For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદના લોકોનુ જે થવુ હોય તે થાય, ભાવ તફાવતનાં નામે રોડ કોન્ટ્રાકટરોને આઠ કરોડનો જંગી તફાવત ચૂકવાશે

અંદાજથી વધુ રકમના રોડના કામ મંજુર કરવા પાછળ કોન્ટ્રાકટરોની રીંગ અને શાસકોનો ભ્રષ્ટાચાર જવાબદાર

Updated: Sep 25th, 2022

Article Content Image

અમદાવાદ,રવિવાર, 25 સપ્ટેમ્બર,2022

અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમા નવરાત્રી પર્વ શરુ થવા છતાં રસ્તા બિસ્માર હાલતમા જોવા મળી રહયા છે. આ વર્ષે બિસ્માર રસ્તાના કારણે નાના-મોટા અનેક અકસ્માત થયા છે.આમ છતા અમદાવાદ મ્યુનિ.ના શાસકો રોડની કામગીરી કરતા કોન્ટ્રાકટરો ઉપર મહેરબાન થયા છે.શહેરના નદીપાર આવેલા વિવિધ વિસ્તારમા રોડ રીસરફેસ કરવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરોને બીટુમીનનો ભાવ તફાવત ચુકવવાના નામે  આઠ કરોડ જેટલી જંગી રકમનો તફાવત કોન્ટ્રાકટરોને ચુકવવાની મંજુરી માંગતી દરખાસ્ત આજે મળનારી રોડ કમિટીમા મંજુરી માટે મુકવામા આવી છે.નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને ત્રણ ટકા વધુ ભાવથી અગાઉ આપવામા આવેલ ૨૬ કરોડનો કોન્ટ્રાકટ હવે ૩૦ કરોડથી પણ વધી જશે.

શહેરના વિવિધ વોર્ડમાં બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં માંગવામા આવેલી દાદની સુનવણી સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી દલીલ થઈ હતી કે,રસ્તા રીસરફેસ કરવા પુરતુ ભંડોળ નથી.આ વર્ષે ચોમાસામા ૩૫ ઈંચથી વધુ વરસાદ શહેરમા વરસતા હાલમા પણ અનેક વિસ્તારમા રોડ રીસરફેસ કરવામા આવ્યા નથી.આજે મળનારી મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સીટી ઈજનેરના તાબા હેઠળના જુદા જુદા વોર્ડના રોડ રીસરફેસ કરવા અંગે રુપિયા ૨૬.૬૭ કરોડના ત્રણ ટકા વધુ ભાવના તથા બીટુમીનના ભાવતફાવતના ચાર કરોડ મળી કુલ ૩૦.૬૭ કરોડના કામ અંગે મંજુરી માંગવામા આવી છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમા રોડ રીસરફેસ કરવા નર નારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને રુપિયા ૨૬.૬૭ કરોડથી કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો.આ કામગીરીના કોન્ટ્રાકટની રકમમા બીટુમીનના બેઝીક ભાવ અને  બજાર ભાવ વચ્ચેના ભાવ તફાવત પેટે ચાર કરોડનો વધારો કરી કુલ ૩૦.૬૭ કરોડની મર્યાદામા કોન્ટ્રાકટર પાસે કામ કરાવવા અંગે કમિટીની મંજુરી માંગવામા આવી છે.

