મમતાનું મોદી માટે સોફ્ટ વલણઃ ઇડીનો ડર હોઇ શકે


- લોકોને તો રેડની કામગીરી પસંદ પણ વિપક્ષ નારાજ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

સોશ્યલ મિડીયા પર એક વિડીયો ફરી રહ્યો છે. જેમાં એન્ફોર્સમેન્ટના અધિકારીઓ વહેલી સવારે એક રાજકારણીના ઘેર જાય છે અને તપાસ શરૂ કરે છે ત્યારે છંછેડાયેલા રાજકારણીએ કહ્યું કે ગયા અઠવાડીયે તો હું ભાજપમાં જોડાયો છું તો પછી રેડ કેવી? હવે જવાબ આપવાનો વારો ઇડીના અધિકારીઓનો હતો. તેમણે કહ્યું કે સોરી, સર અમને આ વાતની ખબર નહોતી. તરતજ અધિકારીઓ સ્થાન છોડીને જતા રહે છે.

આ વિડીયો બહુ ચર્ચાસ્પદ બન્યો છે.  એ વાત બહુ સાચી છે કે છેલ્લા આંઠ વર્ષમાં ઇડી અને સીબીઆઇ તેમજ અન્ય તપાસ એજંસીઓએ મોટા ભાગે વિપક્ષી નેતાઓનેે ટાર્ગેટ બનાવ્યા છે. સત્તાધારી પક્ષના નેતાઓ પર રેડ પડી છે પરંતુ તે સંખ્યા બહુ ઓછી છે.  એક અખબારે બહાર પાડેલા સંશોધનાત્મક આંકડા અનુસાર યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારમાં ચાર ગણી વધુ રેડ પડાઇ છે. લોકોમાં એવી છાપ ઉભી થઇ છે કે વિપક્ષી નેતાઓ પર વધુ રેડ પડી રહી છે. રેડ પાડનાર તપાસ એજંસીઓમાં ઇન્કમટેક્ષનો પણ સમાવેશ થાય છે. છેલ્લા આંઠવર્ષમાં સીબીઆઇ કરતાં ઇડીએ વધુ રેડ પાડી છે. 

હવે એમ પણ કહે છે કે રાજકારણમાં કિન્નાખોરી ચાલતી આવે છે.  જો આજનો સત્તાધારી પક્ષ આવતીકાલે વિરોધ પક્ષ બનશે અને આજનો વિપક્ષ આવતી કાલે સત્તાપર આવશે તો તે પણ વિપક્ષ પર દરોડા પાડશે. વિપક્ષો ભલે એક થાય અને વિરોધ કરે પરંતુ લોકોને તો રેડની કામગીરી પસંદ હોય એમ લાગી રહ્યું છે. 

જ્યાં સુધી રાજકારણી વિપક્ષમાં હોય છે ત્યાં સુઘી તેને ઇડી સહીતની તપાસ એજંસીઓનો ડર લાગે છે. પરંતુ જેવો તે ભાજપમાં જાય છે કે તરતજ તેના મનમાંથી ઇડીનો ડર જતો રહે છે. મહારાષ્ટ્રમાં બળવાખોર મુખ્ય પ્રધાન એકનાથ  શિંદેના વડપણ હેઠળની સરકારે શપથ લીધા ત્યારે ત્યાં ઉભેલા મહારાષ્ટ્ર વિકાસ અધાડી પાર્ટીને નેતાઓ અને સમર્થકો ઇડી ચીફ મિનીસ્ટર અને ઇડી સરકાર એવી બૂમો પાડતા હતા. મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીને ત્યાં  પડેલા દરોડા અને પ્રધાન પાર્થ ચેટરજીની ફ્રેન્ડને ત્યાંથી મળેલી ૫૦ કરોડથી વધુની રોકડના કારણે ઇડીની હિંમત અને જંગી કલેક્શનની પ્રશંસા થઇ રહી છે. આ કારણે મમતા બેનરજી ઇડીનો વિરોધ કરે તે સ્વભાવિક કહી શકાય. 

મમતા બેનરજીના પ્રધાન પાર્થ ચેટરજી જેલમાં છે અને તેની ફ્રેન્ડ અર્પિતા પણ જેલમાં છે તેમની પાસેથી મળેલી જંગી રોકડ રકમે દેશનું ધ્યાન ખેંચ્યું હતું. મમતા માટે પાર્થ ચેટરજીને ત્યાં દરોડા પડયા તે આઘાતજનક હતું. એવીજ કીતે તૃણમૂલ કોંગ્રેસના હોદ્ેદારને ત્યાં પણ દરોડા પડયા હતા. મમતા બેનરજીએ તેમ છતાં મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઇડીની રેડ એ ગૃહપ્રધાન અમિત શાહના ખાતા હેઠળ આવે છે એમ કહીને ગૃહપ્રધાનની ટીકા કરી હતી.  મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી તેની પાછળના કારણ સમજવા જેવા છે. ઇડીએ તેમના કુટુંબીઓને ત્યાંથી મળેલા દસ્તાવેજોને જો બહુ ચૂંથવામાં આવે તો તેમના કુટુંબની ઇમેજ બગડી શકે છે. મમતા માને છે કે ભર્ષ્ટાચાર બાબતના કોઇ છાંટા તેમના કુટુંબ પર ઉડવા ના જોઇએ. 

દાર્જીંલીંગ રાજભવન ખાતે શું ચર્ચા થઇ તેની તો કોઇને ખબર નથી પણ આ બેઠક પછી મોદી સામે ઝેર ઓકવાનું મમતાએ ઓછું કરી નાખ્યું હોવાનું લોકના ધ્યાનમાં આવ્યું છે. કદાચ એટલેજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મમતાનો પક્ષ ગેરહાજર રહ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ તરીકે મેદાનમાં ઉભેલા ધાનકડ સામે તો તે જ્યારે પ.બંગાળમાં રાજ્યપાલ હતા ત્યારે મમતો સખત્ત વિરોધ નોંધાવ્યો હતો.  મમતા આજકાલ મોદી પ્રત્યે સોફ્ટ વલણ બતાવી રહ્યા છે. વિપક્ષી જોડાણનું નેતૃત્વ મમતા કરવા સક્ષમ હતા પરંતુ વિપક્ષની ગાડી કોઇ બીજી જ દિશામાં જઇ રહી છે. 

City News

Sports

RECENT NEWS