અનોખું બ્લડ ગ્રુપ: રાજકોટમાં દેશનો પ્રથમ, વિશ્વનો 10મો કિસ્સો આવ્યો સામે


- લોહીમાં EMMની ઉણપના કારણે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT)એ આ પ્રકારના લોહીની શ્રેણીને 'EMM નેગેટિવ' નામ આપ્યું છે

રાજકોટ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

સામાન્ય રીતે લોહીના રક્તકણોમાં શુગરબેઝ્ડ એન્ટિજન A અને Bની હાજરી કે ગેરહાજરીના આધારે તેના 4 પ્રકાર A, B, O કે AB જોવા મળતા હોય છે. જોકે ગુજરાતના એક 65 વર્ષીય શખ્સનું લોહી આ 4 પૈકીની એક પણ શ્રેણીમાં નથી આવતું. તેમનું લોહી એક નવીનતમ શ્રેણીનું છે અને આ પ્રકારનું બ્લડ ગ્રુપ ધરાવનારા તેઓ ભારતના પ્રથમ અને વિશ્વના 10મા શખ્સ છે. 

કઈ રીતે સામે આવી આ વાત

હૃદયસંબંધી સમસ્યાથી પીડાઈ રહેલા મૂળે રાજકોટના તે વ્યક્તિને હાર્ટ એટેક બાદ અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી માટે જ્યારે લોહીની જરૂર પડી ત્યારે અમદાવાદની લેબોરેટરીમાં તેમનો લોહીનો ઓળખવો મુશ્કેલ જણાયું હતું. ત્યાર બાદ તેમના લોહીના સેમ્પલને સુરતના બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

તેમનું લોહીનું સેમ્પલ સુરતના સેન્ટરમાં પણ એક પણ બ્લડ ગ્રુપ સાથે મેચ નહોતું થયું. આખરે તેમના તથા તેમના પરિવારજનોના લોહીના સેમ્પલને વધુ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. 

જાણો શું છે તેમનું દુર્લભ બ્લડ ગ્રુપ

રાજકોટના તે વ્યક્તિ વિશ્વમાં દુર્લભ કહી શકાય તેવું EMM નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે. આ પ્રકારનું લોહી ધરાવતા લોકો તેમના લોહીને ડોનેટ પણ નથી કરી શકતા અને જરૂરિયાતના સમયે કોઈ પાસેથી લોહી મેળવી પણ નથી શકતા. 

વિશ્વમાં માત્ર 10 લોકો ધરાવે છે આવું લોહી

અત્યાર સુધી વિશ્વના માત્ર 9 લોકો આ પ્રકારનું દુર્લભ લોહીનું ગ્રુપ ધરાવતા હતા. જોકે હવે ગુજરાતમાં રાજકોટની એક વ્યક્તિ પણ આવી વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન પામી છે. લોહીમાં EMMની ઉણપના કારણે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT)એ આ પ્રકારના લોહીની શ્રેણીને 'EMM નેગેટિવ' નામ આપ્યું છે. 


City News

Sports

RECENT NEWS