ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૩માં
કપાયેલા ઝાડના થડિયા ઉપર ટાયર ચડી જતા ઠપકો આપીને હુમલો કરતા પોલીસ ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ માંઆવેલા શિવ ટ્રાવેલ્સની ઓફિસે ગાડીમાં થયેલા નજીવા નુકસાન બાબતે ઉશ્કેરાયેલા માલિકે પોતાના જ કર્મચારીને લાકડાના ધોકાથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ હુમલામાં કર્મચારીના જમણા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થયું છે. પોલીસે ટ્રાવેલ્સના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૨ માં રહેતા મુકેશભાઈ બાબુભાઈ રાવળ છેલ્લા કેટલાક દિવસોથી
સેક્ટર-૨૩ ખાતે આવેલી શિવ ટ્રાવેલ્સની ઓફિસે ગાડીઓની સાફ-સફાઈ અને અન્ય કામકાજ
માટે જતા હતા. ગત ગુરુવારે સાંજના સમયે ટ્રાવેલ્સના માલિક કોલવડાના ભગીરથસિંહ
વાઘેલાની ઇનોવા ગાડીનું પંચર કરાવવા માટે મુકેશભાઈ ગયા હતા. ટાયર બદલાવી પરત ફરતી
વખતે, સેક્ટર-૨૫
રેલવે ફાટક નજીક રોડ પર ગાડી વાળતી વખતે,
ગાડીનું ટાયર રસ્તા પર પડેલા કાપેલા ઝાડના થડિયા ઉપર ચડી ગયું હતું. આના કારણે
ગાડીના ડ્રાઇવર સાઇડના ટાયરનું ફૂટ્રેસ તૂટી ગયું હતું. આ નુકસાનની જાણ થતાં
ભગીરથસિંહ વાઘેલાએ મુકેશભાઈને સેક્ટર-૨૩ સ્થિત શિવ ટ્રાવેલ્સની ઓફિસે બોલાવ્યા
હતા. ત્યાં તેં ગાડી કેમ ઝાડના થડિયા પર ચડાવેલ છે? તેમ કહી મુકેશભાઈને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.
ઉશ્કેરાઈને, ભગીરથસિંહે
ઓફિસની બાજુમાં પડેલા લાકડાના ડંડા વડે મુકેશભાઈને માર માર્યો હતો. જેના પગલે
તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્ય ઈજાઓ પહોંચી હતી જોકે સમાધાન નહીં
થતાં તેમણે ગાંધીનગર સિવિલમાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી છે.

