વડોદરાની પ્રજ્ઞાચક્ષુ યેશાએ લેપટોપથી પરીક્ષા આપી 96.23 પર્સેન્ટાઈલ મેળવ્યા, UPSC પાસ કરવાની ઈચ્છા
Gujarat Board Class 12 Result 2025 : સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આજે સોમવારે જાહેર થયેલા પરિણામમાં વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની યેશા મકવાણાએ ધોરણ 12 આર્ટસમાં 96.23 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. યેશાએ લેપટોપ પર પરીક્ષા આપી હતી. પોતાની સફળતા વિશે વાત કરતા તેણે કહ્યું કે, 'લેપટોપ પર પરીક્ષા આપવાની હોવાથી મારે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવી પડી હતી. મેં રોજ અમુક કલાકો સુધી વાંચવું તેવો ટાર્ગેટ નહોતો રાખ્યો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું હું ટાળતી હતી. લેક્ચરો સાંભળવા માટે યુટ્યુબનો ઉપયોગ કર્યો હતો.' યેશાની ઈચ્છા ભવિષ્યમાં યુપીએસસી પરીક્ષા પાસ કરવાની છે.
રાઈટરની મદદથી નહીં, લેપટોપથી પરીક્ષા આપો
વધુમાં તેણે કહ્યું હતું કે, 'બોર્ડની પરીક્ષા છે તેવું માનીને ગભરાઈ જવાની જરૂર નથી અને મારા જેવા બીજા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે શક્ય હોય તો લેપટોપ પર પરીક્ષા આપો. તેનાથી રાઈટરની મદદની જરૂર નહીં પડે. મારી સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો અને મારા માતાપિતાને આપું છું.'
યેશાને યુપીએસસી પાસ કરવાની ઈચ્છા
યેશાના પિતાએ કહ્યું હતું કે, 'યેશા અમારા પરિવાર માટે વરદાન સમાન છે. તેની સફળતાને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી. અમને તેને ભણાવવામાં તકલીફો પડી છે, પરંતુ સામે શિક્ષકો અને બીજા લોકોનો સહકાર પણ એટલો જ મળ્યો છે. યેશાની ઈચ્છા હવે યુપીએસસી પરીક્ષા પાસ કરવાની છે અને તેના માટે અમે તેને તમામ પ્રકારનો સપોર્ટ કરીશું.'