મધ્યમ વર્ગને અનુલક્ષીને બજેટ ઘડાવાની શક્યતો

Updated: Jan 18th, 2023


- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- આઠ રાજ્યોમાં યોજાવા જઇ રહેલી ચૂંટણીઓ નજર સામે છે ?

૨૦૨૩-૨૪ના અંદાજપત્રની તૈયારીઓ ચાલી રહી છે. ૧લી ફેબ્રુઆરીએ વિત્તમંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં તેઓનું પાંચમું અંદાજપત્ર રજૂ કરવાના છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી, ચીન સાથેના સીમા-વિવાદ અને યુક્રેન કટોકટી છતાંએ વિત્તમંત્રીએ મધ્યમવર્ગને પણ સંતોષકારક બની રહે તેવું અંદાજપત્ર રજૂ કરવું જ પડશે.

વધુ સંતોષજનક વાત તે છે કે એકંદરે ભારતીય અર્થતંત્ર સુદ્રઢ રહ્યું છે અને તે પણ જ્યારે યુરોપ દેશોનાં અર્થતંત્રો મંદીમાં સપડાઈ રહ્યાં છે અને તેઓ શૂન્ય વિકાસનાં સ્તરે પહોંચી રહ્યા છે તથા અમેરિકાનું અર્થતંત્ર પણ માંડ ૦.૫ ટકાના દરે વિકસી મંદી તરફ જઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ચીન મહામારીમાં ફસાઈ આર્થિક અવગતિ તરફ ઢસડાઈ રહ્યું છે ત્યારે ભારત એક માત્ર તેવો દેશ બની રહેશે કે જે ૭ ટકાનો વિકાસ દર દર્શાવી શકશે તેમ વર્લ્ડ બેન્ક પણ માને છે. જોકે તે અંગે સુધરેલા અંદાજો વિકાસદર ૬.૯ ટકા કે ૬.૭ ટકા રહેશે તેમ દર્શાવે છે. આમ છતાં સરકાર પૂરેપૂરો ૭ ટકાના વિકાસદર માટે આશાવાદી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ (એન.એસ.ઓ.એ.) પ્રસિદ્ધ કરેલા છેલ્લા આંકડા મુજબ અર્થતંત્ર ૭ ટકાના દરે વિકસવા સંભવ છે. જોકે રિઝર્વ બેન્કે તો ૨૦૨૨-૨૩ના વર્ષ માટે વિકાસદર ૬.૮ ટકા અંદાજ્યો છે.

ટેક્ષ રેવન્યુ

આ આશાવાદ ટેક્ષ-રેવન્યુમાં થયેલા વધારામાંથી જન્મ્યો છે. જે સુધારેલા અંદાજો પ્રમાણે ગત વર્ષના પ્રમાણમાં ૨૩ ટકા વધુ રહેવા સંભવ છે. તે સમયે બજેટ એસ્ટિમટ ૯.૬ ટકા હતો. જીએસટી કલેકશન ગત વર્ષના ૧ લાખ કરોડ સામે આ વર્ષે ૧.૫ લાખ કરોડ થવાની ગણતરી છે. આમ સારુ એવું ટેક્સ કલેકશન થતાં સરકાર નાણાંકીય ખાધ જીડીપીના ૬.૪ ટકા જેટલી જ રહેશે તેવો અંદાજ છે સાથે તે પણ ઉત્સાહ પ્રેરક છે કે સંસદે જ ૩.૨૬ લાખ કરોડ વાપરવાની મુક્તિ આપતા એકંદર ખાધ વધવાની સંભાવના નહીંવત્ રહી છે.

કોરોનાને લીધે એકસ્ટ્રા ખર્ચ થયો હોવા છતાં ખાધ અંકુશિત રહી છે તે અર્થતંત્રની શાણપણભરી સુવ્યવસ્થા દર્શાવે છે અને તે માટે સીતારામન ખરા અર્થમાં યશભાગી છે. તેઓએ ટેક્ષ કલેકશન કે ફોસ્કલ ડેફીસીટના અસંભવ સમાન ટાર્ગેટને દૂર જ રાખ્યા છે, અને જેને રૃઢીચુસ્ત કહી શકાય તેવા બજેટ રજૂ કર્યાં છે. આને લીધે જ સરકાર પાસે વધારાના રૃા. ૯૭,૦૦૦ કરોડ રહ્યા છે અને તેથી જ સરકાર નિઃશુલ્ક ભોજન માટે વ્યવસ્થા કરી શકી છે. તેમજ નિઃશુલ્ક અનાજ માટે પણ વ્યવસ્થા કરી શકી છે.

બજેટ રાજકીય રંગ સાથેનું રહેશે

તે તો સર્વવિદિત છે કે વાર્ષિક અંદાજપત્રના મોટા મોટા આંકડાઓ ભોળા-ભલા અને અબુધ સામાન્ય માનવીની સમજ બહારના જ હોય છે પરંતુ આ વખતનું બજેટ રાજકીય સંદેશા સાથેનું બની રહેશે. કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં ૨૦૨૩માં વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે તે પછીનાં વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે. આ બધું નિર્મલા સીતારામન કે કોઈપણ વિત્તમંત્રી નજર અંદાઝ કરી શકે જ નહીં. તેના રાજકીય અને ચૂંટણીલક્ષી સંકેતો યાદ રાખવા જ પડે.

આ બધાં ઉપરાંત એક વાત બહુ સ્પષ્ટ છે કે મતદારોનો મોટો વર્ગ મધ્યમ વર્ગનો જ બનેલો છે તેને તેઓ નજર અંદા કરી જ શકે તેમ નથી. તે દેશની ૧/૩ વસ્તી છે તે ઉપરાંત નબળા અને ગરીબ વર્ગને પણ ધ્યાનમાં રાખવા જ પડે તે સર્વે માટે અન્ન, રાંધણગેસ, નાણાંકીય સહાય માટે પગલા લેવા જ પડે. મહત્વની વાત તે છે કે મધ્યમ વર્ગ ભલે માત્ર કુલ વસ્તીના ૧/૩ ભાગ જેટલો જ હોય છતાં તેની સંખ્યાના પ્રમાણમાં તેનો રાજકીય પ્રભાવ ઘણો જ વધુ હોય છે. આથી તેમને રાહત રહે તેવું કરવું જ પડે. તેથી વર્તમાન ઈન્કમટેક્ષની સીમા ૨.૫ લાખ છે, તે વાર્ષિક ૩ લાખ કરવી યોગ્ય બની રહેશે. જ્યારે સીનીયર સીટીઝન માટે તે મર્યાદા ૪ લાખ સુધી લઈ જવી યોગ્ય રહેશે.

    Sports

    RECENT NEWS