાત છે કે સેના અને ભાજપનું જોડાણ ફરીથી થવું જોઇએ.  

શીંદેની ભાજપ સાથે જોડાણની વાતને અન્ય બળવાખોરો ટેકો આપી રહ્યા છે એમ અન્ય શિવ સૈનિકો પણ ટેકો આપી રહ્યા છે. સામાન્ય શિવ સૈનિકો માટે આર્ટીકલ ૩૭૦ને હટાવવાનો વિરોઘ, ટ્રીપલ તલાકની નાબૂદીનો વિરોધ કે હનુમાન ચાલીસાનો વિરોધ જેવી વાતે ગળે ઉતરતી નથી. બાલા સાહેબ ઠાકરેએ કાયમ હિન્દુત્વનો એજન્ડા ચલાવીને તેમાં માસ્ટરી સાબિત કરી હતી. પરંતુ તેમનો પુત્ર તેમના પગલે ચાલતો નથી તે પણ હકીકત છે.  કહે છે કે બળવાનો પ્લાન કેટલાક અઠવાડીયાથી ચાલતો હતો પરંતુ મુખ્યપ્રધાન સાવજ અંધારામાં રહ્યા હતા. જે દર્શાવે છે કે સરકાર પર તેમની પકડ નથી. ઉદ્ધવ ઠાકરે તેમના આરોગ્યના કારણે સ્પાઇનલ તેમજ હાર્ટની સમસ્યાઓના કારણે ઓફિસ જતા નહોતા અને ઘેેર રહીનેજ કામ કરતા હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો પરંતુ રાજકીય .

સમસ્યાઓ વચ્ચે તે શોખ ભૂલી ગયા હતા. એક બળવાખોર વિધાન સભ્યએ ફરીયાદ કરતાં  કહ્યું હતું કે ઉદ્ધવ અમને પણ મળતા નહોતા અને જ્યારે તેમને મળવાની મુલાકાત માંગતા હતા ત્યારે બની બેઠેલા અન્ય અને  પોતાની જાતને ચાણક્ય સમજતા કેટલાક નેતાઓ આડે આવતા હતા અને ના પાડી દેતા હતા. સેનાના વિઘાન સભ્યો એમ કહેતા હતા કે અમારા વિસ્તાર માટે વાપરવાનું ભંંડોળ અમને નહોતું મળતું જ્યારે કોંગ્રેસ અને એનસીપીને એવી કોઇ સમસ્યા આડે નહોતી આવતી. ખુદ એકનાથ શિંદે એ કહ્યું હતું કે મારા ખાતામાં આદિત્ય ઠાકરે ચંચુપાત કરી રહ્યા છે.

જે સરકારનો રિમોટ કન્ટ્રોલ શરદ પવારના હાથમાં હોય તે સરકાર સામે બળવાખોરોએ હુમલા શરૂ કર્યા છે.  રસપ્રદ વાત તો એ છે કે ભાજપે મૌન ઘારણ કરી રાખ્યું છે. ભાજપ વેઇટ એન્ડ વોચ મોડ પર છે. જો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યું છે કે બળવાખોરો માગશે તો ટેકો આપીશું. 

જો મામલો કોર્ટમાં જાય તો કોર્ટ પણ ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપી શકે છે. જો આમ થાય તો ઉદ્ધવ સરકારને બહુમતી સાબિત કરવાનું બહુ મુશ્કેલ પડી શકે છે. ત્રણ પક્ષોએ ભેગા થઇને સરકાર ચલાવી તો પણ તે અઢી વર્ષમાં વિવાદનો ભોગ બની છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ત્રણ રાજકીય પક્ષો વાળી સરકારને એક બીજા પર ભરોસો નહોતો. સરકારના સાથી પક્ષ એનસીપીના બે પ્રઘાનો ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં છે. 

આ બળવાએ જણાવી દીધું છે કે સરકાર માટેનું જોડાણ અલગ સિધ્ધાંતો વાળા પક્ષો વચ્ચેનું હતું. શિવસેનાએ અગાઉ છગન ભૂજબળે અને નારાયણ રાણેનો બળવો સહન કર્યો છે પરંતુ આ વખતે શિવસેના સરકારમાં છે માટે સરકાર ડામાડોળ થઇ છે.

બીજી વાત એ પણ છે કે હવે શિંદેેએ ભાજપ પર ભરોસો મુકવો પડશે. કોણ કોની સાથે છે તે દેશની સૌથી પૈસાદાર મ્યુનિસિપલીટી મુંબઇના પરિણામો પરથી જાણવા મળશે. જો તેનું પરિણામ શિવસેનાની વિરૂધ્ધમાં આવશે તો તે વર્તમાન અઘાડી સરકારને મોટા ફટકા સમાન હશે.

Gujarat