For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રસીકરણમાં મોડા પડયા : સૌરાષ્ટ્ર, કચ્છમાં લમ્પીથી હજારો ગાયોના મોત

Updated: Aug 5th, 2022

Article Content Image

કોરોનાની જેમ લમ્પીના મૃત્યુઆંક પર પણ પડદો રહેશે! રાજકોટ,જામનગરમાં રોજ સરેરાશ 100 ગૌવંશના મૃત્યુ, લમ્પીને કારણે ચમારો ચામડા માટે મૃતઢોર લઈ જતા નથી

રાજકોટ, : ભારતમાં ત્રણ વર્ષ પહેલા અને વિશ્વમાં 10 વર્ષથી પ્રસરેલો અને 1929થી વિશ્વમાં સક્રિય લમ્પી સ્કીન ડીસીઝ (એલ.એસ.ડી.) નામનો  વાયરલ રોગચાળાથી ગુજરાતના પશુધનને બચાવવા મે માસમાં થવું  જોઈતું સો ટકા વેક્સીનેશન હજુ ચાલી રહ્યું છે ત્યારે ગૌમાતાના અને ગૌવંશના મોતનો સિલસિલો જારી રહ્યો છે. દૂધ ઉત્પાદનમાં અગ્રેસર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજારો ગૌવંશના મૃત્યુ નીપજ્યાનું તારણ ગામેગામથી મળતા અહેવાલો, ફરિયાદો પરથી નીકળ્યું  છે પરંતુ, કોરોનાની જેમ હવને પશુ મોતના આંકડા પર જાણ્યે અજાણ્યે પડદો પડી રહ્યો છે. 

રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં રોજ  બે-ચાર મોત સરકારી તંત્ર દ્વારા જાહેર કરાય છે અને આજે વધુ 5 ઢોર સહિત કૂલ 35ના મોત થયાનું જાહેર થયું છે. જિલ્લામાં સત્તાવરા રીતે 3361 ઢોર લમ્પીગ્રસ્ત થયા છે. જો કે પશુપાલન વિભાગ દ્વારા 1.97  ઢોરને રસીથી સુરક્ષિત કરી લીધા છે અને સૌરાષ્ટ્રભરમાં આ કામગીરી ચાલી રહી છે પરંતુ, રસીની અસર થાય તે પહેલા ઢોરમાં જબરદસ્ત મહામારી પ્રસરી છે.

બીજી તરફ, માત્ર રાજકોટ ,જામનગર બે શહેરમાં જ રોજ સરેરાશ 15 મોતની જગ્યાએ મનપા રોજ 90થી 100 ગૌવંશના મૃતદેહોનો નિકાલ કરી રહી છે. જામનગરમાં આજે પણ 49 ગૌવંશના મૃતદેહોને મહાપાલિકા તંત્ર દ્વારા દાટવામાં આવ્યા હતા. આ સિલસિલો દસેક દિવસથી ચાલુ છે. અર્થાત્ રાજકોટ,જામનગરમાં અંદાજે 700 ગૌવંશના મૃત્યુ થયાનો અંદાજ નીકળે છે. 

આ મૃત્યુ લમ્પીના કારણે થયાનું તંત્ર સ્વીકારતું નથી, માલધારીઓના ઢોર પણ હવે મોટી સંખ્યામાં મોતને ભેટે છે ત્યારે માલધારીઓનો સંપર્ક સાધતા જણાવ્યું કે ચોમાસામાં ગાયમાં ખરવા નામનો રોગ સામાન્ય છે પણ તેમાં આવા મૃત્યુ થતા નથી.આ લમ્પીના કારણે જ લાગે છે. જિલ્લા તંત્રો દ્વારા ગામેગામ મોતનો સિલસિલો છતાં પોસ્ટમોર્ટમ કે મૃત્યુ પામેલા ઢોર માટે નિયત ફોર્મ ભરાવીને મોતના કારણો,રોગના લક્ષણો અંગે નોંધ કરાવાતી નથી. 

રાજકોટમાં મૃતપશુઓનું ચામડું ઉપયોગમાં આવે તે હેતુથી ચમારો મૃતદેહો લઈ જતા હતા પરંતુ, મનપા સૂત્રો અનુસાર હવે તેઓ મૃતદેહ લઈ જતા નથી અને માલિયાસણ પાસે 8 એકર જમીનમાં ખાડા કરીને રાતદિવસ મૃતદેહો દાટવામાં આવી રહ્યા છે. 

પશુપાલનમાં અગ્રેસર કચ્છની કમનસીબી એ છે  કે ઉનાળામાં પાણી અને ઘાસની તંગીથી પશુઓનું સ્થળાંતર કરાયું હતું, હવે ભારે વરસાદ પછી લમ્પીથી કચ્છમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. ગઈકાલે એક દિવસમાં સત્તાવાર મોત જ 109 હતા. 

એક દુઝણી ગાય રોજ 5થી 10 લિટર દૂધ આપતી હોય છે ત્યારે લમ્પી વાયરસથી  ગાયોના મૃત્યુ અને એક-બે સપ્તાહ બિમાર રહે તે દરમિયાન દૂધ ઉત્પાદનમાં સ્વાભાવિક ઘટાડો થાય છે. રાજકોટ ડેરી એસો.એ જણાવ્યા મૂજબ 25થી 30,000 લિટર દૂધની આવક ઘટી છે, સૌરાષ્ટ્રમાં 10 લાખ લિટરથી વધુ દૂધ ઉત્પાદન ઘટયાનો અંદાજ છે.  

Gujarat