સગીરા પર દુષ્કર્મ કેસમાં સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો, શારીરિક સંબંધના આરોપમાં પીડિતાની જુબાની જ મુખ્ય પુરાવો

અમદાવાદ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

ભોગ બનનાર પીડિતા સાથે શારીરિક સંબંધના આરોપમાં પીડિતાની જુબાની જ મુખ્ય પુરાવો ગણાય એમ અત્રે સ્પેશ્યલ પોક્સો કોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે. અમદાવાદની એક સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાના ચકચારભર્યા પોક્સો કેસમાં સ્પેશ્યલ જજ(પોક્સો) પરેશ એમ. સયાનીએ આરોપી ગણેશ ઉર્ફે રણજીત રમણભાઇ ઠાકોરને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે ૭૫ પાનાના ચુકાદામાં મહત્વનું અવલોકન કરતાં જણાવ્યું કે, પીડિતા સાથે શારીરિક સંબંધને લઇ અન્ય નજરે જોનાર સાક્ષીઓ ના હોય તો પણ તેમની જુબાની બહુ ઉપયોગી કે આરોપીને તકસીરવાન ઠરાવવામાં બહુ મદદરૂપ સાબિત થતી નથી. કારણ કે, આવા કેસમાં માત્ર ભોગ બનનાર પીડિતાએ જ સહન કર્યું હોય છે અને આવા બનાવની તેણી એકમાત્ર સાક્ષી હોય છે. આ  સંજોગોમાં કોર્ટે સૌપ્રથમ પીડિતાની ઉમંર અને તેની જુબાની જોવાની રહે છે. આરોપીએ સગીરાની સંમંતિથી શારીરિક સંબંધ બનાવ્યા હોય તો પણ પીડિતાની સંમંતિ અસ્થાને છે કે જયારે તેણી સગીરા હોય.

કોર્ટે આરોપી યુવકને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી, આરોપીએ સગીરાની સંમંતિથી શારીરિક સંબંધ બાંધ્યાની દલીલો કોર્ટે ફગાવી દીધી 

સ્પેશ્યલ પોક્સો કોર્ટે ચુકાદામાં વધુમાં નોંધ્યું કે, સમગ્ર કેસમાં તમામ પુરાવાઓ અને કાનૂની જરૂરિયાતો જોતાં પણ સગીરાની સંમંતિનું કોઇ મહત્વ રહેતુ નથી. અદાલતના અભિપ્રાય મુજબ, આરોપીએ દુષ્કર્મનું આવુ કૃત્યુ કરવું જોઇતુ ન હતુ. ખાસ કરીને પીડિતા જયારે સગીરા હોય ત્યારે..સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીના બેલ બોન્ડ કેન્સલ કરી જેલ વોરંટ તૈયાર કરી તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને કુલ મળી રૂ.૩૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ના ભરે તો તેને દોઢ વર્ષની વધુ સજા ભોગવવા પણ ઠરાવ્યું હતું. આરોપીપક્ષ તરફથી સગીરાની સંમંતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોવા અંગેની દલીલો કોર્ટે ધરાર ફગાવી દીધી હતી. રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ આરોપીને સખતમાં સખત કેદ ફટકારવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપી ગણેશ ઉર્ફે રણજીત રમણભાઇ ઠાકોર(રહે.ઠાકોરવાસ, ઓઢવ) ગત તા.૩૦-૧૨-૨૦૧૬ના રોજ ફરિયાદીની ૧૭ વર્ષ અને ચાર મહિનાની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો અને તેને જુદા જુદા સ્થળોએ રાખી તેણીની પર દુષ્કર્મ ગુજારી પોક્સો કાયદા હેઠળની કલમો હેઠળનો ગંભીર ગુનો આચર્યો છે. આરોપીએ પાડોશી યુવક હોવાછતાં સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેણીને દુષ્કર્મનો શિકાર બનાવી છે. સમાજમાં દિન-પ્રતિદિન દુષ્કર્મના આ પ્રકારના ગંભીર ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે કોર્ટે આરોપીના ગંભીર ગુનાહિત કૃત્યને ધ્યાને લઇ સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સબક સમાન સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. 

પીડિતાની જુબાનીના આધારે આરોપીને સજા

સ્પેશ્યલ જજ પી.એમ.સયાનીએ આ પોક્સો કેસમાં મુખ્ય તો પીડિતા(ભોગ બનનાર) સગીરાની જુબાનીના આધારે જ આરોપી યુવકને દસ વર્ષની સજા ફટકારી હતી. અધિક સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ સરકારપક્ષ તરફથી ૨૧ સાક્ષીઓને તપાસ્યા હતા અને ૨૪થી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં પીડિતાની તપાસ કરનાર ડોકટરની જુબાનીમાં પણ આરોપીના ગુનાહિત કૃત્યને સમર્થન મળ્યું હતું. બનાવની નજરે જોનાર એકમાત્ર સાક્ષી પીડિતા હોઇ કોર્ટે તે વાતને પ્રસ્થાપિત કરી તેણીના નિવેદન અને જુબાનીને જ માન્ય રાખ્યા હતા. 

City News

Sports

RECENT NEWS