કમરનો દુખાવો કાયમ માટે કરવો હોય દૂર તો નિયમિત કરો ભુજંગાસન, જાણો લાભ અને રીત
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
આજે નાની ઉંમરમાં પણ લોકો પીઠ અને કમરના દુખાવાથી પરેશાન જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આજની દોડધામવાળી લાઈફ છે. તેના કારણે લોકોની જીવનશૈલી ખૂબ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પીઠનો દુખાવો, શરીરમાં જડતા જેવી સમસ્યાઓ સામાન્ય બની છે.
કેટલાક એવા લોકો હોય છે કે જેમને સર્વાઇકલની સમસ્યા હોય છે. આ સમસ્યા સામાન્ય રીતે ખોટા બોડી પોશ્ચરના કારણે થાય છે. તેવામાં પીઠના દુખાવાને કાયમ માટે દૂર કરવાની કેટલીક ટિપ્સ આજે તમને જાણવા મળશે. આ ટિપ્સ એટલે ભુજંગાસન. આ આસન રોજ કરવાથી તમે પીઠના અને કમરના દુખાવાથી કાયમ માટે મુક્ત થઈ શકો છો.
પીઠનો દુખાવો દૂર કરવા માટેની ટિપ્સ
કલાકો સુધી ઓફિસમાં એક જ સ્થિતિમાં બેસી અને કામ કરવાથી કમર પર દબાણ આવે છે. બેસતી વખતે આપણી કરોડરજ્જુ પર ઊભા રહેવા કરતાં 50 ટકા વધુ દબાણ આવે છે. આ કારણ છે કે સૌથી વધારે પીઠનો દુખાવો કલાકો સુધી બેસી રહેતા લોકોને વધારે થાય છે. પરંતુ જો આપણે થોડી સાવધાની રાખીએ અને જીવનશૈલીમાં સુધારો કરીએ તો આપણે આ પીડાથી રાહત મેળવી શકીએ છીએ.
ભુજંગાસનના ફાયદા
ભુજંગાસન આપણા વિશુદ્ધિ, અનાહત, મણિપુર અને સ્વાધિષ્ઠાન ચક્રને પ્રભાવિત કરે છે. તે સર્વાઇકલ અને કમરના દુખાવા ઉપરાંત અસ્થમામાં પણ ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્રના રોગ પણ દૂર થાય છે.
ભુજંગાસન કેવી રીતે કરવું ?
સૌથી પહેલા ઊંઘા સૂઈ જવું. ત્યારબાદ શ્વાસ અંદર લેતી વખતે કમરથી ઉપરના ભાગને આગળની તરફ લઈ જાઓ. ધીરેધીરે ગરદનને પાછળની તરફ લઈ જાઓ અને થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહો. હવે શ્વાસ છોડતી વખતે ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જાઓ. આ આસન રોજ કરવાથી ઝડપથી લાભ થશે. જો કે આસન કરતાં પહેલા ડોક્ટર કે નિષ્ણાંતની સલાહ અચૂક લેવી.