VIDEO: ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરુ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામતીની કરાઈ ખાસ વ્યવસ્થા

Ahmedabad News : અમદાવાદના ધોળકામાં પ્રખ્યાત વૌઠાનો લોકમેળો યોજાય છે. આ વખતે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ છે, તેમ છતાં ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સપ્તનદીના સંગમ સ્થાને 6 દિવસ મેળો સાધુ-સંતો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સાધુ-સંતો દ્વારા વૌઠાના મેળાની વિધિવત શરુઆત
રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન આજે 1 નવેમ્બરથી 6 નવેમ્બર એટલે કે પૂનમ સુધી ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું આયોજન કરાયું છે. મેળામાં લોકોને કોઈ પ્રકારે હાલાકી ન પડે તે માટે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવી છે.

મેળામાં હરી-ફરી શકાય તે માટે ખુલા રસ્તા, લાઇટ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108ની સેવા, 181 મહિલા ટીમ, ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે મેળામાં ગ્રામપંચાયતની ઑફિસ પણ બનાવવામાં આવી છે, જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે. તેમજ પોલીસ પણ તૈનાત રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઇંચ વરસાદ
વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળો માણવા આવતા લોકોને પોતાના વાહનોને બદલે સરકારી વાહનો દ્વારા મેળામાં આવવા આહ્વાન કર્યું છે. બીજી તરફ, સાબરમતી નદીમાં ઉપરવાસના પાણી છોડતા ગ્રામ પંચાયત દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને પંચાયત દ્વારા બનાવવામાં આવેલા સ્નાનાગરનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.

