For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિવાળી પહેલા નેચરલ અને સિન્થેટિક હીરાનો વેપાર સારો રહ્યો હવે 25મીથી એકમો ખુલશે

Updated: Nov 10th, 2021

Article Content Image

-એકમો શરૃ થાય તે પહેલા તા. 21થી બજારમાં કામકાજ શરૃ થઇ જશે

દિવાળી પહેલાની જેમ જ કામકાજ આગળ વધે તેવી વેપારીઓને આશા

સુરત,        

દિવાળી પહેલા હીરા બજારમાં કામકાજો ખૂબ જ સારાં રહ્યાં હતાં. નેચરલની સાથોસાથ સિન્થેટિક હીરાનો વેપાર પણ વધ્યો હતો. મેન્યુફેક્ચરિંગ એકમો તા.૨૫મીથી ખુલવાનું શરૃ થશે, તે પહેલાં હીરા બજારમાં કામકાજ દિવાળી પૂર્વેની જેમ આગળ વધવાની આશા-અપેક્ષાઓ છે.

દિવાળી પહેલાં હીરા ઉદ્યોગમાં ખૂબ જ તેજી હોવાને કારણે નાનાં મોટાં વેપારીઓ, દલાલો અને કારખાનેદારો સારૃં કમાયા હતાં. નેચરલની સાથે સિન્થેટિક ડાયમંડમાં પણ માંગ હોવાને કારણે કેરેટ દીઠ રૃ.1500થી 2000નો વધારો નોંધાયો હતો. નેચરલની સરખામણીમાં જોકે, સિન્થેટિકનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.

હીરા ઉદ્યોગકારોને આ વર્ષે કોઈ તકલીફ પડી નહીં. વેપાર ઘણો સારો રહ્યો અને પેમેન્ટની પણ છૂટછાટ રહી. માર્કેટ ખૂબ જ સારૃં રહ્યું હોવાને કારણે, હવે દિવાળી પછી પણ કામકાજ જળવાઈ રહેવાની આશા રાખવામાં આવી રહી છે. હીરાના મેન્યુફેક્ચરિંગ એકમો શરૃ થાય તે પહેલાં તા. 21મીથી હીરા બજારમાં કામકાજ શરૃ થશે, એમ વરાછા ચોકસીબજારના વેપારીએ કહ્યું હતું.

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાં 80 ટકા આસપાસ લોકો વતન અને ફરવા માટે ઉપડી ગયાં છે. ગત વર્ષે કોરોનાને કારણે વતન નહીં જઇ શકનારાઓ પણ આ વખતે દિવાળીની ઉજવણી માટે ઉપડી ગયા છે. નવેમ્બરની તા.25મીથી મેન્યુફેક્ચરિંગ એકમો શરૃ થાય તે પહેલાં ધીરે ધીરે કારીગર વર્ગ અને કારખાનેદારો પરત થવાનું શરૃ કરશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

Gujarat