વડોદરાના શિક્ષકને અનોખો શોખ : છેલ્લા 20 વર્ષમાં વિશ્વભરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના પેપર કટીંગ નો સંગ્રહ કર્યો છે
છેલ્લા 20 વર્ષથી ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ નો પણ સંગ્રહ કરી રહ્યા છે : પોતાના બે બાળકોના જુનિયર કેજી થી કોલેજ સુધીના દફ્તરો અને પાઠ્યપુસ્તકો પણ સાચવી રાખ્યા છે
વડોદરા તા. 27 નવેમ્બર 2002 રવિવાર
વ્યક્તિને અલગ અલગ પ્રકારના શોખ હોય છે કોઈ પોસ્ટલ સ્ટેમ્પનું કલેક્શન કરે છે કોઈ જુના ચલણી સિક્કાઓનું કલેક્શન કરે છે તો કોઈની પાસે જુના ધાતુના વાસણોનો ખજાનો હોય છે પણ વડોદરાના કરોળિયા રોડ પર ક્ષત્રિય સોસાયટીમાં રહેતા શિક્ષક હસમુખ પરમાર ને અનોખો શોખ છે તેઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાત સમાચારમાં આવતા દુનિયાભરને ચૂંટણીના સમાચારો તેના પરિણામો અને વિશ્વભરના રાજકીય નેતાઓની તસવીરોનો સંગ્રહ કરી રહ્યા છે તેમની પાસે સંગ્રહ એટલો મોટો થઈ ગયો છે કે હવે તેમના ઘરમાં રાખવાની પણ જગ્યા નથી.
હસમુખભાઈ કહે છે કે "મને રાજકારણ અને ક્રિકેટમાં રસ પડે છે 20 વર્ષ પહેલા મને વિચાર આવ્યો કે દેશ વિદેશમાં બનતી રાજકીય ઘટનાઓ અને ખેલ જગતમાં બનતી ઘટનાઓનો સંગ્રહ કરવો જોઈએ મારે ઘરે વર્ષોથી ગુજરાત સમાચાર આવે છે એટલે મેં ગુજરાત સમાચારમાં આવતા સમાચારો અને ફોટાઓનું કટીંગ કરી તેનો સંગ્રહ કરવાનું ચાલુ કર્યું જે આજે પણ ચાલે છે મારી પાસે છેલ્લા 20 વર્ષના દુનિયાભરની ચૂંટણીના વિશ્લેષણો અને તેના પરિણામોની સાથે સાથે વિશ્વના દરેક રાજકીય નેતાઓના ફોટાઓ નું કટીંગ છે ઉપરાંત ગુજરાત સમાચારમાં આવતા સ્પોર્ટ્સના પાનાનો પણ ૨૦ વર્ષનો સંગ્રહ મારી પાસે છે.
સચિન તેંડુલકરની હજારો તસવીરનો પણ સંગ્રહ છે આ ઉપરાંત અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને માધુરી દીક્ષિતની પણ તસવીરો મોટા પ્રમાણમાં છે" "આટલું જ નહીં દુનિયામાં સર્જાયેલી કુદરતી આફતો જેમ કે પુર, ભૂકંપ અને દાવાનળને લગતા સમાચારોનો સંગ્રહ પણ મારી પાસે છે. ક્રિકેટરોના પોસ્ટરો, મોદીજીની તસ્વીરોનો પણ મોટો સંગ્રહ છે... "
"તમને જાણીને નવાઈ થશે કે હું 15 વર્ષથી એક જ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવું છું દર વખતે હું રૂ. 100નુ પેટ્રોલ પુરાવું છું અને તેની પાવતી પણ લઈ લઉં છું છેલ્લા 15 વર્ષની આ પાવતીઓનો સંગ્રહ પણ મારી પાસે છે મારા બે બાળકોના જુનિયર કેજી થી કોલેજ સુધીના દફ્તરો અને પાઠ્યપુસ્તકો પણ મેં સંઘરી રાખ્યા છે"