અમદાવાદમા છેલ્લા કેટલાક વર્ષોથી રોડ બનાવવા કે રીસરફેસ કરવાની કામગીરી મ્યુનિ.ના માન્ય કોન્ટ્રાકટરો રીંગ બનાવીને વહેંચી લેતા હોવાના અગાઉ બનેલા કીસ્સાથી વર્તમાન શાસકો સુપેરે વાકેફ છે.આમ છતાં રોડની કામગીરી કરતા શાસકપક્ષના મળતીયા કોન્ટ્રાકટરોને બીટુમીનનો ભાવતફાવત ચુકવવાના નામે કરોડો રુપિયાની લહાણી કરાઈ રહી હોવાની વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપી છે.કામના અંદાજની મર્યાદામા કોન્ટ્રાકટરોને પેમેન્ટ કરવામા આવે તો ટેન્ડરની રકમમા ૨૫ ટકા વધારો થાય છે એથી બીટુમીનના ભાવ તફાવતના નામે  તથા અંદાજની રકમ મોટી મુકી બાદમા આ રકમ કોન્ટ્રાકટરોને ચુકવી દેવામા આવે છે.આમ છતાં રસ્તા તુટી જવાના બનાવ બનવા પામે છે.આ પાછળનું મુખ્ય કારણ રોડના કામ મેળવવા કોન્ટ્રાકટરો દ્વારા બનાવવામા આવતી રીંગ અને શાસકોનો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું પણ વિપક્ષનેતાએ કહયુ છે.

નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર સત્તાધીશો ઓળઘોળ

અમદાવાદ મ્યુનિ.હદના સરખેજ વોર્ડમા ઘુમા વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો છે.ઘુમામા આવેલ દેવભુમી બંગ્લોઝથી માધવ રેસીડેન્સી, એસ્ટેલા ફલેટથી વી.આઈ.પી.રોડ, સ્વસ્તિક વીવન્તાથી ઈમ્પીરીયલ હાઈટસ રોડ તથા ઠાકોર સમાજના સ્મશાનથી કુંજ નેસ્ટ રોડ તથા ઝવેરી ગ્રીન્સથી ઈમ્પીરીયલ હાઈટસ રોડ તેમજ ઘુમા-શેલાના અન્ય રોડ ગ્રાઉટીંગ લેવલે પાકા કરવાના તેમજ રીસરફેસ કરવા અંદાજીત ભાવથી ૨૬.૭૮ ટકા વધુ રકમ એટલે કે રુપિયા ૯.૩૨ કરોડથી વધુ રકમ સાથેના આ કોન્ટ્રાકટરના ટેન્ડરને મંજુરી આપવા રોડ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે.

અંદાજથી વધુ  ૨૮ કરોડના કામ કોન્ટ્રાકટરોને પધરાવી દેવાશે

શહેરના સરદારનગર, સૈજપુર ઉપરાંત કુબેરનગર વોર્ડમા જુદી જુદી જગ્યાએ પડેલા ખાડા હેવી પેચવર્ક કરી પુરવા માટે રોલર સેન્ટર નામના કોન્ટ્રાકટરને અંદાજીત ભાવથી ૧૮.૮૧ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૧.૬ કરોડથી કામ અપાશે.પૂર્વ ઝોનમા આવેલા ગોમતીપુર ઉપરાંત અમરાઈવાડી અને અન્ય વોર્ડમા જુદા જુદા રોડ રીસરફેસ કરવા મારુતિ કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાકટરના અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૨૬.૪ કરોડની રકમના ટેન્ડરને મંજુરી આપવા દરખાસ્ત રજુ કરવામા આવી છે.

જગતપુરમા બિસ્માર રસ્તાથી ઉડતી ધૂળ શાસકોને દેખાતી નથી

જગતપુર ફાટક પછી અને બ્રિજ પુરો થાય ત્યા સુધીના ચાર રસ્તા સુધી રોડની બિસ્માર હાલત જોવા મળી રહી છે.કોન્ટ્રાકટરે કોઈપણ જાતનુ લેવલ કર્યા વગર રોડની કામગીરી પુરી કરતા રોડ ઉપર ધૂળની ડમરીઓ સતત ઉડી રહી છે.જગતપુર ઉપરાંત ગોદરેજ ગાર્ડન સીટીની એન્ટ્રી પાસે, વંદે માતરમ પાસે તથા ભવાની ફાટક સુધીના વિસ્તારમા રહેતા લોકો ઉડતી ધૂળ વચ્ચે રહે છે.આમ છતા કોર્પોરેટર કે મ્યુનિ.ના અધિકારીઓ જોવા સુધ્ધા ફરકતા નથી.

Gujarat