Get The App

વટવામાં એક જ કંપનીમાં કામ કરતા યુવકો વચ્ચે નજીવા મુદ્દે ઝઘડો, 1ની હત્યા, 2 ફરાર

ધૂળેટીની બપોરે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા યુવકે સાંજે કંપનીમાં આવી યુવકની હત્યા કરી

કંપનીમાં કામ કરતા ચારેય યુવકોનું મૂળ વતન ઓરિસ્સા : ચારેય મિત્રો કંપનીમાં જ સાથે રહેતા હતા

Updated: Mar 9th, 2023

GS TEAM

Google News
Google News
વટવામાં એક જ કંપનીમાં કામ કરતા યુવકો વચ્ચે નજીવા મુદ્દે ઝઘડો, 1ની હત્યા, 2 ફરાર 1 - image

અમદાવાદ, તા.09 માર્ચ-2023, ગુરુવાર

શહેરમાં વટવા વિસ્તારમાં મજાક-મસ્તીની ઘટના હત્યામાં પરિણમી છે. કંપનીના મિત્રો વચ્ચે અંદરો અંદર મજાક કર્યા બાદ ઝઘડો થયો હતો, ત્યારે બાદ કંપનીમાં રહેતા અને કામ કરતા યુવકે જ સહ કર્મચારીની હત્યા કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. વટવા જીઆઈડીસીમાં પુષ્પક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટનીમાં ડાયનેમીક ડાઈઝમાં નોકરી કરતા યુવકે સહ કર્મચારીની જ હત્યા કરવાની ઘટના બાદ બે ભાઈઓ ફરાર થઈ ગયા છે. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉશ્કેરાયેલા મિત્રએ મિત્રને જ લાકડાના ફટકા મારી પતાવી દીધો

પોલીસની ફરિયાદ મુજબ ધૂળેટીના પર્વે ડાયનેમીક ડાઈઝમાં કામ કરતા મિત્રો કંપનીમાં હાજર હતા તે દરમિયાન દિપક ગુણાનીધી નાયક (ઉ.વ.30) તેમજ કનુ નાયક નામના વ્યક્તિ વચ્ચે મસ્તી-મજાક બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન સત્યા બીદ્યાધર ઉર્ફે ટુન્નુ તેમજ કનુ નાયકના ભાઈ મનુ નાયકે ઝઘડો ન કરવા જણાવ્યું હતું. જોકે ત્યારબાદ સાંજના સુમારે સત્યા બીદ્યાધર અને મનુ કંપનીમાં હાજર હતા ત્યારે કનુ નાયકે કંપનીમાં આવી ઉશ્કેરાઈ જઈને દિપક સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન કનુએ કંપનીમાં ભઠ્ઠીમાંથી લાકડાનો ટુકડો ઉઠાવી દિપકના માથા તેમજ મોઢા પર ઉપરાછાપરી ઘા મારતા દિપકનું મોત થયું હતું.

ઓરિસ્સાના ચારેય મિત્રો એક જ કંપનીમાં કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા

આ ઘટના બાદ બંને ભાઈઓ કનુ અને મનુ કંપનીમાંથી ભાગી ગયા હતા. જોકે કંપનીના સિક્યુરિટીએ તુરંત કંપનીના શેઠ રોહનભાઈ નરેશભાઈ સોનીને જાણ કરતા તેઓ તુરંત કંપનીએ પહોંચી ગયા હતા અને તુરંત દિપકને હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે ફરજ પરના ડોક્ટરો દિપકને મૃત જાહેર કર્યો હતો. ફરિયાદ મુજબ કનુ તપન નાયક, મનુ નાયક, સત્યા બીદ્યાધર ઉર્ફે ટુન્નુ નાયક અને મૃતક દિપક નાયક એક જ કંપની ડાયનેમીક ડાઈઝ કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. ધૂળેટી પર્વે ચારેય મિત્રમાંથી દિપક અને કનુ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ મામલો શાંત થયા બાદ કનુએ સાંજે કંપનીમાં આવી દિપક સાથે ફરી ઝઘડો કર્યા બાદ લાકડાનો ટુકડો દિપકને ફટકારતા દિપકનું મોત થયું હતું. ત્યાર બાદ મૂળ ઓરિસ્સાના બે ભાઈઓ કનુ અને મનુ કંપનીમાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મૂળ ઓરિસ્સાનો સત્યા નાયકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.