સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણમાં વધુ ત્રણ ઇંચ સુધી કમોસમી વરસાદ
'હવે ખમૈયા કરો, માવઠાં મહારાજ'ની ખેડૂતોની પ્રાર્થના
કલ્યાણપુરમાં ધોધમાર ત્રણ ઇંચ અને માળિયા હાટીનામાં બે ઇંચ, જામજોધપુર, માણાવદર, ધારીમાં દોઢ તો લાલપુરમાં એક ઇંચ માવઠાંથી માર્ગો પર પાણી ફરી વળ્યાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનો મુકામ રહ્યો છે, ત્યારે આજરોજ કલ્યાણપુર તાલુકામાં બપોરે આશરે ત્રણેક વાગ્યાથી ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતાં ૩ ઇંચ (૭૨ મિલીમીટર) પાણી વરસી જવા પામ્યું હતું. તેજ પવન સાથે વાઝડી જેવા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. અને કેટલાક સ્થળોએ નાની-મોટી નુકસાની પણ થવા પામી હતી. ખંભાળિયા તાલુકામાં પણ બપોરથી સાંજ સુધી અવિરત રીતે વરસાદી વાદળોની જમાવટ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં. આ સાથે કલ્યાણપુરમાં ૧૧૨ મિલીમીટર ભાણવડમાં ૯૯ મિલીમીટર અને ખંભાળિયામાં ૭૪ મિલીમીટર કમોસમી વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતોને નાની-મોટી નુકસાની થવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટા વચ્ચે તાલાલા પંથકમાં સવારે થોડી વરાપ બાદ બપોરના સમયે તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો, જે અડધાથી પોણા ઇંચ જેટલો ખાબકતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદથી અનેક નાળા-વોંકળામાં નવા નીર વહેતા થતાં નદીઓમાં પૂર આવવા લાગ્યા છે. અવિરત છ દિવસથી પડતાં કમોસમી વરસાદથી ત્રાહીમામ ખેડૂતો દ્વારા મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લામાં આજે ધારીમાં દોઢ ઇંચ, લાઠીમાં પોણો ઇંચ અને બાબરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. લાઠી પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતાં. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા શહેરમાં અને આજુબાજુના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં જોરદાર ઝાપટું પડયુ ંહતું. ધારીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. ચલાલા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. બગસરા પંથકમાં સાપર, સુડાવડ, લુધીયા સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. વડિયા પંથકમાં વડીયા, દેવગામ, દડવા, માયાપાદર, હનુમાન ખીજડીયા, ચોકી સહિત વરસાદ વરસ્યો હતો. નાના ભંડારીયાની નદીમાં પૂર આવ્યું હતું અને અમરેલીમાં વૃક્ષ તૂટી પડયું હતું.
જામનગર જિલ્લામાં આજે બપોર પછી જામજોધપુરમાં ૪૦ મીમી અને લાલપુરમાં ૨૫ મીમી કમોસમી વરસાદ નોધાયો છે. ખાસ કરીને જામજોધપુરના સડોદર સહિતના આસપાસનાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતાં કેટલાક નદી-નાળામાં પૂર આવ્યા હતાં. તો કેટલાક ખેડૂતનાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. લાલપુર પંથકમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. અને લાલપુરની ઢાંઢર નદીમાં પાણી આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં આજે પણ માવઠાનો માહોલ યથાવત રહ્યો હતો. આજે રવિવારે માળિયા હાટીનામાં ધોધમાર બે ઇંચ અને માણાવદરમાં દોઢ ઇંચ તથા વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કેશોદમાં જોરદાર ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. એ જ રીતે રાજકોટ જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટાં વચ્ચે લોધીકામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદર જિલ્લામાં આજે વાદળછાંયા વાતાવરણ વચ્ચે પોરબંદર અને રાણાવાવમાં ૪-૫ મીમીનું જોરદાર ઝાપટું પડયું હતું.
આજે પણ તેજ પવન સાથેનાં માવઠાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે સોમવારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે જોરદાર ઝાપટાથી માંડીને ૩ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ માટે આવતીકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં તા. ૧૩થી વરસાદનું જોર ઘટી જશે અને મંગળવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં માવઠું વરસવાની આગાહી કરાઇ છે.
ક્યાં
કેટલો વરસાદ |
કલ્યાણપુર-૩.૦૦ |
મા.
હાટીના-૨૦૦ |
જામજોધપુર-૧.૩૦ |
માણાવદર-૧.૩૦ |
ધારી-૧.૩૦ |
લાલપુર-૧.૦૦ |
લોધીકા-૦.૭૫ |
લાઠી-૦.૭૫ |
તાલાલા-૦.૭૫ |
વિસાવદર-૦.૫૦ |
બાબરા-૦.૫૦ |